કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહના હસ્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ‘મિશન ફાઈવ મિલિયન ટ્રી’ અંતર્ગત અંદાજે ૧.૨૫ કરોડ વૃક્ષોનું સામૂહિક વૃક્ષારોપણ તેમજ એએમસી, ઔડા તથા માર્ગ અને મકાન વિભાગના મળીને અંદાજિત રૂ. ૪૦૫ કરોડનાં વિવિધ પ્રજાલક્ષી વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ તથા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં સાયન્સ સિટી ખાતે આયોજિત આ કાર્યક્રમમાં ગાંધીનગર લોકસભા વિસ્તારમાં કુલ ૧૦૧ ઑક્સિજન પાર્ક તથા ૧૫૫ એસી ઈલેક્ટ્રિક BRTS-AMTS બસનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું.
કેન્દ્રીય મંત્રી શ્રી અમિત શાહે જણાવ્યું કે ગાંધીનગર લોકસભા ક્ષેત્ર અને અમદાવાદ શહેરમાં પર્યાવરણના સંરક્ષણ અને પૃથ્વીના સંવર્ધન માટે એક અભૂતપૂર્વ ‘જન અભિયાન’ હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં આજે એક જ દિવસમાં ૧,૨૫,૯૩,૫૧૩ વૃક્ષો રોપવાનું ભગીરથ કાર્ય પૂર્ણ કરીને એક નવો વિક્રમ સ્થાપવાની નેમ વ્યક્ત કરી હતી.
આ સાથે જ અમદાવાદના ત્રણેય લોકસભા વિસ્તારોમાં અલગથી ૫૦ લાખ વૃક્ષો વાવવાનું મહત્ત્વાકાંક્ષી અભિયાન પણ તેજ ગતિએ ચાલી રહ્યું છે જેના માટે તેમણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરીની સરાહના કરી, માત્ર ત્રણ મહિનામાં અશક્ય લાગતી આ કામગીરી પૂર્ણ કરવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રીએ કહ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ‘એક પેડ માં કે નામ’ આહ્વાનથી પ્રેરાઈને આ અભિયાન હવે એક જન આંદોલન બની ગયું છે. માત્ર ગાંધીનગર લોકસભાના ૧,૩૭,૮૧૨ નાગરિકોએ પોતાની સોસાયટીમાં પાંચ-પાંચ વૃક્ષ રોપવાનો સંકલ્પ લીધો છે. જ્યારે અમદાવાદ શહેરના અન્ય સંસદીય વિસ્તારોના પણ ૨૮,૫૪૪ નાગરિકોએ આ સંકલ્પ લીધો છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
વડાપ્રધાનશ્રીએ આપેલો ’વન સાથે જન અને પ્રકૃતિ સાથે પ્રગતિ’નો મંત્ર દોહરાવી તેમણે કહ્યું કે આ તમામ વૃક્ષોમાં ગોરસ આંબલી, સીસમ, વડ, પીપળો જેવાં વૃક્ષોનો સમાવેશ થાય છે. જે પ્રત્યેક વૃક્ષ ઓછામાં ઓછું ૧૦૦ વર્ષ કરતાં વધુ આયુષ્ય ધરાવે છે. આમ, આજે રોપેલાં આ વૃક્ષો આવનારી અનેક પેઢીઓને છાંયડો આપશે, તેમ તેમણે ઉમેર્યું હતું.
શ્રી શાહે ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં ગ્રીનરીનું પ્રમાણ ૧૧.૨૩ ટકાથી વધારીને ૨૦ ટકા કરવાનો મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો હતો. વાયુ પ્રદૂષણ ઘટાડવા અને કાર્બન ઉત્સર્જન રોકવા માટે નવી ૮૦ BRTSની અને ૭૫ AMTSની ઇલેક્ટ્રિક બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ સાથે જ અમદાવાદ BRTS દેશની એકમાત્ર સંપૂર્ણ પ્રદૂષણ મુક્ત બસ સેવા બની છે.
શ્રી શાહે નાગરિકો સમક્ષ વિકાસકામોનું સરવૈયું રજૂ કરતાં કહ્યું કે અત્યાર સુધીમાં ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં કુલ રૂ. ૨૮,૪૯૨ કરોડનાં કામો પૂર્ણ થયાં છે.
શ્રી અમિતભાઈએ વધતાં જતાં કાર્બન ઉત્સર્જન વિશે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે ભાવિ પેઢી માટે પૃથ્વીને જીવવાલાયક રાખવા માટે વૃક્ષોનું આવરણ જરૂરી છે. આ માટે તેમણે દરેક નાગરિકને પોતાના ઘર પર સોલાર રૂફટોપ લગાવવા અને સોસાયટીના દરેક ખૂણે વૃક્ષ વાવવા અપીલ કરી હતી. જેથી વધતાં તાપમાન અને ઓઝોન સ્તરના નુકસાન સામે આવનારી પેઢીઓને રક્ષણ મળી શકે.
આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશને પર્યાવરણની જાળવણી સાથે વિકાસ કરવાનું નવું દિશાદર્શન આપ્યું છે. વડાપ્રધાનશ્રીએ આપેલા ‘વન સાથે જન અને પ્રકૃતિ સાથે પ્રગતિ’ના અભિગમને આજે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં સાકાર કરવામાં આવી રહ્યો છે.
મુખ્યમંત્રીશ્રીએ લોકભાગીદારી થકી થઈ રહેલા વિક્રમી વૃક્ષારોપણને બિરદાવતા કહ્યું કે આજે વૃક્ષારોપણ એક સાર્વત્રિક જનઆંદોલન બની ચૂક્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પર્યાવરણની જાળવણી માટે ‘બેક ટુ બેઝિક’નો મંત્ર આપ્યો છે. આજે પાણી અને વીજળી સહિતના દરેક ક્ષેત્રમાં પર્યાવરણની જાળવણી એ આપણો મુખ્ય ધ્યેય હોવો જોઈએ, એવું તેમણે ઉમેર્યું હતું.
શ્રી પટેલે વધુમાં જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે દેશભરમાં સર્વપ્રથમ અલગ ‘ક્લાઈમેટ ચેન્જ વિભાગ’ શરૂ કરાવ્યો હતો. ભૂગર્ભ જળના સ્તર ઊંચા લાવવા માટેના વડાપ્રધાનશ્રીના પ્રયાસોનો ઉલ્લેખ કરીને મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે ‘કેચ ધ રેઇન’ અભિયાન અંતર્ગત વરસાદી પાણીને જમીનમાં ઉતારવાનું ભગીરથ કાર્ય થઈ રહ્યું છે. વડાપ્રધાનશ્રીના આહ્વાન પર દરેક જિલ્લામાં ૭૫ અમૃત સરોવરો બનાવવાનું ઐતિહાસિક કામ પૂર્ણ થયું છે. આ ઉપરાંત, ‘એક પેડ માં કે નામ 2.O’ અભિયાન અંતર્ગત રાજ્યમાં ૧૦.૯૬ કરોડ વૃક્ષો, શહેરોમાં ઓક્સિજન પાર્કના નિર્માણ અને ૮૨ જેટલા ‘નમો વન’માં ૧૪ હજારથી વધુ વૃક્ષોનું વાવેતર કરીને શહેરોમાં ગ્રીન કવર વધારામાં આવ્યું છે.
ગાંધીનગર લોકસભા વિસ્તારના વિકાસ અંગે વાત કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે આ વિસ્તારને દેશનો સૌથી વધુ વિકસિત ક્ષેત્ર બનાવવાનો ધ્યેય છે. લોકસભા મતવિસ્તારમાં થઈ રહેલાં વિવિધ લોકઉપયોગી વિકાસ કાર્યોના લોકાર્પણને કારણે નાગરિકોની ‘ઇઝ ઓફ લિવિંગ’માં મોટો વધારો થયો છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ઉપસ્થિત નાગરિકોને અપીલ કરતા જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વર્ષ-૨૦૪૭ સુધીમાં ‘વિકસિત ભારત’ બનાવવાના સંકલ્પને સિદ્ધ કરવા માટે આપણે સૌએ સાથે મળીને કામ કરવું જોઈએ અને અમદાવાદ મહાનગરને વધુ સ્વચ્છ, સ્વસ્થ અને હરિયાળું મહાનગર બનાવવા પ્રયાસ કરવા જોઈએ.
આ પ્રસંગે અમ્યુકોના મેયર હિતેશભાઈ બારોટે સ્વાગત પ્રવચન કરી, આજના સામૂહિક વૃક્ષારોપણની આંકડાકીય માહિતી આપી હતી.
આ પ્રસંગે પર્યાવરણની જાળવણી માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કુલ ૧૦૧ ઓક્સિજન પાર્ક ખુલ્લા મૂકવામાં આવ્યા છે. જેમાં સમાવિષ્ટ ૬૧ નવા ઓક્સિજન પાર્ક સાથે ગાંધીનગર મતક્ષેત્રમાં હવે કુલ ૭૩ ઓક્સિજન પાર્ક થયા છે. આ સાથે જ નાગરિકો આ તમામ પાર્કની વિગતો, વૃક્ષોની સંખ્યા અને લોકેશન જાણી શકે તે માટે એક વિશેષ ‘ઈ-બુક’નું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ સિવાય, કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રીશ્રીની ઉપસ્થિતિમાં અમદાવાદ શહેર તેમજ સમગ્ર ગાંધીનગર લોકસભા વિસ્તારને ‘હરિયાળી લોકસભા’ બનાવવાના ઉદ્દેશથી ITC India Ltd., વિશ્વનાથ રીઅલ્ટર્સ, એસોસિએશન ઑફ ઓટોમોબાઈલ ડીલર્સ અને શિતલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઇફકો, GUDA સાથે શહેરમાં વૃક્ષારોપણ અને સતત ત્રણ વર્ષ સુધી તેના જતન માટેના એમઓયુ કરવામાં આવ્યા હતા.
આ સાથે જ કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં ગોતા ગોધાવી કેનાલ, ભાડજ; સવન્નાહ પાર્ટી પ્લોટ, સરખેજ, એન.ડી.ડી.બી પ્લોટ, વાડજ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષ અને ધારાસભ્ય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, શહેરી વિકાસ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબહેન વાઘેલા, સંસદસભ્યશ્રીઓ શ્રી હસમુખભાઈ પટેલ, શ્રી દિનેશભાઈ મકવાણા, સર્વે ધારાસભ્યશ્રીઓ શ્રી અમિતભાઈ શાહ, શ્રી અમુલભાઈ ભટ્ટ, શ્રી જીતુભાઈ પટેલ, શ્રી કૌશિકભાઇ જૈન, શ્રી અમિતભાઈ ઠાકર, શ્રી દિનેશસિંહ કુશવાહ, શ્રીમતી કંચનબહેન રાદડિયા, સુશ્રી પાયલબહેન કુકરાણી, શ્રી બાબુસિંહ જાદવ, શ્રી કનુભાઈ પટેલ, શ્રી બાબુભાઈ જ. પટેલ, શ્રીમતી રીટાબેન પટેલ, ઇફકોના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી, રાજ્યના મુખ્ય સચિવ શ્રી એમ.કે. દાસ, મ્યુનિસિપલ કમિશનર શ્રી બંછાનિધિ પાની, શહેર પ્રમુખ શ્રી પ્રેરકભાઇ શાહ, ડેપ્યુટી મેયર શ્રીમતી અંજુબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી કમલેશભાઈ પટેલ સહિતના કોર્પોરેશન પદાધિકારીઓ, અધિકારીઓ, કોર્પોરેટેશ્રીઓ, આગેવાનો અને બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.





