એસ. જાનકીનાં હજારો ગીતો સંગીતપ્રેમીઓનાં હૃદયમાં ગુંજે છે દક્ષિણની ફિલ્મોનાં ગાનકોકિલા “જાનમ્મા” નાદબ્રહ્મમાં વિલીન એસ. જાનકી અને મહાન ગાયક એસ. પી. બાલાસુબ્રહ્મણ્યમની જાેડીએ દક્ષિણ ભારતીય સિનેમાને સેંકડો સદાબહાર રોમેન્ટિક ગીતો આપ્યા દક્ષિણ ભારતીય સિનેમાના સંગીત જગતમાં એસ. જાનકી (શિષ્તલા જાનકી)ના નિધન સાથે દક્ષિણભારતીય ફિલ્મ સંગીત જાણે રાંક બન્યું છે. તેમના અવાજ વગર દક્ષિણનું સંગીત અધૂરું ગણાય છે. તેમને આદરપૂર્વક “જાનમ્મા” અને “દક્ષિણ ભારતની નાઇટીંગેલ” (ગાનકોકિલા) તરીકે ઓળખવામાં આવે છે. સુપ્રસિદ્ધ પ્લેબેક સિંગર (પાર્શ્વ ગાયિકા) એસ. જાનકીના રવિવારે સાંજે અહીં તેમના કનિયાનહુંડી ફાર્મહાઉસ ખાતે સંપૂર્ણ રાજ્ય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. શનિવારે સાંજે શ્વાસની તકલીફ બાદ ૮૮ વર્ષની વયે એક ખાનગી હોસ્પિટલમાં આ ગાયિકાનું અવસાન થયું હતું. એસ. જાનકીનો જન્મ ૨૩ એપ્રિલ, ૧૯૩૮ ના રોજ આંધ્રપ્રદેશના મદ્રાસ પ્રેસિડેન્સીમાં (બ્રિટિશ ભારત સમયે) ગુંટુર જિલ્લાના રેપલ્લે તાલુકાના પલ્લપટલામાં થયો હતો. તેમના પિતા આયુર્વેદિક ડૉક્ટર હતા. તેમણે નવ વર્ષની ઉંમરે પહેલી વાર સ્ટેજ પર પર્ફાેર્મન્સ આપ્યું હતું. બાદમાં શાસ્ત્રીય શાસ્ત્રીય સંગીત શીખ્યું. જ્યારે તેઓ ૨૦ વર્ષનાં હતાં ત્યારે એક સંબંધીની સલાહથી ચેન્નાઈ ગયાં હતાં અને ત્યાં સંગીતકાર આર. સુદર્શનમ સાથે ગાયિકા તરીકે કામ કર્યું. તેઓએ ૧૯૫૭ ની તમિલ ફિલ્મ ‘વિધીયિન વિલાયત્તુ’ થી પ્લેબેક સિંગર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી. તે પછી, તેમણે ક્યારેય પાછળ વળીને જાેયું નહીં. ૧૯૬૦ થી ૧૯૯૦ ના દાયકા સુધી તેઓ દક્ષિણ ભારતની ફિલ્મોમાં ટોચનાં મહિલા ગાયિકા રહ્યાં. ઈલૈયારાજા, એમ.એસ. વિશ્વનાથન અને એ.આર. રહેમાન જેવા દિગ્ગજ સંગીતકારો સાથે તેમણે અદભુત કામ કર્યું.એસ.પી.બી. સાથેની જાેડી: એસ. જાનકી અને મહાન ગાયક એસ. પી. બાલાસુબ્રહ્મણ્યમની જાેડીએ દક્ષિણ ભારતીય સિનેમાને સેંકડો સદાબહાર રોમેન્ટિક ગીતો આપ્યા છે. આ જાેડી ભારતીય સંગીત ઇતિહાસની સૌથી સફળ જાેડીઓમાંથી એક ગણાય છે. સંગીત ક્ષેત્રે લગભગ ૬૦ વર્ષની ભવ્ય કારકિર્દી પછી, તેમણે ૨૦૧૭માં સત્તાવાર રીતે લાઈવ પર્ફાેર્મન્સ અને પ્લેબેક સિંગિંગમાંથી નિવૃત્તિ લીધી. ચાહકો તેમને પ્રેમથી જાનકી અમ્મા કહેતા હતા. તેમના હજારો ગીતો આજે પણ કરોડો સંગીતપ્રેમીઓના હૃદયમાં ગુંજે છે.ગાયિકા એસ. જાનકીને ૨૦૧૩માં પદ્મ ભૂષણ એવોર્ડ માટે પસંદ કરાયાં હતા, પરંતુ તેમણે નમ્રતાપૂર્વક આ એવોર્ડ લેવાનો ઇનકાર કર્યાે હતો. તેમની એવી દલીલ હતી કે તેમને દેશના સર્વાેચ્ચ નાગરિક સન્માન ભારત રત્ન માટે પસંદ કરવાં જાેઈએ. એસ. જાનકીને ચાર વખત શ્રેષ્ઠ મહિલા પ્લેબેક સિંગરનો રાષ્ટ્રીય પુરસ્કાર અને ૩૦ થી વધુ અલગ-અલગ રાજ્ય એવોર્ડ સહિત અનેક પ્રતિષ્ઠિત પુરસ્કારો પણ મળ્યા છે.તેમની ગાયકીની મુખ્ય વિશેષતાઓ એસ. જાનકી પોતાના અવાજને ગમે તે રીતે બદલી શકતાં હતાં. તેઓ એક નાની બાળકીથી લઈને એક વૃદ્ધ મહિલા સુધીના કોઈપણ પાત્ર માટે અવાજ કાઢી શકતાં હતાં. ફિલ્મોમાં બાળકોનાં ગીતો માટે તેઓ સંગીતકારોની પહેલી પસંદ હતાં. તેમની ગાયકી ભાવપ્રધાન હતી. તેમનાં ગીતોમાં માત્ર સૂર નહોતા, પણ ઊંડી લાગણીઓ હતી. રોમેન્ટિક ગીત હોય, કરુણ ગીત હોય કે પછી શાસ્ત્રીય નૃત્ય આધારિત ગીત – તેઓ દરેક ભાવને હૂબહૂ રજૂ કરતાં.





