સરહદોની સુરક્ષા માટે ભારતનું મોટું પગલું ૧૫ હજાર કરોડના ખર્ચે ભારત બનાવશે હાઈ ઑલ્ટિટ્યુડ એરશિપ ૨૦ કિલોમીટરથી વધુ ઊંચાઈએ મહિનાઓ સુધી ઉડી શકશે એરશિપ; ચીનની ગતિવિધિઓ પર નજર રાખવામાં મળશે મદદ
ભારત પોતાની સંરક્ષણ ક્ષમતાને વધુ મજબૂત બનાવવા માટે હાઈ ઑલ્ટિટ્યુડ એરશિપ (High Altitude Airship) વિકસાવવાની મહત્ત્વાકાંક્ષી યોજના પર કામ શરૂ કરી રહ્યું છે. અંદાજે ૧૫ હજાર કરોડના ખર્ચે તૈયાર થનારો આ પ્રોજેક્ટ સંરક્ષણ મંત્રાલયની ‘મેક-૧‘ યોજના હેઠળ અમલમાં મૂકવામાં આવશે. આ સ્વદેશી એરશિપ ૨૦ કિલોમીટરથી વધુ ઊંચાઈએ લાંબા સમય સુધી ઉડાન ભરવામાં સક્ષમ હશે અને સરહદી વિસ્તારોમાં સતત દેખરેખ રાખવા, ગુપ્તચર માહિતી એકત્રિત કરવા તેમજ સંદેશાવ્યવહાર વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ પ્રોજેક્ટ ભારતીય વાયુસેનાના ડાયરેક્ટોરેટ ઓફ ઓપરેશન્સની દેખરેખ હેઠળ વિકસાવવામાં આવશે.
એરશિપને ‘એરશિપ-બેઝ્ડ હાઈ ઑલ્ટિટ્યુડ સ્યુડો સેટેલાઇટ (HAPS)‘ તરીકે વિકસાવવામાં આવશે, જે મહિનાઓ સુધી આકાશમાં રહીને સતત કામગીરી કરી શકશે. તેમાં અત્યાધુનિક રડાર, હાઈ-રિઝોલ્યૂશન કેમેરા અને ઇલેક્ટ્રોનિક ઇન્ટેલિજન્સ સિસ્ટમ જેવી આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે.
નિષ્ણાતોના જણાવ્યા મુજબ, આ સિસ્ટમ ડ્રોન અને સેટેલાઇટ વચ્ચે રહેલા ટેક્નિકલ અંતરને દૂર કરશે. સામાન્ય ડ્રોન આશરે ૧૨ કિલોમીટર સુધીની ઊંચાઈએ કાર્ય કરી શકે છે, જ્યારે લો-અર્થ ઓર્બિટ સેટેલાઇટ્સ ૫૦૦થી ૨,૦૦૦ કિલોમીટરની ઊંચાઈએ કાર્યરત હોય છે. હાઈ ઑલ્ટિટ્યુડ એરશિપ આ બંને વચ્ચે રહીને લાંબા સમય સુધી એક જ વિસ્તારમાં સતત નજર રાખવાની સુવિધા પૂરી પાડશે. ઉપરાંત, તે જમીન પરથી સેટેલાઇટ સુધી સુરક્ષિત ડેટા ટ્રાન્સમિશનમાં પણ મદદરૂપ બનશે.
સંરક્ષણ મંત્રાલય આ પ્રોજેક્ટ માટે ઓછામાં ઓછી બે ખાનગી ભારતીય કંપનીઓની પસંદગી કરશે.
કંપનીઓની પસંદગી તેમની ટેક્નિકલ કુશળતા, સંશોધન ક્ષમતા અને નાણાકીય સક્ષમતાના આધારે કરવામાં આવશે. સરકાર સંશોધન અને વિકાસ ખર્ચનો મોટો હિસ્સો પણ વહન કરશે, જેથી સ્વદેશી ટેક્નોલોજીને પ્રોત્સાહન મળી શકે.
ભારતે મે ૨૦૨૫માં મધ્યપ્રદેશમાં લગભગ ૧૭ કિલોમીટરની ઊંચાઈએ એરશિપનું સફળ પરીક્ષણ કર્યું હતું. હવે નવા પ્રોજેક્ટ દ્વારા વધુ ઊંચાઈ અને લાંબા સમય સુધી કામગીરી કરવાની ક્ષમતા વિકસાવવામાં આવશે.
સંરક્ષણ નિષ્ણાતોના મતે, આ એરશિપ ભારત માટે વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. ખાસ કરીને ચીન સાથેની સરહદો પર સતત દેખરેખ, સંવેદનશીલ વિસ્તારોની મોનિટરિંગ અને રિયલ-ટાઈમ ઇન્ટેલિજન્સ મેળવવામાં આ ટેક્નોલોજી મહત્વની ભૂમિકા ભજવશે. સાથે જ ભવિષ્યમાં દેશની સર્વેલન્સ અને સુરક્ષા વ્યવસ્થાને નવી દિશા મળશે.





