શેડ્યૂલ આવ્યું સામે ભારત આવશે પાકિસ્તાનની ટીમ, એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં થશે ટક્કર પાકિસ્તાન સહિત કુલ છ ટીમો આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહી છે : પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને માહિતી આપી ભારત આવતા મહિને હોકી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન કરશે. આ ટુર્નામેન્ટ ૨૭ ઓક્ટોબરથી ૫ નવેમ્બર દરમિયાન યોજાશે. પાકિસ્તાન સહિત કુલ છ ટીમો આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહી છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને આ માહિતી આપી હતી.
ભગવંત માને કેન્દ્ર સરકારની તે નીતિનો ઉલ્લેખ કર્યો જે મલ્ટી નેશનલ ટુર્નામેન્ટ દરમિયાન બંને દેશોને ભારતીય ધરતી પર રમવાની મંજૂરી આપે છે. એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત, પાકિસ્તાન, ચીન, જાપાન, મલેશિયા અને કોરિયાની ટીમો ભાગ લેશે. જાે કોઈ ટીમ ટુર્નામેન્ટમાંથી ખસી જાય, તો ઓમાન અથવા બાંગ્લાદેશ તેનું સ્થાન લેશે. લીગ તબક્કાની મેચો જલંધરમાં રમાશે, જ્યારે સેમીફાઇનલ અને ફાઇનલ મોહાલીના હોકી સ્ટેડિયમમાં યોજાશે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઈ-પ્રોફાઈલ મેચ ૧લી નવેમ્બરે જલંધરમાં રમાશે.
પાકિસ્તાનની સહભાગિતા અને જરૂરી મંજૂરીઓ અંગેના પ્રશ્નોના જવાબમાં ભગવંત માને જણાવ્યું હતું કે, મલ્ટી નેશનલ ટુર્નામેન્ટમાં બંને દેશોની સ્પર્ધા બાબતે કોઈ સમસ્યા નથી. જાેકે, ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય શ્રેણીનું આયોજન કરવું એ અલગ બાબત છે. કેન્દ્ર સરકારની વર્તમાન નીતિ પાકિસ્તાન સાથે દ્વિપક્ષીય રમતગમતની સ્પર્ધાઓ યોજવાની મંજૂરી આપતી નથી. તેમ છતાં બંને દેશોના ખેલાડીઓને મલ્ટી નેશનલ ટુર્નામેન્ટમાં એકબીજા સામે રમવાની છૂટ છે. આ જ કારણ છે કે પાકિસ્તાનની ટીમ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારત આવી શકશે.
ગયા વર્ષે તમિલનાડુમાં યોજાયેલ જુનિયર હોકી વર્લ્ડ કપમાંથી પાકિસ્તાન ખસી ગયું હતું. તેણે ઓપરેશન સિંદૂર બાદ બંને દેશો વચ્ચે વધતા તણાવનું કારણ જણાવ્યું હતું. ભારતે ૨૦૨૩માં એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન કર્યું હતું, જેમાં ફાઇનલમાં પાકિસ્તાનને ૪-૦થી હરાવીને ભારતે ખિતાબ જીત્યો હતો. પાકિસ્તાનને ભારત સામે હોકીમાં છેલ્લે જીત મેળવ્યે એક દાયકાથી વધુ સમય વીતી ગયો છે.
ભારત એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં સૌથી સફળ દેશ છે અને તેણે પાંચ વખત આ ખિતાબ જીત્યો છે.
આ ટૂર્નામેન્ટની શરૂઆત ૨૦૧૧માં થઈ હતી અને ભારત પાસે કુલ પાંચ ટ્રોફી છે, જ્યારે પાકિસ્તાને ત્રણ વખત આ ખિતાબ જીત્યો છે. ૨૦૧૮માં ભારત અને પાકિસ્તાનને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.




