હૈયે હરખ ન સમાય તેવી રૂડી અષાઢી બીજ આવી પહોંચી આજે નગરચર્યાએ નીકળશે જગતનો નાથ; ૧૪૯મી રથયાત્રા માટે અમદાવાદ સજ્જ અમદાવાદમાં યોજાનારી ૧૪૯મી રથયાત્રાને લઈ ભક્તિમય માહોલ છવાયો છે : પ્રભુના સોના વેશના દર્શન કરવા જમાલપુર મંદિરે ભક્તોનું ઘોડાપૂર હૈયે હરખ અને આંખોમાં હેતની હેલી… અષાઢી બીજની એ પાવન સવાર, જ્યારે જગતનો નાથ સ્વયં ભક્તોના દુ:ખ હરવા નીજ મંદિર છોડીને નગરે નીકળશે. અમદાવાદની ઐતિહાસિક જમાલપુર નગરીમાં કાલે ભક્તિ, શ્રદ્ધા અને સમર્પણની ૧૪૯મી રથયાત્રા પ્રસ્થાન કરવા જઈ રહી છે. પ્રભુ જગન્નાથની સાથે બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજી પણ અલગ-અલગ રથમાં સવાર થઈને નગરચર્યાએ નીકળશે. ભગવાન સ્વયં ભક્તોને સાક્ષાત દર્શન આપવા માટે આવી રહ્યા છે ત્યારે સમગ્ર મહાનગરમાં અત્યારે એક અનોખો ભક્તિમય માહોલ છવાયો છે. વર્ષમાં એક જ એવો દિવસ આવે છે જ્યારે જગતના નાથ સ્વયં પોતાના સિંહાસન પરથી ઊતરીને ભક્તોના ઘરે ભક્તોના દ્વારે ભક્તોના હૃદય સુધી પહોંચવા નગરચર્યાએ નીકળે છે. ગુરૂવારે અમદાવાદ ફરી એકવાર આ અલૌકિક ક્ષણોનો સાક્ષી બનશે.
જમાલપુરનું ૪૦૦ વર્ષથી પણ વધુ પ્રાચીન જગન્નાથ મંદિર આજે ભક્તિથી ધબકી રહ્યું છે. ભગવાનના નીજ મંદિરમાં સોના વેશના દિવ્ય દર્શન કરવા માટે ભક્તોની અવિરત ભીડ ઉમટી રહી છે. સોનાના અલંકારોથી શોભતા મહાપ્રભુના મુખારવિંદ પરનું દિવ્ય સ્મિત જાણે દરેક ભક્તને આશીર્વાદ આપી રહ્યું હોય એમ લાગે છે. માન્યતા છે કે અષાઢી બીજના દિવસે મહાપ્રભુના દર્શન કરનાર ભક્તના જીવનમાંથી દુ:ખો દૂર થાય છે અને સુખ-સમૃદ્ધિના દ્વાર ખુલ્લા થાય છે.
ગુરૂવારે જે રથોમાં બિરાજીને મહાપ્રભુ નગરવિહાર કરશે તે ત્રણેય રથોની પ્રતિષ્ઠા અને વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે પૂજનવિધિ પૂર્ણ થઈ ચૂકી છે. નંદીઘોષમાં મહાપ્રભુ જગન્નાથજી તાલધ્વજમાં બલભદ્રજી અને દર્પદલન રથમાં બહેન સુભદ્રાજી બિરાજમાન થશે.
માત્ર રથો જ નહીં સમગ્ર મંદિર પણ જાણે સ્વર્ગ સમું શણગારાયું છે. પાંચ હજારથી વધુ ફૂલોથી મંદિરને સુશોભિત કરવામાં આવ્યું છે. ઓર્કિડ લીલિયમ સેવંતી જીપ્સોગલગોટા અને સૂર્યમુખીના રંગો સાથે અશોકના પાન અને કામિનીની હરિયાળી મંદિરની દિવ્યતાને અનેકગણી વધારી રહી છે. દરેક ખૂણેથી ભક્તિની સુગંધ પ્રસરી રહી છે.
દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહાપ્રભુને વિશેષ પ્રસાદ અર્પણ કરીને પોતાની શ્રદ્ધા વ્યક્ત કરી છે. મગ, જાંબુ, કાકડી, કેરી, દાડમ, ડ્રાયફ્રૂટ અને ચોકલેટ સહિતનો પ્રસાદ મંદિર પહોંચ્યો છે. મંદિર ટ્રસ્ટનું કહેવું છે કે, ભલે પ્રધાનમંત્રી વ્યસ્તતાના કારણે ઉપસ્થિત રહી શકતા ન હોય પરંતુ મહાપ્રભુ પ્રત્યેની તેમની આસ્થા દર વર્ષે પ્રસાદના રૂપમાં જરૂર પહોંચે છે. એટલું જ નહીં આગામી વર્ષે યોજાનારી ઐતિહાસિક ૧૫૦મી રથયાત્રા માટે તેમને વિશેષ આમંત્રણ પણ પાઠવવામાં આવશે.
રથયાત્રાની પૂર્વસંધ્યાએ રાજકીય આગેવાનો પણ મહાપ્રભુના ચરણોમાં નતમસ્તક થયા. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, શક્તિસિંહ ગોહિલ સહિતના નેતાઓએ ભગવાનના દર્શન કરીને આરતી અને પૂજનવિધિમાં ભાગ લીધો. આસ્થા સામે રાજકારણ પણ નતમસ્તક બનતું દૃશ્ય મંદિર પરિસરમાં જાેવા મળ્યું.
બીજી તરફ લાખો ભક્તોની સુરક્ષા માટે પોલીસ તંત્ર પણ સંપૂર્ણ એલર્ટ છે. મંદિર પરિસરથી લઈને સમગ્ર યાત્રામાર્ગ સુધી ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. BDDS ની ટીમે મંદિર અને આસપાસના વિસ્તારમાં સઘન ચેકિંગ હાથ ધર્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે વહેલી સવારે મંગળા આરતીમાં ઉપસ્થિત રહેશે. તો મંદિરનો લાડકો શ્વાન ‘બડી‘ પણ મહાપ્રભુને નતમસ્તક થઈ ભક્તિનું અનોખું દૃશ્ય સર્જતો જાેવા મળ્યો.
હવે બસ થોડા કલાકોની જ રાહ છે. શંખનાદ ગુંજશે નગારા વાગશે અને જય જગન્નાથના જયઘોષથી આખું અમદાવાદ ગુંજી ઊઠશે અને જ્યારે મહાપ્રભુનો રથ આગળ વધશે ત્યારે માત્ર રસ્તાઓ જ નહીં પરંતુ લાખો ભક્તોના હૃદયો પણ ભક્તિથી છલકાઈ ઊઠશે. કારણ કે આ માત્ર એક યાત્રા નથી. આ છે આસ્થા, પરંપરા, સમરસતા અને ભક્તિનો મહોત્સવ જ્યાં ભગવાન સ્વયં પોતાના ભક્તોને મળવા તેમના દ્વારે આવે છે.





