(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
ગુજરાતના અલગ અલગ વિભાગોમાં અંદાજિત ૬૦ હજાર કર્મીઓ છે કે જેઓની ભરતી પ્રક્રિયા ૨૦૦૫ પહેલા થઈ હતી. પરંતુ વહીવટી કારણોસર કે કાનૂની વિવાદના કારણે નિમણૂંક ૨૦૦૫ બાદ થઈ હતી. આ તમામ કર્મચારીઓ વર્ષોથી જૂની પેન્શન સ્કીમ (OPS) ની માંગ કરી રહ્યા છે.
ત્યારે સરકારે આ કર્મીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવાની તૈયારીઓ શરૂ કરી છે. પેન્શન એન્ડ પ્રોવિડન્ટ ફંડ નિયામક કચેરીએ તમામ વિભાગો પાસેથી નાણાં વિભાગના વર્ષ ૨૦૨૪ના ઠરાવ મુજબ જે કર્મચારીઓ OPS માં જોડાવવા પાત્ર છે તેઓની વિગત મંગાવવામાં આવી છે.
રાજય સરકારના નાણાં વિભાગે વર્ષ ૨૦૦૫ બાદ ભરતી થયેલા કેટલાક કર્મચારીઓ અને અધિકારીઓને જૂની પેન્શન યોજના (OPS) નો લાભ આપવા અંગે મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરી છે. તે મુજબ , જેમની ભરતી પ્રક્રિયા અથવા જાહેરાત ૧ એપ્રિલ,૨૦૦૫ પહેલા પૂર્ણ થઈ હતી. પરંતુ વહીવટી અથવા કાનૂની કારણોસર તેમની નિમણુંક બાદમાં થઈ હોય, તેવા કર્મચારીઓને OPS નો લાભ મળી શકશે.
તેમાં ખાસ કરીને સ્પર્ધાત્મક પરીક્ષાઓ ધ્વારા ભરતી થયેલા ઉમેદવારો, કોર્ટ કેસ અથવા વહીવટી વિલંબના કારણે મોડા નિયુકત થયેલા કર્મચારીઓ તેમજ ફિકસ પગાર હેઠળ સેવા આપ્યા બાદ નિયમિત થયેલા કેટલાક કર્મીઓનો સમાવેશ થઈ શકે છે.
જોકે ૧, એપ્રિલ ૨૦૦૫ પછી નવી ભરતી પ્રક્રિયા હેઠળ જોડાયેલા કર્મીઓને આ લાભ મળશે નહીં. રાજય સરકારના આ નિર્ણયથી લાંબા સમયથી જૂની પેન્શન યોજનાની માંગ કરી રહેલા અનેક કર્મચારીઓ અને અધિકારીઓને રાહત મળવાની શક્યતા છે. પત્ર અનુસાર કેન્દ્ર સરકારના નિયમોને આધારે NPS હેઠળ આવરી લેવાયેલા અને નિર્ધારિત શરતો પૂર્ણ કરતા કર્મીઓને OPS (જૂની પેન્શન સ્કીમ) નો વિકલ્પ આપવામાં આવ્યો છે.





