પ્રવાસીઓ ઘટતાં થાઈલેન્ડ સરકાર ઝૂકી! થાઈલેન્ડમાં ભારતીયો માટે વિઝાના નિયમોમાં ફરી મોટો ફેરફાર કરાયો થાઈલેન્ડે ભારતીય પ્રવાસીઓ માટે વિઝા-ફ્રી એન્ટ્રી ચાલુ રાખી થાઈલેન્ડ ફરવા જવાની યોજના બનાવી રહેલા ભારતીય પ્રવાસીઓ માટે રાહતના સમાચાર છે. થાઈ સરકારે સ્પષ્ટ કર્યું છે કે, ભારતીય નાગરિકો માટે વિઝા-ફ્રી એન્ટ્રી (વિઝા વિના પ્રવેશ)ની સુવિધા હાલ પૂરતી ચાલુ રહેશે. જાે કે, આ સુવિધા હેઠળ ત્યાં રહેવાની મહત્તમ મર્યાદા હવે ૬૦ દિવસથી ઘટાડીને ૩૦ દિવસ કરી દેવામાં આવી છે. સરકારનું કહેવું છે કે, આ ર્નિણય ભારતીય પ્રવાસીઓની મુસાફરીની પેટર્ન અને પર્યટન વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. થાઈલેન્ડના પર્યટન મંત્રી સુરાસાક ફાનચારોએનવોરાકુલે જણાવ્યું કે, ભારતીય નાગરિકો પહેલાની જેમ જ વિઝા વિના થાઈલેન્ડ જઈ શકશે, પરંતુ હવે તેઓ ત્યાં વધુમાં વધુ ૩૦ દિવસ સુધી જ રોકાઈ શકશે. આ પહેલા ભારતીયોને ૬૦ દિવસ સુધી વિઝા-ફ્રી રહેવાની પરવાનગી હતી. થોડા સમય પહેલા થાઈ સરકારે વિઝા-ફ્રી દેશોની યાદી ઘટાડવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જાે કે આ પ્રસ્તાવ લાગુ ન થયો, પરંતુ તેના કારણે ભારતીય મુસાફરોમાં અસમંજસની સ્થિતિ ઊભી થઈ, અને ભારતથી આવતા પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો. ત્યારબાદ સરકારે ભારતીયો માટે વિઝા-ફ્રી સુવિધા ચાલુ રાખવાનો ર્નિણય કર્યો.
ભારત એ ચીન અને મલેશિયા પછી થાઈલેન્ડના સૌથી મોટા પર્યટન બજારોમાંનું એક છે. દર વર્ષે મોટી સંખ્યામાં ભારતીયો રજાઓ ગાળવા, હનીમૂન અને ફેમિલી ટ્રિપ માટે થાઈલેન્ડ જાય છે. તેથી પર્યટનને પ્રોત્સાહન આપવા માટે સરકારે ભારતીયો માટે આ સુવિધા ચાલુ રાખી છે.
થાઈ સરકારનું કહેવું છે કે, વિઝા-ફ્રી વ્યવસ્થાનો કેટલાક વિદેશી નાગરિકો દુરુપયોગ કરી રહ્યા હતા. ઘણા કિસ્સાઓમાં પરવાનગી વિના કામ કરવા અને વિઝા નિયમોનું ઉલ્લંઘન કરવાની ફરિયાદો મળી હતી. આ જ કારણે સરકારે વિઝા-ફ્રી રોકાણનો સમયગાળો ઘટાડીને ૩૦ દિવસ કરવાનો ર્નિણય કર્યો છે.
ભારત ઉપરાંત ક્રોએશિયા, બલ્ગેરિયા, સાયપ્રસ, માલ્ટા અને માલદીવના નાગરિકો પણ હવે ૩૦ દિવસ સુધી વિઝા-ફ્રી એન્ટ્રીનો લાભ લઈ શકશે. થાઈ સરકારે સંકેત આપ્યા છે કે, ભવિષ્યમાં જરૂર પડશે તો આ વ્યવસ્થાની ફરી સમીક્ષા કરવામાં આવી શકે છે.





