આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એક વીડિયો દ્વારા પોતાની વાત મૂકતા જણાવ્યું કે, હાલમાં હું પંજાબમાં છું અને સોશિયલ મીડિયા દ્વારા મેં જોયું કે આખું કનોટ પ્લેસ, જનપથ, જંતર-મંતર બધું ભરાઈ ગયું છે, સમગ્ર દેશમાંથી હજારો-લાખોની સંખ્યામાં યુવાનો આવ્યા છે. અને બીજી તરફ સરકાર તેમના પર દમન કરી રહી છે, તેમના પર લાઠીચાર્જ કરી રહી છે અને ઇન્ટરનેટ પણ બંધ કરી દેવામાં આવ્યું છે તથા આ યુવાનોને સંસદમાં જવાથી રોકવામાં આવી રહ્યા છે. આ ખોટું છે, યુવાનો જાય તો જાય ક્યાં? પહેલા તમે તેમના પેપર લીક કરી દો છો, પછી જ્યારે ફરીથી પરીક્ષા થાય છે ત્યારે મૂલ્યાંકનમાં ગડબડ થાય છે, જ્યારે વારંવાર ફરિયાદ કરવામાં આવે છે ત્યારે તેને કોઈ સાંભળતું નથી. તમે આ બાળકોનું ભવિષ્ય બરબાદ કરી દીધું છે અને જ્યારે આ બાળકો ન્યાય માંગવા માટે રસ્તા પર ઉતરે છે ત્યારે તમે તેમના પર લાઠીઓ ચલાવો છો, આ બિલકુલ યોગ્ય નથી. બાળકોમાં ખૂબ જ ગુસ્સો છે. હું પીએમ મોદીને અપીલ કરું છું કે આ બાળકોના ગુસ્સાને સંભાળો, નહીં તો તમારા માટે ખૂબ ભારે પડશે. આ બાળકો સાથે વાત કરો, આ આપણા દેશના બાળકો છે, તેમની સાથે બેસીને તમે વાત કેમ નથી કરતા? આટલો અહંકાર શા માટે છે?
ત્યારબાદ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પણ પોતાની વાત રાખતાં જણાવ્યું કે ઘણા બધા બાળકો એવા હોય છે જે વિચારે છે કે તેમના પુસ્તકો તેમનું જીવન બદલી દેશે અને એ જ પુસ્તકો તેમના પરિવારનું ભવિષ્ય બદલી દેશે. બાળકો સવારે 3:00 વાગ્યે ઊઠીને 14-14 કલાક સુધી અભ્યાસ કરતા હતા અને NEETની પરીક્ષા આપવા ગયા હતા, અને પછી એક દિવસ તેમને ખબર પડે છે કે તેમનું પેપર લીક થઈ ગયું અને જે મોટા-મોટા અમીર લોકો હતા તેમણે પેપર ખરીદી લીધું છે, તો આ વાત બિલકુલ યોગ્ય નથી. તેથી જંતર-મંતર પર હાલમાં યુવાનોનું જે આંદોલન ચાલી રહ્યું છે, હું તેનું સમર્થન કરું છું. આપણે બધા તેમની સાથે છીએ.





