આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી અને મુખ્ય પ્રદેશ પ્રવક્તા ડૉ. કરન બારોટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની પોલ ખોલતા જણાવ્યું હતું કે, ઓલિમ્પિક્સ તો જ્યારે આવશે ત્યારે આવશે, પરંતુ એ પહેલાં જે લોકોને સ્વિમિંગ શીખવું હોય કે તરવાની સ્પર્ધામાં ભાગ લેવો હોય, તેમના માટે કોર્પોરેશન દ્વારા જોરદાર ‘સ્વિમિંગ પૂલ’ની તૈયારી કરી દેવામાં આવી છે! એવું મારું નહીં, પણ અમદાવાદના લોકોનું કહેવું છે. બોપલ જેવા પોશ વિસ્તારમાં, જ્યાં પહેલા ક્યારેય આટલું પાણી નહોતું ભરાતું, ત્યાં એક જ વરસાદમાં રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા છે. આટ-આટલો ટેક્સ ચૂકવ્યા પછી પણ કોર્પોરેશન પ્રજાને શું આપી રહ્યું છે? પ્રી-મોન્સૂન કામગીરીઓ, સમીક્ષા બેઠકો અને કરોડના બજેટો માત્ર કાગળ પર જ રહી ગયા છે. પાણી ભરાવાને કારણે લોકોની ગાડીઓ અને જનજીવન ઠપ્પ થઈ ગયું છે, દુકાનોમાં પાણી ઘૂસી ગયાં છે, છતાં AMC પાસે કોઈ જવાબ નથી. મુખ્યમંત્રી અને મંત્રીઓ માત્ર સ્થળ તપાસ કરીને જતા રહ્યા, પરંતુ રસ્તાઓને સ્વિમિંગ પૂલ બનાવી દેવા પાછળ આખરે જવાબદાર કોણ?
’આપ’ નેતા ડો.કરન બારોટે આગળ ઉમેર્યું કે, આજે મારે અમદાવાદની જનતાને કહેવું છે કે આપણા કરતાં તો દેશના Gen-Z યુવાનો સારા છે, જેમણે નક્કી કર્યું કે શિક્ષણ મંત્રીનું રાજીનામું લેવું છે અને એના માટે લાકડીઓ ખાવી પડે તો પણ ખાઈશું, પણ ઉકેલ લાવીને જ રહીશું! અમદાવાદીઓએ હવે આ યુવાનો પાસેથી શીખવાની જરૂર છે. જ્યાં સુધી આપણે સવાલો નહીં પૂછીએ, ત્યાં સુધી પાણી ભરાવાની આ સમસ્યા ક્યારેય નહીં ઉકેલાય. ગયા વર્ષે તમે મૌન રહ્યા એટલે આ વર્ષે વધુ પાણી ભરાયું, અને જો આ વખતે પણ કંઈ નહીં બોલો તો આગામી વર્ષે આનાથી પણ ખરાબ સ્થિતિ થશે. પ્રજા પૂરેપૂરો ટેક્સ ભરે છે છતાં કોઈ પરિણામ મળતું નથી. હવે જાગવાની અને કોર્પોરેશન પાસે એકાઉન્ટેબિલિટી (જવાબદેહી) માંગવાની જરૂર છે. આ સમસ્યા પાછળ કોની ઉપર પગલાં લેવાશે અને કોને જવાબદાર ઠેરવવામાં આવશે, એ પ્રશ્ન જ્યાં સુધી અમદાવાદના લોકો નહીં પૂછે ત્યાં સુધી આવા કૃત્રિમ સ્વિમિંગ પૂલો દર વર્ષે બનતા જ રહેશે.





