હર્ષ સંઘવીનો મોટો ઈશારો આ વર્ષે પણ આખી રાત જામશે નવરાત્રીની રમઝટ? એક કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ વર્ષે પણ નવરાત્રી આખી રાત ચાલશે તેવો સ્પષ્ટ ઈશારો કર્યો ગાંધીનગરમાં આયોજિત એક કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જનતાને સંબોધિત કરતા જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં છેલ્લા ૨૫ વર્ષથી ગુજરાતના વિકાસ અને પ્રજાની સુખાકારી માટે સતત કામગીરી થઈ રહી છે. તાજેતરમાં જ વડાપ્રધાનની ગુજરાત મુલાકાત દરમિયાન વડોદરાથી રાજ્યને ૩૪ હજાર કરોડ રૂપિયાના વિવિધ વિકાસકાર્યોની ભેટ મળી છે. આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ વર્ષે પણ નવરાત્રી આખી રાત ચાલશે તેવો સ્પષ્ટ ઈશારો કર્યો છે.
લોકાર્પણ સમારોહ દરમિયાન હર્ષ સંઘવીએ ઉપસ્થિત જનતાને પૂછ્યું હતું કે, “નવરાત્રીમાં કેટલા વાગ્યા સુધી ગરબા રમો છો?” જેના જવાબમાં લોકોએ ઉત્સાહભેર “આખી રાત” એવો પ્રત્યુત્તર આપ્યો હતો. નાયબ મુખ્યમંત્રીએ મજાકમાં હળવી ટકોર કરતા કહ્યું હતું કે, જાે કોઈ ચૌદશ આવી જાય તો આખી રાત ન ફરી શકાય. ભૂપેન્દ્ર પટેલ સરકારના શાસનમાં નવરાત્રી દરમિયાન આખી રાત ગરબા રમવાની છૂટ મળતા લોકોમાં ભારે ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. આ ર્નિણયના કારણે રાત્રિ દરમિયાન નાના વેપારીઓને પણ પોતાનો વેપાર-ધંધો ચાલુ રાખવાની તક મળે છે, જેનાથી તેઓ નવરાત્રીમાં જ દિવાળી જેવી શાનદાર કમાણી કરી રહ્યા હોવાની વાત પણ તેમણે જણાવી હતી.
ગાંધીનગર હવે માત્ર સચિવાલયના શહેર તરીકેની પોતાની પરંપરાગત ઓળખમાંથી બહાર આવીને એક અત્યાધુનિક અને સ્માર્ટ શહેર તરીકે વિકસી રહ્યું છે. ભાજપ સરકારના શાસનમાં અહીં એક પછી એક મોટા વિકાસ પ્રોજેક્ટો સાકાર થયા છે. ગિફ્ટ સિટી, મહાત્મા મંદિર અને હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર જેવી આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓના નિર્માણથી ગાંધીનગરની એક નવી જ ઓળખ ઊભી થઈ છે. આ માળખાગત સુવિધાઓના પરિણામે હવે રાત્રિના સમયે પણ વેપાર-રોજગાર અને લોકોની અવરજવર વધવા પામી છે, જેનાથી શહેરની રોનકમાં નોંધપાત્ર વધારો થયો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા પ્રજાને સતત એક પછી એક વિકાસલક્ષી ભેટ આપવામાં આવી રહી છે. નાગરિકોની મુસાફરી સરળ બનાવવાના હેતુથી ગાંધીનગરમાં જાહેર પરિવહન વ્યવસ્થાને વધુ મજબૂત કરવા માટે નવી બસો સેવામાં મૂકવામાં આવી છે. ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આ બસ સેવાને એવી રીતે વિસ્તૃત કરવામાં આવી છે કે જેથી શહેરના વધુમાં વધુ વિવિધ વિસ્તારોને આવરી શકાય. ગાંધીનગરના આ સર્વાંગી અને અવિરત વિકાસને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે નાગરિકોના સક્રિય સહયોગની પણ અત્યંત જરૂરિયાત છે.
સરકારની તમામ કલ્યાણકારી યોજનાઓનો લાભ ૧૦૦ ટકા લાભાર્થીઓ સુધી પહોંચાડવા માટે સરકાર સેચ્યુરેશન મોડલ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. આયુષ્માન ભારત, પ્રધાનમંત્રી આવાસ યોજના, ઉજ્જવલા યોજના અને નળ કનેક્શન જેવી મહત્વાકાંક્ષી યોજનાઓનો સીધો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવામાં આવ્યો છે. આ સાથે જ, પર્યાવરણના ભોગે વિકાસ ન થાય તે સુનિશ્ચિત કરવા સરકાર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ પર પણ સમાન ભાર મૂકી રહી છે.




