AI દ્વારા બનાવેલ ફેક ઓડિયો મુદ્દે AAP પ્રદેશ યુવા પ્રમુખ બ્રિજરાજ સોલંકી અને છાત્ર વિંગ ASAP પ્રદેશ પ્રમુખ ધાર્મિક માથુકીયાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં બ્રિજરાજ સોલંકીએ જણાવ્યું હતું કે, દેશમાં જે રીતે NEETનું પેપર લીક થયું અને તેના કારણે 22થી પણ વધુ નિર્દોષ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી, ત્યારબાદ યુવા આંદોલનના કારણે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું આવ્યું છે. દેશના જે તમામ યુવાનો, વિદ્યાર્થીઓ અને લોકોએ આ આંદોલનમાં સહભાગી બનીને તેને મજબૂત બનાવવાનું કામ કર્યું છે, તે તમામ લોકોને હું આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ યુવા પ્રમુખ તરીકે નતમસ્તક વંદન અને અભિનંદન પાઠવું છું. પરંતુ મુખ્ય વાત એ છે કે, ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે બિનરાજકીય આંદોલનના ભાગરૂપે જ્યારે અમે વિરોધ નોંધાવવા ગયા, ત્યારે ગાંધીનગર અને અમદાવાદની પોલીસ છેલ્લા બે દિવસથી દિવસ-રાત આંદોલનકારીઓ અને ક્રાંતિકારીઓને પકડવા મહેનત કરી રહી હતી. ગુજરાત સરકારના ગૃહમંત્રી હર્ષ સંઘવીના ઈશારે અમને ડિટેન કરવામાં આવ્યા. ત્યારબાદ આપ સૌએ મીડિયાના માધ્યમથી જોયું હશે કે બીજેપીની આઈટી ટીમે મારો અને ધાર્મિકભાઈ માથુકિયાનો એક ફેક (બનાવટી) AI ઓડિયો વાયરલ કર્યો છે. આ ઓડિયો સાંભળીને નાના બાળકને પણ ખ્યાલ આવી જાય કે આ અવાજ મારો નથી. થર્ડ પાર્ટી એપ્લિકેશનના માધ્યમથી અમે માત્ર એક જ મિનિટમાં સ્પષ્ટ કરી દીધું અને જનતા સમક્ષ મૂકી દીધું કે આ ઓડિયો સંપૂર્ણપણે ફેક અને બનાવાયેલો છે.
વધુમાં આમ આદમી પાર્ટીના નેતા બ્રિજરાજ સોલંકીએ જણાવ્યું હતું કે, દુઃખની વાત એ છે કે ગુજરાતના કેટલાક મીડિયા માધ્યમોએ કોઈ પણ જાત ચકાસણી કે સ્પષ્ટીકરણ વગર, યુવાનોને બદનામ કરવા અને આંદોલનને કચડી નાખવાના કાવતરાના ભાગરૂપે આ ઓડિયો પ્રસારિત કર્યો. મારી મીડિયાકર્મીઓને નમ્ર વિનંતી છે કે તમે તાત્કાલિક ધોરણે અમને જણાવો કે આ ઓડિયો તમારી પાસે ક્યાંથી આવ્યો? તમને આ ઓડિયો કોણે મોકલ્યો? હર્ષ સંઘવીએ મોકલ્યો કે બીજેપીના આઈટી સેલે? જે પણ ન્યૂઝ ચેનલોએ આ ફેક AI ઓડિયો ચલાવ્યો છે, તેમને મારી વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આ ખોટી ખબરને પરત ખેંચીને ડિલીટ કરવામાં આવે અને ઓડિયોનો સોર્સ જણાવવામાં આવે. નહિતર આવનારી 24 કલાકમાં હું કાયદાકીય કાર્યવાહી (લીગલ એક્શન) કરીશ. આ માટે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ સુધી જવું પડશે તો પણ અમે જવા તૈયાર છીએ. મને 8 થી 9 કલાક સુધી પૂરી રાખવામાં આવ્યો, મારા પર દબાણ કરવામાં આવ્યું અને ડરાવવા-ધમકાવવાનો પ્રયાસ થયો. આ ઓડિયોના માધ્યમથી મારા પર રાજદ્રોહનો કેસ લગાડીને આજીવન જેલમાં સડાવવાની અને ગુજરાત બહાર કાઢી મૂકવાની ધમકીઓ આપવામાં આવી. પરંતુ મીડિયાના માધ્યમથી હું ગૃહમંત્રી હર્ષ સંઘવીને કહેવા માંગુ છું કે, તમે આમ આદમી પાર્ટીના અનેક નેતાઓ પર આવી રીતે ખોટા કેસ કર્યા, જેલમાં નાખવાના પ્રયત્નો કર્યા અને આવા AI ઓડિયો-વિડિયો બનાવ્યા, પરંતુ હવે ગુજરાતના યુવાનો જાગી ગયા છે.
’આપ’ નેતા બ્રિજરાજ સોલંકીએ વધુમાં જણાવ્યુ હતુ કે ગુજરાતની જનતા હવે જાગી ગઈ છે. હું આપ સૌને કહેવા આવ્યો છું કે આવા અનેક પ્રયત્નો ભવિષ્યમાં પણ થશે. ભારતીય જનતા પાર્ટી જો કોઈનાથી ડરતી હોય તો તે આમ આદમી પાર્ટી છે, અને ભાજપ જો હારશે તો તે આમ આદમી પાર્ટી સામે જ હારશે. આ વાતનો ખ્યાલ હર્ષ સંઘવીને આવી ગયો છે, એટલા માટે જ આવા કાવતરાં રચવા પડી રહ્યાં છે. હું તેમને કહેવા માગું છું કે આવાં કાવતરાં કરવાથી આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા કે નેતા કોઈથી ડરવાનો, ગભરાવાનો કે ધમકાવાનો નથી. તમારી આ તાનાશાહી અને હિટલરશાહી સામે આવનારા દિવસોમાં અમે ખૂબ મજબૂતાઈથી લડીશું. ગુજરાત અને દેશના યુવાનોને હું કહેવા માગું છું કે, પેપર લીકના કારણે જે 22 નિર્દોષ લોકોએ આત્મહત્યા કરી છે, તેમના માટે મેં અવાજ ઉઠાવ્યો છે. 20 જુલાઈના રોજ દિલ્હીના જંતર-મંતર ખાતે હું હાજર હતો. ત્યાં ભાજપ, મોદી અને શાહના ઈશારે પોલીસે જે રીતે તાનાશાહી, ગુંડાગર્દી અને હિટલરશાહી કરી 18-18 વર્ષની દીકરીઓના કપડાં ફાડવામાં આવ્યા, નિર્દોષ યુવાનોને ઢોર માર મારવામાં આવ્યો, લાઠીચાર્જ કરાયો, ટીયર ગેસના શેલ છોડાયા, માથાં ફાટ્યાં અને ફ્રેક્ચર થયા, આ અત્યાચાર દેશનો યુવાન ક્યારેય નહીં ભૂલે.
વધુમાં આમ આદમી પાર્ટીના નેતા બ્રિજરાજ સોલંકીએ જણાવ્યું હતું કે, દેશનો યુવાન અત્યાર સુધી સુતેલો હતો, પરંતુ આ આંદોલનથી હવે જાગી ગયો છે. તમારી આ તાનાશાહી અને ગુંડાગિર્દી સામે અમે ઝૂકવાના કે ડરવાના નથી. મને અનેકવાર જેલમાં નાખવાના પ્રયત્નો થયા છે અને આવનાર સમયમાં પણ ફેક AI ઓડિયો, વિડિયો, ચેટ્સ અને ફોટો બનાવી મારા ચરિત્રને નુકસાન પહોંચાડવાની કોશિશ કરવામાં આવશે. હું ગુજરાતની જનતા અને યુવાનોને વિનંતી કરું છું કે આ આંદોલન યુવાનોનું હતું, જેના કારણે ભાજપ અને નરેન્દ્ર મોદીએ ઝૂકવું પડ્યું છે. સોનમ વાંગચુકે જે 26 દિવસ ઉપવાસ આંદોલન કર્યું, આ તેમની પણ જીત છે. ગુજરાતમાં 34-34 પેપરો લીક થયા, પરંતુ આજ દિન સુધી કોઈ મુખ્ય આરોપીને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવ્યો નથી. તેથી યુવાનોએ જાગવું પડશે. આજે આપણો ભારત દેશ, 140 કરોડ દેશવાસીઓ, ગુજરાતના યુવાનો, મહિલાઓ, મજૂર વર્ગ, રત્નકલાકારો, પશુપાલકો, નાના-મોટા વેપારીઓ અને દેશનું બંધારણ ખતરામાં છે. ત્યારે દેશના યુવાનોએ જાગીને આવી જ ક્રાંતિ કરવી પડશે. હું તમને ખાતરી આપું છું કે આવનારા દિવસોમાં દેશ કે ગુજરાતની અંદર યુવાનો, મહિલાઓ કે ખેડૂતો પર જ્યારે પણ અત્યાચાર થશે, ત્યારે આમ આદમી પાર્ટી તમારી પડખે ઊભી રહીને તમારો અવાજ બુલંદ કરશે અને સંઘર્ષમાં સહભાગી બનશે. આપ સૌનો આવો જ સાથ-સહકાર અને પ્રેમ યુવાનોને મળતો રહે તેવી પ્રાર્થના.





