વૈભવના તોફાન બાદ મયંકની રફ્તારનો કહેર ત્રીજી ટી૨૦ મેચમાં ભારતની ૩૫ રને જીત, ઝિમ્બાબ્વેનો વ્હાઇટ વોશ ટીમ ઇન્ડિયાએ ૧૯૨ રન બનાવ્યા હતા, જેના જવાબમાં ઝિમ્બાબ્વેની ટીમ ૧૫૭ રન જ બનાવી શકી હતી ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે હરારેમાં રમાયેલી ત્રીજી અને અંતિમ ટી૨૦ મેચમાં ભારતે ૩૫ રને જીત મેળવી સીરિઝમાં ઝિમ્બાબ્વેનો વ્હાઇટ વોશ કર્યો છે. ભારતીય ટીમ બે મોટા ફેરફાર સાથે મેદાને ઉતરી હતી. સૂર્યાંશ શેગડે અને અશોક શર્માને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન આપવામાં આવ્યું હતું. ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા ટીમ ઇન્ડિયાએ ૨૦ ઓવરમાં પાંચ વિકેટના નુકસાને ૧૯૨ રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઝિમ્બાબ્વેની ટીમ ૧૫૭ રન જ બનાવી શકી હતી.
ત્રીજી ટી૨૦ મેચમાં ભારત માટે વૈભવ સૂર્યવંશી અને મયંક યાદવ જીતનો હીરો સાબિત થયા હતા. ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમ તરફથી વૈભવ સૂર્યવંશી અને અભિષેક શર્માએ શાનદાર શરૂઆત કરી હતી. પરંતુ દર વખતની જેમ અભિષેક શર્માનું બેટ ચાલ્યું નહીં અને માત્ર ૨ રન બનાવીને આઉટ થઈ ગયો. પરંતુ વૈભવ સૂર્યવંશીએ એક છેડો સંભાળી બેટિંગ ચાલું રાખી. તેણે ૪૯ બોલનો સામનો કરી ૮૧ રન બનાવ્યાં હતા. જેમાં ૮ ચોગ્ગા અને ૪ છગ્ગાનો સામેલ હતા. વૈભવની સાથે ઈશાન કિશને પણ સારી પાર્ટનરશીપ કરી પરંતુ તે પોતાની ઇનિંગ લંબાવી શક્યો નહીં.ઈશાન કિશને ૪ ચોગ્ગાની મદદથી ૨૬ બોલમાં ૨૯ રન બનાવ્યાં હતા, પરંતુ તેને ઝિમ્બાબ્વેના કેપ્ટન સિકંદર રઝાએ બોલ્ડ કરી પેવેલિયન મોકલ્યો હતો. ત્યાર બાદ શ્રેયસ અય્યરે ૧૮ બોલમાં ૨૭ રનની ઝડપી ઇનિંગ રમી. રિંકુ સિંહે ૨૫ રનનું મહત્વનું યોગદાન આપ્યું. તિલક વર્મા ૧૧ રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. આમ વૈભવના ૮૧ રનના દમ પર ભારતીય ટીમે ઝિમ્બામ્બેને ૧૯૩ રનનો ટાર્ગેટ આપ્યો હતો.
૧૯૩ રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ઝિમ્બાબ્વેની ટીમની શરૂઆત ખરાબ રહી. ભારતીય ઝડપી બોલર મયંક યાદવે મેચના પહેલા જ બોલ પર બ્રાયન બેનેટને પેવેલિયનનો રસ્તો બતાવી દીધો. ઓફ-સ્ટમ્પની બહાર બાઉન્સર શોર્ટ લેથના બોલને બેનેટ બેકફૂટ પર જઈને ડિફેન્ડ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ બોલ બેટનો બહારનો કિનારો લઈને ઝડપથી ફર્સ્ટ સ્લિપ તરફ ગયો. ત્યાં ઉભેલા વૈભવ સૂર્યવંશીએ ચિત્તા જેવી ચપળતા બતાવતા શાનદાર કેચ ઝપટ્યો. બેનેટ ખાતું પણ ખોલી શક્યા નહોતા.
ઝિમ્બાબ્વે હજુ આ શરૂઆતના ઝટકામાંથી બહાર આવ્યું પણ નહોતું કે ઝડપી બોલર યશ ઠાકુરે એક જ ઓવરમાં મેચનો રંગ બદલી નાખ્યો. ક્રીઝ પર ટકી રહેવાનો પ્રયાસ કરી રહેલા ડિઓન મેયર્સને આઉટ કરીને યશે ભારતને બીજી સફળતા અપાવી. મેયર્સે ૧૫ બોલમાં ૧ ચોગ્ગા અને ૧ છગ્ગાની મદદથી ૧૯ રન બનાવ્યા હતા. ત્યારબાદની જ બોલ પર યશ ઠાકુરે ઝિમ્બાબ્વેના સ્ટાર ઓલરાઉન્ડર અને કેપ્ટન સિકંદર રઝાને ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયન મોકલી દીધા.
રવિ બિશ્નોઈએ બેન કરનને ૨૦ રન પર આઉટ કરીને ભારતને ચોથી સફળતા અપાવી. ત્યારબાદ મયંક યાદવે ઝડપી રન બનાવી રહેલા વેસ્લી માધેવેરેને ૨૮ રન પર આઉટ કર્યો. માધેવેરે અને રાયન બર્લ વચ્ચે છઠ્ઠી વિકેટ માટે ૬૦ રનની મહત્વપૂર્ણ ભાગીદારી થઈ હતી. આ ભાગીદારી તૂટ્યા બાદ તરત જ અશોક શર્માએ તાદિવાનાશે મારુમાનીને માત્ર ૧ રન પર આઉટ કરીને ઝિમ્બાબ્વેને છઠ્ઠો ઝટકો આપ્યો.





