ટોમ લાથમે જાહેર કરી રણનીતિ ભારત સામે રમનાર પ્રથમ ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડની પેસ બોલિંગ પર નજર ત્રણ નિષ્ણાત ફાસ્ટ બોલર અને એક બોલિંગ ઓલરાઉન્ડર સાથે મેદાનમાં ઉતરશે કિવી ટીમ; બુમરાહને લાથમે ગણાવ્યો વિશ્વકક્ષાનો બોલર ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ગુરુવાર, ૧૯ નવેમ્બરથી બે ટેસ્ટ મેચની શ્રેણીની શરૂઆત થવા જઈ રહી છે. પ્રથમ ટેસ્ટ પહેલાં ન્યૂઝીલેન્ડના કેપ્ટન ટોમ લાથમે પોતાની ટીમની બોલિંગ રણનીતિ અંગે ખુલાસો કર્યો છે. લાથમે સ્પષ્ટ કર્યું છે કે પ્રથમ ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડ ત્રણ નિષ્ણાત ફાસ્ટ બોલર અને એક બોલિંગ ઓલરાઉન્ડર સાથે મેદાનમાં ઉતરશે. આ જાહેરાત સાથે જ ભારતીય બેટ્સમેનો સામે કિવી ટીમની પેસ બોલિંગ પર ખાસ નજર રહેશે. વેલિંગ્ટનના બેસિન રિઝર્વ મેદાન પર રમાનારી પ્રથમ ટેસ્ટ પહેલાં પત્રકારો સાથે વાતચીત કરતાં લાથમે જણાવ્યું હતું કે તેમની પાસે ફાસ્ટ બોલિંગના ઘણા સારા વિકલ્પો ઉપલબ્ધ છે. જાેકે, આગામી છથી સાત સપ્તાહના વ્યસ્ત કાર્યક્રમને ધ્યાનમાં રાખીને ખેલાડીઓના વર્કલોડ અને ફિટનેસ પ્રમાણે બોલિંગ કોમ્બિનેશનમાં ફેરફાર કરવામાં આવશે. લાથમની જાહેરાત મુજબ પ્રથમ ટેસ્ટમાં કાઇલ જેમિસન, મેટ હેનરી અને જેકબ ડફી ત્રણ નિષ્ણાત ફાસ્ટ બોલર તરીકે જવાબદારી સંભાળશે. જ્યારે નાથન સ્મિથ બોલિંગ ઓલરાઉન્ડર તરીકે ટીમને વધારાનો વિકલ્પ આપશે. ન્યૂઝીલેન્ડની સંભવિત પ્લેઇંગ ઇલેવનમાં ટોમ લાથમ (કેપ્ટન), ડેવોન કોનવે, હેનરી નિકોલ્સ, રચિન રવિન્દ્ર, ડેરિલ મિચેલ, ટોમ બ્લંડેલ, ગ્લેન ફિલિપ્સ, નાથન સ્મિથ, કાઇલ જેમિસન, મેટ હેનરી અને જેકબ ડફીનો સમાવેશ થઈ શકે છે. લાથમે કહ્યું હતું કે તમામ ફાસ્ટ બોલરોની ફિટનેસ અને ઉપલબ્ધતા સારી છે. જાેકે, સમગ્ર શ્રેણીમાં કયા ખેલાડીને કેટલી મેચ રમાડવી તે પરિસ્થિતિ અને વર્કલોડના આધારે નક્કી કરવામાં આવશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ના પોઇન્ટ ટેબલ અંગે પણ લાથમે પોતાનો અભિગમ સ્પષ્ટ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ટીમનું તાત્કાલિક ધ્યાન પોઇન્ટ ટેબલ પર નહીં, પરંતુ મેદાન પર પોતાના પ્રદર્શન પર છે. લાથમે કહ્યું હતું કે, “વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનું પોઇન્ટ ટેબલ મારું ધ્યાન નથી. અમે અમારા હાથમાં રહેલી બાબતો પર નિયંત્રણ રાખીશું અને અમારી પોતાની શૈલીનું ક્રિકેટ રમીને જીતવાની શ્રેષ્ઠ તક મેળવવાનો પ્રયાસ કરીશું.” ઉલ્લેખનીય છે કે ન્યૂઝીલેન્ડ હાલમાં ઉ્ઝ્રના પોઇન્ટ ટેબલમાં ટોચના સ્થાને છે, જ્યારે ભારત ચોથા સ્થાને છે. આવી સ્થિતિમાં બંને ટીમો માટે આ શ્રેણી મહત્ત્વપૂર્ણ બની રહેશે. ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ અંગે વાત કરતાં લાથમે તેની બોલિંગની ભરપૂર પ્રશંસા કરી હતી. તેણે સ્વીકાર્યું હતું કે બુમરાહ ન્યૂઝીલેન્ડના બેટ્સમેનો માટે મોટો પડકાર બની શકે છે. લાથમે જણાવ્યું હતું કે બુમરાહની બોલિંગ એક્શન અનોખી છે અને તે બોલને બંને તરફ સ્વિંગ કરાવવાની ક્ષમતા ધરાવે છે. અલગ-અલગ પરિસ્થિતિઓમાં પણ તે અસરકારક બોલિંગ કરી શકે છે. તેના બોલનો સામનો કરવા માટે બેટ્સમેનોએ ખાસ તૈયારી કરવી પડશે. તેમણે બુમરાહને વિશ્વકક્ષાનો બોલર ગણાવતાં કહ્યું હતું કે તેના જેવા બોલર સામે રમવા માટે બેટ્સમેનોએ તેની બોલિંગની શૈલી સાથે તાલમેલ બેસાડવો જરૂરી છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ ૧૯થી ૨૩ નવેમ્બર દરમિયાન વેલિંગ્ટનના બેસિન રિઝર્વ મેદાન પર રમાશે. જ્યારે બીજી ટેસ્ટ ૨૭ નવેમ્બરથી ૧ ડિસેમ્બર દરમિયાન ક્રાઇસ્ટચર્ચમાં યોજાશે. આ શ્રેણીમાં બંને ટીમોનું પ્રદર્શન વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના સમીકરણો માટે પણ મહત્ત્વનું રહેશે.




