આમ આદમી પાર્ટીના સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખ રાજુ બોરખતરીયાએ વિડીયોના માધ્યમથી આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, જૂનાગઢની ઘોડાસરા કોલેજના પ્રિન્સિપાલ ડઢાણિયા સાહેબ સરકારી દલાલની જેમ વર્તી રહ્યા છે. તેઓ કોલેજમાં રાજદરબાર ભરીને વિદ્યાર્થીઓને એકઠા કરે છે અને ઊંચા હાથ કરીને પોતે નેતા હોય તેમ ભાષણબાજી કરી રહ્યા છે. તેઓ વિદ્યાર્થીઓ સામે એવા નિવેદનો આપી રહ્યા છે કે દેશ કટોકટીમાંથી પસાર થઈ રહ્યો છે અને આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓને દેશ વિરોધી ગણાવ્યા, જો તેમને નેતા બનવાનો અને પોલિટિકલ ભાષણો આપવાનો આટલો બધો શોખ હોય, તો તેમણે તાત્કાલિક પ્રિન્સિપાલ પદેથી રાજીનામું આપી દેવું જોઈએ અને ખુલ્લેઆમ ભાજપમાં જોડાઈ જવું જોઈએ. શિક્ષણના ધામમાં બેસીને આ પ્રકારે ભાજપનો પ્રચાર કરવો અને સરકારી દલાલી કરવી તે કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવાય નહીં.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે દેશના લાખો યુવાનો અને વિદ્યાર્થીઓ પર આ ભ્રષ્ટ શિક્ષણ વ્યવસ્થાના કારણે કેટલો અત્યાચાર થઈ રહ્યો છે, તેનો ખ્યાલ આવા દલાલોને નથી. દેશની શિક્ષણ વ્યવસ્થા સંપૂર્ણપણે ખાડે ગઈ છે અને સત્તાધીશો નિષ્ફળ ગયા છે, એટલા માટે જ તાજેતરમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રીએ પણ રાજીનામું આપવું પડ્યું હતું. આ બાબત સાબિત કરે છે કે પેપર લીક અને ભ્રષ્ટ શિક્ષણ સામે યુવાનો જે લડાઈ લડી રહ્યા હતા તે એકદમ સાચી હતી. પોતાના પદનો ગેરઉપયોગ કરીને વિદ્યાર્થીઓને ભ્રમિત કરનારા અને ભાજપની ચાટુકારિતા કરનારા આ પ્રિન્સિપાલ સામે તાત્કાલિક ધોરણે યોગ્ય કડક કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી માંગ છે.





