આમ આદમી પાર્ટીના પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ અને કિસાન મોરચાના પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામ, પ્રદેશ ઉપપ્રમુખ રામ ધડુક અને પ્રદેશ સંગઠન મંત્રી તથા ’આપ’ કોર્પોરેટર ધર્મેશ ભંડેરીએ સુરત ખાતે એક મહત્વની પત્રકાર પરિષદ યોજી હતી. પત્રકાર પરિષદને સંબોધતા ’આપ’ નેતા પ્રવીણ રામે જણાવ્યું કે, દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે પૂરની અત્યંત ભયજનક સ્થિતિ સર્જાઈ છે. પ્રી-મોનસૂન કામગીરી માત્ર કાગળ પર જ થઈ હોવાને કારણે અને સરકારની નિષ્ફળતા તેમજ અણઆવડતને લીધે 50 થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, જે ખૂબ જ ગંભીર બાબત છે. વલસાડની મુલાકાત દરમિયાન તેમણે ગીતાબેન નામના એક ગરીબ મહિલાની આપવીતી વર્ણવી, જેમણે પોતાના ૩૫ વર્ષના એકમાત્ર કમાઉ દીકરાને આ પૂરમાં ગુમાવ્યો છે. તેમણે સરકાર સામે સવાલ ઉઠાવ્યો કે જો મુખ્યમંત્રી ખરેખર મૃદુ અને સંવેદનશીલ હોય, તો તેમણે કે ભાજપના કોઈ નેતાએ હજુ સુધી આ પીડિત પરિવારોની મુલાકાત લઈને સાંત્વના કેમ નથી આપી?
પૂરથી થયેલા વ્યાપક નુકસાન અંગે ’આપ’ નેતાઓએ માગણી કરી કે સરકાર તાત્કાલિક ધોરણે તમામ અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વે કરાવે. ઘરો, દુકાનો, ફેક્ટરીઓ અને ખેતીમાં થયેલા નુકસાન માટે યોગ્ય સહાય આપવામાં આવે તેમજ પંજાબની ’આપ’ સરકારની જેમ પ્રતિ હેક્ટર ₹.50,000 નું વળતર જાહેર કરવામાં આવે. આ ઉપરાંત, મૃતકોના પરિવારોને તાત્કાલિક ₹.1 કરોડની આર્થિક સહાય ચૂકવવાની માગ કરવામાં આવી છે. તેમણે ‘કેશ ડોલ’ ની રોકડ વ્યવસ્થા સામે વિરોધ નોંધાવતા જણાવ્યું કે ડિજિટલ યુગમાં વચેટિયાઓ અને ભ્રષ્ટાચાર દૂર કરવા માટે સહાયની રકમ સીધી પીડિતોના બેંક ખાતામાં જમા થવી જોઈએ. જો એક અઠવાડિયાની અંદર મુખ્યમંત્રી પીડિતોની મુલાકાત નહીં લે અને સહાય જાહેર નહીં કરે, તો આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરશે.
સુરતમાં પાણીના ભરાવા અને પૂરની સ્થિતિ પર બોલતા તેમણે જણાવ્યું કે આ હોનારત કુદરતી નથી પણ 100% માનવસર્જિત છે. તંત્ર અને અધિકારીઓ દ્વારા નિયમો નેવે મૂકીને ખાડીઓથી યોગ્ય અંતર રાખ્યા વિના મનફાવે તેમ બાંધકામોની મંજૂરીઓ આપવામાં આવી છે. પાણીના નિકાલના કુદરતી રસ્તાઓ બ્લોક થઈ ગયા છે, જેને કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ છે. ખાડીના પાણીને ડાયવર્ટ કરવા અને કાયમી નિકાલ માટે ’આપ’ કોર્પોરેટર ધર્મેશ ભંડેરી દ્વારા તંત્ર અને સ્થાનિક અધિકારીઓને લેખિત સૂચનો આપવામાં આવ્યા છે. પ્રી-મોનસૂન કામગીરી અને સાફ-સફાઈના નામે માત્ર બિલ બનાવીને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવે છે, જેના કારણે આજે વેપારીઓ, ખેડૂતો અને સામાન્ય જનતાએ ભારે ભોગવવું પડી રહ્યું છે. જો તંત્ર કાયમી નિકાલ માટે કડક પગલાં નહીં લે, તો આમ આદમી પાર્ટી આ મુદ્દે કાયદાકીય લડાઈ પણ લડશે.





