આમ આદમી પાર્ટી મહિલા મોરચાના અધ્યક્ષ પાયલ સાકરીયા અને પ્રદેશ સંગઠન મંત્રી વિક્રમ દવેએ ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે મહિલા સુરક્ષા મુદ્દે પત્રકાર પરિષદ યોજી હતી. આ તકે ’આપ’ નેતા પાયલ સાકરીયાએ જણાવ્યું હતું કે, અમે અગાઉ પણ આંદોલનો અને રજૂઆતો દ્વારા ગુજરાતની વાસ્તવિકતા સરકાર સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. ત્રીસ વર્ષથી ભાજપનું શાસન અને છેલ્લા દસ વર્ષથી ‘ટ્રિપલ એન્જિન’ સરકાર હોવા છતાં રાજ્યમાં મહિલા સુરક્ષાની સ્થિતિ અત્યંત ચિંતાજનક છે. મંત્રીઓ મોટી સભાઓમાં ગુજરાતમાં મહિલાઓ સંપૂર્ણ સુરક્ષિત હોવાના દાવા કરે છે, પરંતુ રિયાલિટી સાવ અલગ છે. સત્તાવાર આંકડા મુજબ ૨૦૧૫ થી ૨૦૨૪ સુધીમાં ૬,૧૦૦થી વધુ મહિલાઓ સાથે દુષ્કર્મ, ૫૦,૦૦૦થી વધુ મહિલાઓના અપહરણ અને ૩ લાખથી વધુ ઘરેલું હિંસાના કેસ નોંધાયા છે. ખુદ મુખ્યમંત્રી અને ભાજપના નેતાઓ જે ક્ષેત્રમાંથી આવે છે તે ઉત્તર ગુજરાતમાં ૧૮ વર્ષથી નાની વયની દીકરીઓ ગર્ભવતી થવાના આંકડા આંચકાજનક છે. ‘સૌ સલામત’ અને ‘બેટી બચાવો, બેટી પઢાવો’ના નારાઓ વચ્ચે પાટનગર ગાંધીનગર અને અમદાવાદમાં દીકરીઓ પર બળાત્કારની ઘટનાઓ બની છે, જેમાં એક નિર્દોષે જીવ પણ ગુમાવ્યો છે. મહિલા સુરક્ષા માટે છેલ્લા પાંચ વર્ષમાં સરકારે ફાળવેલું ₹૨૫,૯૬૮ કરોડનું બજેટ ક્યાં વપરાય છે અને મહિલાઓ અસુરક્ષિત કેમ છે તે મોટો પ્રશ્ન છે.

પાયલ સાકરીયાએ જણાવ્યું કે, ઘટનાઓ બને ત્યારે ગૃહમંત્રી માત્ર “કોઈને છોડવામાં નહીં આવે, કાયદો કાયદાનું કામ કરશે” તેવા નિવેદનો અને વિડીયો આપે છે, પરંતુ હવસખોરો કે માફિયાઓને કાયદાનો કોઈ ડર રહ્યો નથી. સરકાર પાસે રહેલી ઈડી, સીબીઆઈ અને સમગ્ર તંત્રનો ઉપયોગ માત્ર વિપક્ષી નેતાઓ અને હકની વાત કરતા સામાન્ય લોકોનો અવાજ દબાવવા માટે થાય છે. ગૃહમંત્રી હર્ષ સંઘવી પર નિશાન સાધતા તેમણે કહ્યું કે, “તમે ગૃહમંત્રી છો, રીલ મંત્રી નથી. આ કોઈ મુવીનું શૂટિંગ નથી ચાલતું કે તમે રીલો બનાવી લાઈક્સ, શેર અને પબ્લિસિટી મેળવો.” રાજ્યમાં ચોરી, લૂંટફાટ, હત્યા, દારૂ અને ડ્રગ્સનું વેચાણ સામાન્ય બની ગયું છે અને હવે દુષ્કર્મ જેવા ગંભીર ગુના પણ નોર્મલ ગણાવા લાગ્યા છે. ખુદ ગૃહમંત્રીનું હોમટાઉન સુરત આજે સમગ્ર દેશમાં ‘ક્રાઇમ કેપિટલ’ તરીકે બીજા ક્રમે આવી ગયું છે. ભાજપના જ સંગઠન કે મોરચાના કાર્યકર્તાઓ જ્યારે આવી ઘટનાઓમાં સંકળાયેલા હોય છે ત્યારે વોટબેંકના કારણે તેમની સામે કોઈ પગલાં લેવાતા નથી અને તંત્ર આંખ આડા કાન કરે છે.
પાયલ સાકરીયાએ ભારપૂર્વક કહ્યું કે, જ્યારે સત્તાધારી નેતાઓ મૌન સેવે ત્યારે જનતાએ પોતે જાગૃત થઈને જવાબ માંગવો પડશે. આટલી મોટી ભાજપ સરકાર પાસે ‘રાજ્ય મહિલા આયોગ’ ના અધ્યક્ષ બનાવવા માટે એક પણ સક્ષમ મહિલા નથી અને વર્ષોથી મહિલા આયોગના પ્રમુખનું પદ ખાલી પડ્યું છે. સતત બનતી ઘટનાઓ અંગે જ્યારે ’આપ’ મહિલા મોરચો સુરત ખાતે ગૃહમંત્રીના કાર્યાલયે તેમનો ‘એક્શન પ્લાન’ પૂછવા ગયો, ત્યારે પોલીસે અમારી અટકાયત કરી હતી. મહિલા સુરક્ષા એ કોઈ રાજકીય મુદ્દો નથી પરંતુ સમગ્ર ગુજરાતની મહિલાઓની પીડાનો પ્રશ્ન છે. આથી, કાગળ કે બેનરો સિવાય વાસ્તવિકતામાં ગુજરાતમાં ક્યારે મહિલાઓ સલામત થશે અને આ નિષ્ફળતા રોકવા સરકાર પાસે શું નક્કર આયોજન છે, તે અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને સીધા સવાલો પૂછવા માટે અમદાવાદ અને ગાંધીનગરના મહિલા મોરચાના હોદ્દેદારો સાથે અમે મુખ્યમંત્રી નિવાસસ્થાને જતા હતા ત્યારે તમામ નેતાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.






