Gen-Z માટે વડાપ્રધાન મોદીની સલાહ રીલ્સ છોડો, આત્મકથા વાંચો અને બીજાના સંઘર્ષમાંથી કંઈક શીખો રીલના યુગમાં જીવી રહેલા યુવાનોએ યાદ રાખવું જાેઈએ કે, શોર્ટકટ તમને નુકસાન પહોંચાડી શકે છે : વડાપ્રધાન નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે યુવાનોને આત્મકથાઓ વાંચવા અને બીજાના સંઘર્ષમાંથી શીખવાની અપીલ કરતાં કહ્યું કે રીલના યુગમાં જીવી રહેલા યુવાનોએ યાદ રાખવું જાેઈએ કે, શોર્ટકટ તમને નુકસાન પહોંચાડી શકે છે. મોદીએ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આત્મકથા ટ્રાયમ્ફ ઑફ ધ ઇન્ડિયન રિપબ્લિક: માય લાઇફ, માય સ્ટ્રગલ્સના વિમોચન કાર્યક્રમને સંબોધતા કહ્યું કે કોવિંદનું જીવન દર્શાવે છે કે દૃઢ સંકલ્પ કોઈ વ્યક્તિને મુશ્કેલીઓમાંથી બહાર આવવામાં અને સર્વોચ્ચ બંધારણીય પદ સુધી પહોંચવામાં કેવી રીતે મદદ કરી શકે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, “હું ખાસ કરીને યુવા પેઢીને આગ્રહ કરીશ. રીલ્સનો જમાનો છે. ઇન્ફ્લુએન્સર તમને ખેંચીને ક્યાંક ને ક્યાંક લઈ જ જાય છે. શોર્ટકટના આ યુગમાં પણ એક વાત જરૂર યાદ રાખજાે… રેલવે સ્ટેશનો પર લખેલું હોય છે: શોર્ટકટ તમારી જિંદગી ટૂંકી કરી શકે છે…” PM મોદીએ આગળ કહ્યું કે, “હું યુવાનોને વિનંતી કરીશ કે તેઓ જે લોકોને પસંદ કરે છે તેમની આત્મકથાઓ વાંચે. આત્મકથા કોઈ ખાસ સમયગાળાની ઐતિહાસિક ઘટનાઓને એક અનોખા દૃષ્ટિકોણથી રજૂ કરે છે. તેમાં જણાવવામાં આવેલો સમય આપણને ઇતિહાસની ખૂબ નજીક લઈ જાય છે. તેથી મને પૂરી આશા છે કે કોવિંદજીની મહેનત આવનારી પેઢીઓ અને ખાસ કરીને યુવાનો માટે લાભદાયી સાબિત થશે…”
વડાપ્રધાને રાષ્ટ્રપતિ પદ છોડ્યા બાદ પણ કોવિંદ સતત જાહેર જીવનમાં સક્રિય રહ્યા હોવાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, પદ છોડ્યા બાદ પણ તેમણે આરામ કર્યો નથી, પરંતુ એક રાષ્ટ્ર, એક ચૂંટણી પહેલ પર કામ કરી રહ્યા છે, જે ભારતીય લોકશાહીમાં એક નવું અધ્યાય ખોલી શકે છે. મોદીએ કહ્યું કે આ મુદ્દા પર પૂર્વ રાષ્ટ્રપતિના પ્રયાસો ભારતીય લોકશાહીને મજબૂત બનાવવામાં તેમના સતત યોગદાનનો એક ભાગ છે.
મોદીની આ ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે સરકાર અને સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ સોશિયલ મીડિયા પર Gen-Z સાથે જાેડાવાની કોશિશો તેજ કરી છે. તબીબી સ્નાતક અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે યોજાતી રાષ્ટ્રીય પાત્રતા સહ પ્રવેશ પરીક્ષા (NEET)નું પ્રશ્નપત્ર લીક થવાના વિરોધમાં ગયા મહિને થયેલા પ્રદર્શનો બાદ મોદીએ પોતાના મંત્રીઓને કહ્યું હતું કે તેઓ યુવાનો સાથે જાેડાવા માટે ઇન્સ્ટાગ્રામનો સક્રિયપણે ઉપયોગ કરે અને રીલ પોસ્ટ કરે.
તાજેતરના અઠવાડિયામાં મોદીએ પોતે પણ યુવાનોને સંબોધતા ઘણી વખત રીલ શેર કરી છે. વડાપ્રધાને કહ્યું કે, કોવિંદની આત્મકથા ભારતીય લોકશાહીની ધરોહર બનશે અને નવી પેઢીને તેમાંથી ઘણું શીખવા મળશે. મોદીએ કહ્યું, આપણે ભવિષ્યમાં આવા ઘણા યુવાનોની જરૂર છે જે કોવિંદ જેવા હોય. એવા લોકો જે પરિસ્થિતિ સામે હાર ન માને, પરંતુ દરેક પડકારને પાર કરવાનો મજબૂત સંકલ્પ ધરાવે. તેઓ આર્ત્મનિભર ભારતનો માર્ગ બનાવશે અને આ આત્મકથા યુવાનો માટે પ્રેરણાનો સ્ત્રોત બનશે.
તેમણે કહ્યું કે આત્મકથાનું શીર્ષક એકદમ યોગ્ય છે કારણ કે કોવિંદનું જીવન અને સંઘર્ષ ભલે વ્યક્તિગત હતા, પરંતુ એ સંઘર્ષોની જીત ભારતીય લોકશાહીની છે. મોદીએ યાદ કર્યું કે બાળપણમાં ઘરની વસ્તુઓ બચાવવાનો પ્રયાસ કરતી વખતે લાગેલી આગમાં કોવિંદે પોતાની માતાને ગુમાવી હતી. વડાપ્રધાને કહ્યું કે, આ દુ:ખદ ઘટના કોવિંદને તોડી શકે તેમ હતી, પરંતુ તેના બદલે આ ઘટનાએ તેમને વધુ મજબૂત બનાવ્યા હતા.
મોદીએ કહ્યું કે, કોવિંદમાં સારા સંસ્કાર કેળવવામાં તેમના પિતાની મહત્વની ભૂમિકા રહી છે. વડાપ્રધાને રાષ્ટ્રપતિ ભવનમાં કોવિંદ સાથેની પોતાની મુલાકાતોને યાદ કરતાં કહ્યું કે પૂર્વ રાષ્ટ્રપતિ તેમની સાથે એવી વાતો કરતા હતા, જેની સામાન્ય રીતે પ્રોટોકોલ હેઠળ મંજૂરી હોતી નથી અને મોદીના ના પાડવા છતાં તેઓ તેમને પોતે કાર સુધી મૂકવા આવતા હતા.
કોવિંદે આ પ્રસંગે પોતાના બાળપણની મુશ્કેલીઓ અને આસપાસના વાતાવરણમાંથી મળેલા બોધને યાદ કર્યો હતો. પૂર્વ રાષ્ટ્રપતિએ કહ્યું કે, હું ઉત્તર પ્રદેશના કાનપુર દેહાત જિલ્લાના એક ગામમાંથી આવું છું. મેં ગામના લોકો પાસેથી એકબીજા પ્રત્યે દયા અને પ્રેમની ભાવના શીખી. તેમણે યાદ કર્યું કે કેવી રીતે તેમના ઘરની છતમાંથી વરસાદનું પાણી ટપકતું હતું અને તેમનો પરિવાર વરસાદ રોકાય તેની રાહ જાેતો હતો.
કોવિંદે કહ્યું કે, સરકારી આવાસ યોજનાઓ હેઠળ કરોડો ગરીબ પરિવારોને માથે છત મળી છે અને તેમને સન્માન સાથે જીવવાની તક મળી છે. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના કતારમાં ઊભેલા અંતિમ વ્યક્તિના ઉત્થાનના સંકલ્પને યાદ કરતાં કોવિંદે કહ્યું કે, વડાપ્રધાન મોદી સાથેની તેમની વાતચીત, તેમનો દૃષ્ટિકોણ અને સામાન્ય કાર્યકર્તાઓ સાથે જાેડાવાની તેમની ક્ષમતાએ પણ તેમને ખૂબ પ્રભાવિત કર્યા હતા.
કોવિંદે કહ્યું કે તેઓ ભાજપ સાથે એટલા માટે જાેડાયા કારણ કે તેમની નજરમાં આ પક્ષ પરિવાર કે સમુદાયના હિતથી ઉપર દેશને રાખે છે.
પુસ્તક વિમોચન કાર્યક્રમમાં હાજર લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ કોવિંદને દૃઢ સંકલ્પનું જીવંત ઉદાહરણ ગણાવ્યા અને ભારતના રાજદ્વારી સંબંધોને મજબૂત બનાવવા માટે તેમની પ્રશંસા કરી હતી.
કાર્યક્રમમાં મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને ઘણા કેન્દ્રીય મંત્રીઓ પણ હાજર હતા.





