આમ આદમી પાર્ટીના ફ્રન્ટલ સંગઠન પ્રદેશ અધ્યક્ષ તથા કિસાન મોરચાના પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામે એક મહત્વપૂર્ણ મુદ્દા પર વીડિયોના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ગુજરાતના ખેડૂતો અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. અનેક જિલ્લાઓમાં કુદરત રૂઠી છે અને હાલ અનેક જિલ્લાઓમાં વરસાદ નથી પડી રહ્યો. જેના કારણે ખૂબ જ મોટી સંખ્યામાં ખેડૂતો હજુ સુધી વાવણી નથી કરી શક્યા. પરંતુ જ્યાં ખેડૂતે વાવણી કરી દીધી છે પણ વરસાદ નથી પડ્યો ત્યાં સરકારની અવ્યવસ્થાના કારણે ગુજરાતનો ખેડૂત હેરાન પરેશાન થઈ ગયો છે. સંજેલીમાં ખાતર માટે ખેડૂતો 9 કલાક સુધી લાઈનમાં ઊભા રહ્યા પરંતુ સર્વર ડાઉન હોવાના કારણે તેમને ખાતર ન મળ્યું અને 9 કલાક બાદ ખાતર વગર જ ખેડૂતોએ ઘરે જવું પડ્યું. ખેડૂતોની સમયની પણ કોઈ કિંમત છે.
વધુમાં આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા પ્રવીણ રામે જણાવ્યું હતું કે, સરકારને ખેડૂતો પ્રત્યે કોઈ પણ જાતની લાગણી નથી, સરકારની એવી વ્યવસ્થાઓ પણ નથી જેનાથી ખેડૂતોની મુશ્કેલીઓ ઓછી થાય. ભાજપના રાજમાં ખેડૂતને કઈ રીતે મુશ્કેલી થાય અને વધારે પીડાય એવી વ્યવસ્થા ભાજપ સરકાર ગોઠવે છે. હું હવે ગુજરાતના ખેડૂતોને પણ નમ્ર અપીલ કરું છું કે જે રીતે તમને નવ કલાક સુધી લાઇનમાં ઊભા રાખ્યા એ જ રીતે હવે આવનારી ચૂંટણીમાં પણ તમે ભાજપના લોકોને લાઇનમાં ઊભા રાખતા શીખો અને પરિવર્તન કરતા શીખો તો જ પરિસ્થિતિ બદલાશે અને ખેડૂતોને સમયસર ખાતર મળતું થશે. સરકારને પણ અપીલ છે કે આ સર્વર ડાઉનના નાટકો બંધ કરો અને ગુજરાતના ખેડૂતોને ખાતર પહોંચાડો.





