તપોનિધિ મહર્ષિ ગાલવનું જીવન અને ગળતેશ્વર તપોભૂમિની અમર ગાથા
ગુજરાત રાજ્યના ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં આવેલું પ્રાચીન અને પવિત્ર શિવધામ ગળતેશ્વર મહાદેવ મંદિર (સરનાલ) એ ધાર્મિક,ઐતિહાસિક અને સ્થાપત્ય કલાની દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ શિવધામ પરમ તપસ્વી મહર્ષિ ગાલવની પુણ્ય તપોભૂમિ ગણાય છે.મહાભારતના ‘ઉદ્યોગપર્વ’ના અધ્યાય ૧૦૬ થી ૧૨૩ સુધીમાં પ્રતિષ્ઠાનપુરના ચંદ્રવંશી રાજા યયાતિ,તેમની પુત્રી માધવી અને મહર્ષિ ગાલવની આ અદભુત તથા પ્રેરણાદાયી કથાનો વિસ્તારપૂર્વક ઉલ્લેખ પ્રાપ્ત થાય છે.
તપસ્વી ગાલવ મુનિ મહર્ષિ વિશ્વામિત્રના અત્યંત પ્રિય અને સમર્પિત શિષ્ય હતા.દસ હજાર વર્ષની કઠોર સેવા-શુશ્રૂષા અને અવિચળ ભક્તિથી પ્રસન્ન થઈને વિશ્વામિત્રજીએ વિદ્યાભ્યાસ પૂર્ણ થતાં ગાલવને આશીર્વાદ આપ્યા કે "હે વત્સ ! તારી શિક્ષા પૂર્ણ થઈ છે,હવે તું મારી આજ્ઞાથી તારી ઈચ્છાનુસાર ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કર."
ગુરૂદેવનો આવો સ્નેહપૂર્ણ આદેશ સાંભળી ગાલવમુનિ વિનમ્રભાવે બોલ્યા કે "પૂજ્ય ગુરૂદેવ ! દક્ષિણા વિનાનું કર્મ નિષ્ફળ નીવડે છે.દક્ષિણા આપનાર મનુષ્ય જ સિદ્ધિ અને યજ્ઞનું શ્રેષ્ઠ ફળ પ્રાપ્ત કરે છે તેથી આપની કૃપાના બદલામાં હું મારી શક્તિ મુજબ ગુરૂદક્ષિણા આપીને જ આશ્રમમાંથી વિદાય લેવા માંગુ છું."
મહર્ષિ વિશ્વામિત્ર પોતાના શિષ્યની આર્થિક સ્થિતિ અને અકિંચનતાથી ભલીભાંતિ પરિચિત હતા તેથી તેમણે દક્ષિણા લેવાની સ્પષ્ટ ના પાડી પરંતુ ગાલવ પોતાના નિશ્ચય પર અડગ રહ્યા અને હઠ પકડીને બેઠા કે ગુરૂદક્ષિણા આપ્યા વિના તેઓ આશ્રમ છોડશે નહીં અને તેમની વિદ્યા પણ ફળશે નહીં. શિષ્યની આ અતિશય હઠ જોઈને મહર્ષિ વિશ્વામિત્ર ક્રોધિત થઈ ગયા,તેમણે ગુસ્સામાં ગાલવ તરફ નિર્દેશ કરતાં કહ્યું કે "હે ઉદ્ધત ગાલવ ! જો તારે વિશ્વામિત્ર જેવા ગુરૂને સંતુષ્ટ જ કરવા હોય તો ચંદ્ર જેવા શ્વેત અને જેનો એક કાન શ્યામ હોય તેવા અતિ દુર્લભ આઠસો શ્યામકર્ણ ઘોડા ગુરૂદક્ષિણામાં લાવી આપ !" આ અત્યંત કઠિન શરત સાંભળી ગાલવ માટે ભારે કટોકટી સર્જાઈ પરંતુ સ્વભિમાની અને દ્રઢનિશ્ચયી ગાલવ ડગ્યા નહીં, તેમણે ગુરૂદેવનો ક્રોધ શાંત કરી આ દુર્લભ ઘોડા એકત્ર કરવા માટે થોડો સમય માંગ્યો,જે વિશ્વામિત્રજીએ સ્વીકાર્યો.
આવા અપ્રાપ્ય ઘોડા ક્યાંથી લાવવા તેની ચિંતામાં ગાલવમુનિ વિલાપ કરવા લાગ્યા કે "હું કેવો અભાગી છું કે ગુરૂદેવને દક્ષિણા આપવાનું વચન આપીને પૂરૂં કરી શકતો નથી !" ગાલવમુનિના પરમ મિત્ર પક્ષીરાજ ગરૂડજીને જ્યારે આ વાતની જાણ થઈ ત્યારે તેઓ ગાલવની સહાયતા અર્થે પ્રગટ થયા. ગરૂડજીએ મિત્રધર્મ નિભાવતાં કહ્યું કે "હે વિપ્રવર ! મિત્રનો સાચો ધર્મ અનુકૂળ કે પ્રતિકૂળ-તમામ પરિસ્થિતિમાં સાથ આપવાનો છે.મારા ઈષ્ટદેવ ભગવાન શ્રીહરિ વિષ્ણુની કૃપાથી મને આપની મદદ કરવાની આજ્ઞા મળી છે.ચાલો..આપણે પૃથ્વી પરના મહાન રાજાઓ પાસે જઈને આ કાર્ય સિદ્ધ કરીએ." ગરૂડજી ગાલવમુનિને લઈને ચંદ્રવંશી મહારાજ નહુષના પુત્ર અને અત્યંત ઉદાર તથા સત્યપરાક્રમી રાજર્ષિ યયાતિના દરબારમાં પહોંચ્યા.રાજા યયાતિએ આતિથ્યધર્મ નિભાવી તેમનું ભવ્ય સ્વાગત કર્યું.
જ્યારે ગરૂડજીએ ગાલવની ગુરૂદક્ષિણાની વિપદા જણાવી ત્યારે રાજા યયાતિએ કહ્યું કે "મહર્ષિ ! હાલ મારી પાસે પૂર્વ જેવો વૈભવ નથી છતાં આંગણે આવેલા અતિથિને હું ખાલી હાથે પાછો નહીં વાળું.મારી પાસે મારી ત્રિલોકસુંદરી પુત્રી માધવી છે.દૈવી વરદાન મુજબ તેના ગર્ભથી ચાર મહાન રાજવંશોની સ્થાપના થવાની છે,તે અદભુત રૂપ અને કૌમાર્યનું વરદાન ધરાવે છે.આપ આ કન્યાને ગ્રહણ કરો.આ કન્યાના બદલામાં રાજાઓ પોતાનું રાજ્ય પણ આપી દે,તો આઠસો ઘોડા મેળવવા કઠિન નથી પરંતુ મારી એક
વિનંતી છે કે કાર્ય પૂર્ણ થયે મારી પુત્રી મને પરત કરવી પડશે." ગાલવમુનિ અને ગરૂડજી રાજકુમારી માધવીને લઈને નીકળ્યા.સૌપ્રથમ તેઓ અયોધ્યાના ઈક્ષ્વાકુવંશી રાજા હર્યશ્વ પાસે પહોંચ્યા.રાજા હર્યશ્વ માધવીના સદગુણોથી અત્યંત પ્રભાવિત થયા પરંતુ તેમની પાસે શરત મુજબના માત્ર ૨૦૦ શ્યામકર્ણ ઘોડા જ હતા.હર્યશ્વએ પ્રસ્તાવ મૂક્યો કે તેઓ આ ૨૦૦ ઘોડા આપી માધવીથી એક પુત્ર પ્રાપ્ત કરશે.
માધવીએ ગાલવમુનિને જણાવ્યું કે "મને વેદવાદી મહાત્માનું વરદાન છે કે પ્રત્યેક પ્રસવ બાળકના જન્મ પછી હું પુનઃ કૌમાર્ય પ્રાપ્ત કરી અક્ષતયોનિ બની શકીશ તેથી આપ અલગ-અલગ રાજાઓ પાસેથી બસો-બસો ઘોડા મેળવી તમારો મનોરથ પૂર્ણ કરો." સમય જતાં માધવીથી રાજા હર્યશ્વને ‘વસુમના’ નામે મહાન પુત્રપ્રાપ્તિ થઈ.
ત્યારબાદ ગાલવમુનિ અને ગરૂડજી માધવીને લઈને કાશીના ધર્માત્મા રાજા દિવોદાસ પાસે ગયા. દિવોદાસ પાસે પણ ૨૦૦ શ્યામકર્ણ ઘોડા હતા,તેમણે ઘોડા આપી માધવીથી ‘પ્રતર્દન’ નામના પ્રતાપી પુત્રને જન્મ આપ્યો,જેણે પાછળથી કાશી રાજ્યની કીર્તિ અમર કરી.
ત્યારપછી તેઓ ભોજનગરના રાજા ઉશીનર પાસે ગયા.ઉશીનરે પણ પોતાના ૨૦૦ શ્યામકર્ણ ઘોડા આપી માધવીથી એક પુત્ર પ્રાપ્ત કર્યો.આ અદભુત પુત્ર એટલે પરમ દાનવીર મહારાજા ‘શિબિ’, જેમની દાનવીરતાની કથાઓ પુરાણોમાં અમર છે.
હવે ગાલવમુનિ પાસે કુલ ૬૦૦ શ્યામકર્ણ ઘોડા એકત્ર થઈ ગયા હતા અને માત્ર ૨૦૦ ઘોડા બાકી હતા ત્યારે પક્ષીરાજ ગરૂડજીએ પોતાના દિવ્યજ્ઞાનથી જાણીને કહ્યું કે "હે મિત્ર ગાલવ ! હવે પૃથ્વી પર આ જાતના અન્ય ઘોડા ઉપલબ્ધ નથી.સમગ્ર ભૂમંડળ પર માત્ર આ ૬૦૦ ઘોડા જ હતા.ગુરૂદેવ વિશ્વામિત્ર પાસેથી લીધેલી સમયસીમા પણ પૂરી થવા આવી છે તેથી બાકીના ૨૦૦ ઘોડાના બદલે તું આ ત્રિલોકસુંદરી કન્યા માધવીને જ મહર્ષિ વિશ્વામિત્રના ચરણોમાં સમર્પિત કરી દે." ગાલવમુનિએ મહર્ષિ વિશ્વામિત્ર સમક્ષ જઈને ૬૦૦ શ્યામકર્ણ ઘોડા અર્પણ કર્યા અને નમ્રભાવે વિનંતી કરી કે "ગુરૂદેવ ! સમગ્ર પૃથ્વી પર આવા ૬૦૦ જ ઘોડા હતા.બાકીના ૨૦૦ ઘોડાના બદલે આપ કૃપા કરીને આ દિવ્યાંગના માધવીનો સ્વીકાર કરો." મહર્ષિ વિશ્વામિત્રે પોતાના પ્રિય શિષ્યની વિનંતી અને દ્રઢ ભક્તિ જોઈને ૬૦૦ ઘોડા તથા કન્યા માધવીનો સ્વીકાર કર્યો.કાળક્રમે માધવીના સંયોગથી વિશ્વામિત્રજીને ‘અષ્ટક’ નામે તેજસ્વી પુત્ર પ્રાપ્ત થયો જે પાછળથી મહાન શાસક બન્યો.
ગુરૂદક્ષિણાનું કાર્ય પૂર્ણ થતાં ગાલવમુનિ ગુરૂના ઋણમાંથી મુક્ત થયા.વચન મુજબ માધવી પુનઃ પોતાના શાશ્વત કૌમાર્ય અને અખંડ યુવાની સાથે પિતા યયાતિના ઘરે પરત ફરી.રાજા યયાતિએ પુત્રી માધવીના સ્વયંવરનું આયોજન કરવા વિચાર્યું પરંતુ સંસારના ભોગ-વિલાસથી વિરક્ત થઈ ચૂકેલી માધવીએ પુનઃ વિવાહ કરવાની સ્પષ્ટ ના પાડી દીધી.તેણે તપોવનનો માર્ગ પસંદ કર્યો.કઠોર વ્રત,ઉપવાસ
અને રાગ-દ્વેષથી રહિત થઈને માધવીએ ઈશ્વર ભક્તિમાં પોતાનું જીવન સમર્પિત કરી દીધું.રાજા યયાતિ પણ હજારો વર્ષનું આયુષ્ય ભોગવીને કાળધર્મ પામ્યા.તેમના અન્ય પુત્રો પુરૂ અને યદુ દ્વારા મહાન વંશાવળીઓ ચાલી.
ગુરૂદક્ષિણાના આ મહાન કાર્યમાંથી નિવૃત્ત થયા બાદ તપસ્વી ગાલવ મુનિએ ગુજરાતના ખેડા જિલ્લામાં ડાકોરથી આશરે ૧૫ કિલોમીટર દૂર આવેલા સરનાલ ગામ પાસે જ્યાં પવિત્ર મહિસાગર અને ગળતી નદીનો સંગમ થાય છે.મહી નદીના પથરાળ અને રમણીય કિનારે સ્થિત આ મંદિર કુદરતી સૌંદર્યથી ઘેરાયેલું છે.અહીં ગળતી નદીની જલધારા પ્રાકૃતિક રીતે શિવલિંગ પર નિરંતર અભિષેક કરતી રહે છે ત્યાં આવીને મહાદેવની ઘોર તપસ્યા કરી હતી.ગાલવ ઋષિના નામ અને ગળતી નદીના પવિત્ર સંગમસ્થાન પરથી જ આ પ્રાચીન શિવ મંદિર ‘ગળતેશ્વર મહાદેવ’ તરીકે વિશ્વભરમાં પ્રસિદ્ધ થયું.આ પવિત્ર ધામ આજે પણ ગાલવ ઋષિની અખંડ તપસ્યા અને શિવભક્તિની સાક્ષી પૂરે છે.
આ મંદિર ૧૨મી સદીનું સોલંકી/ચૌલુક્ય કાળનું માનવામાં આવે છે,તે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) દ્વારા રાષ્ટ્રીય મહત્વના સ્મારક તરીકે સંરક્ષિત છે.ગળતેશ્વર મંદિર મધ્ય ભારતની માળવા 'ભૂમિજ' શૈલી અને ગુજરાતી સોલંકી-ચૌલુક્ય સ્થાપત્ય શૈલીના અદભુત સમન્વયથી બનેલું છે. મંદિરનું ગર્ભકક્ષ ચોરસ-ગોળાકાર આકારનું છે જ્યારે તેનો રંગમંડપ અષ્ટકોણીય-આઠ ખૂણાવાળો છે. મંદિરની બહારની દીવાલો પર ઈશ્વરીય અવતારો,દેવ-દેવીઓ,ગંધર્વો,ઋષિમુનિઓ,ઘોડેસવારો,હાથીની સવારી,રથ અને માનવજીવનના જન્મથી મૃત્યુ સુધીના વિવિધ પ્રસંગો અત્યંત કલાત્મક રીતે શિલ્પબદ્ધ કરવામાં આવ્યા છે. આ મંદિરનું શિખર અપૂર્ણ છે.સ્થાનિક લોકવાયકા મુજબ સાક્ષાત મહાદેવ અથવા શિલ્પીઓએ રાતોરાત આ મંદિરનું નિર્માણ શરૂ કર્યું હતું પરંતુ સવાર થઈ જતાં શિખરનું કામ અધૂરૂં રહી ગયું હતું.
આલેખન:
વિનોદભાઈ માછી ‘નિરંકારી’
નવીવાડી તા.શહેરા જિ.પંચમહાલ
૯૭૨૬૧૬૬૦૭૫(મો)






