(નીડર,નિષ્પક્ષ,અને તટસ્થ છગનલાલ મેવાડા દ્વારા) સુરત
લોકશાહી દેશ માં ચૂંટણીની પહેલી વિશ્વાસનીયતા મતદાર યાદીથી શરૂ થાય છે. મતદાર યાદીમાં એક પણ ખોટું નામ ન રહે અને એક પણ સાચા મતદારનું નામ ન કપાય આ બંને બાબતો સમાન રીતે મહત્વની છે. પરંતુ પશ્ચિમ બંગાળમાં મતદાર યાદીના સઘન પુનનીરીક્ષણ એટલે કે SIR ને લઇને સામે આવેલી માહિતી હવે ચૂંટણી પંચની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા કરે છે.
ત્યારે હવે માહિતીના અધિકાર હેઠળ મળેલી વિગતો ચોંકાવનારી છે. અત્યાર સુધી નિકાલ થયેલી ૮૨,૭૬૨ અપીલોમાંથી ૭૫,૪૪૩ મતદારોના નામ ફરી મતદાર યાદીમાં ઉમેરવામાં આવ્યા છે. જ્યારે માત્ર ૭,૩૩૯ નામો બહાર રાખવામાં આવ્યા. એટલે કે નિકાલ થયેલી અપીલોમાં ૯૧ ટકાથી વધુ લોકોને રાહત મળી છે.
અહીં સૌથી મોટો પ્રશ્ન એ છે કે જો આટલી મોટી સંખ્યામાં નામો અપીલ પછી સાચા ઠરતા હોય તો શરૂઆતની પ્રક્રિયામાં ભૂલ ક્યાં થઈ? શું મતદારોના દસ્તાવેજો અને હકીકતોની પૂરતી તપાસ કર્યા વિના નામોને શંકાના આધારે બહાર કરવામાં આવ્યા હતા? પછી SIR ની પ્રક્રિયા જ એટલી જટિલ હતી કે સામાન્ય નાગરિક પોતાના મતાધિકારને સાબિત કરવામાં મુશ્કેલી અનુભવે?
સવાલ માત્ર એ નથી કે કેટલા નામો કપાયા અને કેટલા પાછા ઉમેરાયા. સાચો સવાલ એ છે કે જે લોકોના નામ ભૂલથી કાઢવામાં આવ્યા, તેમાંથી કેટલાને ચૂંટણીના દિવસે મતદાન કરવાની તક મળી? જો કોઈ સાચા મતદારનું નામ મતદાન પહેલાં યાદીમાંથી ગાયબ થઈ જાય અને ચૂંટણી પૂરી થયા પછી અપીલમાં તે સાચો સાબિત થાય તો તેને થયેલા નુકશાનની ભરપાઈ કઈ રીતે થશે, અને તેના મતાધિકારનું શું?
આમ લોકશાહીમાં ચૂંટણીની નિષ્પક્ષતા એટલી જ જરૂરી છે જેટલી મતદારની હાજરી. જો ખોટા મતદારોને રોકવાના પ્રયાસમાં સાચા મતદારો જ મતદાનથી વંચિત થઈ જાય તો સુધારાની પ્રક્રિયા પોતે જ પ્રશ્ન બની જાય છે. આ મામલે સર્વોચ્ચ અદાલત પણ માહિતી માંગી રહી છે અને SIR બાદની અપીલો તથા મતદાર યાદીમાં થયેલા ફેરફારો પર નજર રાખી રહી છે.




