પૂર હોનારત પર મનીષા કોઈરાલાની ભાવુક અપીલ ભારત, ચીન અને આંતરરાષ્ટ્રીય સમુદાયને મદદ માટે અપીલ કરી મનીષા કોઈરાલાએ પ્રવાસન ચાલુ રાખવા અને ક્લાઇમેટ ચેન્જ સામે સામૂહિક પ્રયાસો પર ભાર મૂક્યો
નેપાળ હાલમાં માત્ર ભયાનક પૂરનો જ નહીં, પરંતુ એક મોટી માનવસર્જિત અને કુદરતી હોનારતનો સામનો કરી રહ્યું છે. સેંકડો લોકોના મોત અને હજારથી વધુ લોકો ગુમ થયાના આઘાત વચ્ચે અભિનેત્રી મનીષા કોઇરાલાએ પાડોશી દેશો અને આંતરરાષ્ટ્રીય સમુદાયને મદદ માટે આગળ આવવા હાકલ કરી છે. ૩૦ ઑગસ્ટ, ૨૦૨૬ના રોજ સદગુરુના નેતૃત્વમાં યોજાયેલા નેપાળ સાથે એકજૂથતા કાર્યક્રમમાં તેણે ભારત, ચીન અને નેપાળને સાથે મળીને આ કુદરતી આફતનો સામનો કરવા અપીલ કરી હતી. મનીષાએ સ્પષ્ટ કર્યું હતું કે કુદરતી હોનારતના કારણે નેપાળના પ્રવાસન (ટૂરિઝમ) અને તેની વૈશ્વિક ઓળખ પર બ્રેક ન લાગવી જાેઈએ.
કાઠમંડુમાં જન્મેલી મનીષા કોઇરાલાએ આ હોનારતને માત્ર નેપાળ પૂરતી સીમિત ન ગણતાં ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જ સામે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેનું કહેવું છે કે, હિમાલય ક્ષેત્રના દેશો એકબીજા સાથે જાેડાયેલા હોવાથી આવી કુદરતી આફતોનો સામનો કરવા સામૂહિક પ્રયાસો ખૂબ જરૂરી છે. આથી સરહદોથી ઉપર ઉઠીને એક મોટા સમુદાય તરીકે ભારત, ચીન અને નેપાળને એકસાથે મળીને કાયમી ઉકેલ શોધવો જાેઈએ.
મનીષા કોઇરાલાની અપીલ માત્ર રાહત અને બચાવ કામગીરી પૂરતી મર્યાદિત ન હતી. તેણે આંતરરાષ્ટ્રીય સમુદાયને નેપાળ પ્રત્યે પોતાનો પ્રેમ અને સપોર્ટ જાળવી રાખવા ભાવુક વિનંતી કરી હતી. તેણે ભારપૂર્વક જણાવ્યું કે, નેપાળની ઓળખ વિશ્વમાં માત્ર આફતોથી ઘેરાયેલા દેશ તરીકે ન બનવી જાેઈએ. પ્રવાસન(ટૂરિઝમ) એ નેપાળની અર્થવ્યવસ્થાની જીવાદોરી છે. પૂર અને ભૂસ્ખલનની ઘટનાઓ માત્ર અમુક જ વિસ્તારોમાં બની છે, તેથી દેશને ફરીથી પગભર કરવા માટે વિદેશી પ્રવાસીઓ નેપાળની મુલાકાત લેતા રહે તે ખૂબ જરૂરી છે. નેપાળ-તિબેટ સરહદ નજીક હિમનદી(ગ્લેશિયર) તૂટી પડતાં આવેલી ભયાનક પૂરની માટી, કાદવ અને પાણીના ધસમસતા પ્રવાહે ઉત્તરી અને મધ્ય નેપાળમાં ભારે તારાજી સર્જી છે. અનેક ગામડાંઓ જમીનદોસ્ત થઈ ગયા છે અને હાઇડ્રોઈલેક્ટ્રિક પાવર પ્રોજેક્ટ્સને પણ મોટું નુકસાન પહોંચ્યું છે. ૨૬ ઑગસ્ટે આવેલી આ આફતમાં અત્યાર સુધીમાં ૭૦૦થી વધુ લોકોના મોત નીપજ્યા છે અને ૨,૫૦૦થી વધુ લોકો ગુમ છે. આવી સ્થિતિમાં મનીષા કોઇરાલાએ વિશ્વભરના લોકોને રાહત સામગ્રી મોકલવા અને નેપાળી નાગરિકોની મદદે આવવા અપીલ કરી છે.




