બિલ્ડરો હાથ ના ખંખેરી શકે: સુપ્રીમ કોર્ટ ફ્લેટ કે મકાનના બ્રોશર માત્ર માર્કેટિંગ નહીં પણ વચન છે સુપ્રીમ કોર્ટે બિલ્ડરોને ચેતવણી આપી છે કે પ્રોજેક્ટ બ્રોશર કાયદેસરના વાયદા છે, માત્ર માર્કેટિંગ દાવા નહીં દેશભરમાં ફ્લેટ કે મકાન ખરીદતી વખતે બિલ્ડરો દ્વારા ચળકતા બ્રોશરમાં લક્ઝુરિયસ સુવિધાઓ, વિશાળ રસ્તાઓ અને ગાર્ડનના મોટા-મોટા દાવા કરવામાં આવતા હોય છે, પરંતુ પઝેશન વખતે ખરીદદારોને ઘણી વખત તમામ સુવિધાઓ આપવામાં આવતી નથી. આવા જ એક ગંભીર મામલે સુપ્રીમ કોર્ટે રિયલ એસ્ટેટ ડેવલપર્સને ચેતવણી આપી છે.
સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરી છે કે ડેવલપર્સ પ્રોજેક્ટ બ્રોશરમાં ગ્રાહકોને વાયદા કરીને પાછળથી તેને માત્ર માર્કેટિંગ ક્લેઇમ ગણાવીને હાથ ખંખેરી શકે નહીં. જાે કોઈ ચોક્કસ પ્લાન, નકશા અને સુવિધાઓ દર્શાવીને પ્રોજેક્ટ વેચવામાં આવ્યો હોય, તો બિલ્ડરે તે તમામ વચનો જમીન પર પૂરા કરવા જ પડશે. જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહ અને જસ્ટિસ આર મહાદેવનની ખંડપીઠ ગુરુગ્રામના સેક્ટર 82A સ્થિત DLF હોમ ડેવલપર્સના ધ પ્રાઇમસ હાઉસિંગ પ્રોજેક્ટ સાથે જાેડાયેલા વિવાદની સુનાવણી કરી રહી હતી. આ પ્રોજેક્ટના મૂળ પ્લાનમાં ૨૪ મીટર પહોળો એપ્રોચ રોડ દર્શાવવામાં આવ્યો હતો. જાેકે આ રસ્તો વચન મુજબ બનાવવામાં આવ્યો નથી. ખંડપીઠે ચેતવણી આપી હતી કે જાે પ્રોજેક્ટને મૂળ બ્રોશર અને નકશા મુજબ સુધારવામાં નહીં આવે તો કોર્ટ આકરા આદેશો આપશે.
સુપ્રીમ કોર્ટે અગાઉ CBI ને આ રસ્તા અને અન્ય ફરિયાદોની પ્રાથમિક તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. CBI ની તપાસમાં જાણવા મળ્યું કે, મૂળ યોજના મુજબ ૨૪ મીટર પહોળો આ રસ્તો લગભગ ૧૪૭ મીટર લાંબો બનવાનો હતો. પરંતુ જમીન પર તેમાંથી લગભગ ૫૨ મીટરના હિસ્સામાં ગ્રીન પેચ (બગીચો) બનાવી દેવામાં આવ્યો હતો. બાકીનો મોટો હિસ્સો રસ્તા જેવો દેખાય છે ખરો, પરંતુ તેનો ઉપયોગ રહેવાસીઓ અને મુલાકાતીઓ દ્વારા પાર્કિંગ તરીકે થઈ રહ્યો છે. એટલે કે આયોજિત રસ્તાનો લગભગ બે તૃતીયાંશ (આશરે ૧૦૦ મીટર) જેટલો હિસ્સો કાં તો ગ્રીન એરિયા બની ગયો છે અથવા પાર્કિંગમાં ફેરવાઈ ગયો છે.
આ વિવાદની શરૂઆત ૫ ફ્લેટ ખરીદદારો દ્વારા નેશનલ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ્સ રિડ્રેસલ કમિશન સમક્ષ દાખલ કરાયેલી ફરિયાદથી થઈ હતી. ૨૯ મે ૨૦૨૩ ના રોજ કન્ઝ્યુમર ફોરમે ચુકાદો આપ્યા બાદ ખરીદદારો અને DLF બંને સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા. ફેબ્રુઆરી મહિનામાં જ સુપ્રીમ કોર્ટે નોંધ્યું હતું કે કાગળ પરના કાયદાકીય નિયમો અને જમીન પરની સ્થિતિ વચ્ચે “મોટો તફાવત” છે. ખરીદદારોને બતાવાયેલા સપના વાસ્તવિકતામાં પરિવર્તિત થયા નથી. જાે આખા રિયલ એસ્ટેટ સેક્ટરમાં આવું બનતું હોય તો સામાન્ય મધ્યમવર્ગીય ખરીદદારોની શું હાલત થાય તે અંગે કોર્ટે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. તાજા આદેશમાં સુપ્રીમ કોર્ટે CBI ડાયરેક્ટરને સૂચના આપી છે કે આ પ્રાથમિક તપાસ સંભાળી રહેલા એસપી સૌરભ ગુપ્તાની મદદ માટે વધુ બે ઇન્સ્પેક્ટરો નિયુક્ત કરવામાં આવે. આ કેસની આગામી સુનાવણી ૧૨ ઓક્ટોબર ના રોજ નિયત કરવામાં આવી છે, જ્યાં એજન્સી પોતાનો આખરી રિપોર્ટ રજૂ કરશે. કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું છે કે CBI ની તપાસ સંપૂર્ણપણે સ્વતંત્ર અને નિષ્પક્ષ રહેવી જાેઈએ.




