(નીડર નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા દ્વારા) સુરત
ભારતીય કાયદાકીય માળખા અનુસાર, "ધ ઇમ્મોરલ ટ્રાફિક (પ્રીવેન્શન) એક્ટ" અંતર્ગત વેશ્યાગૃહ ચલાવવું, વેશ્યાવૃત્તિના વ્યવસાયમાંથી કમાણી કરવી, દલાલી કરવી કે કોઈ સ્ત્રી/સગીર ને આ ધંધામાં બળજબરીથી ધકેલવી એ ગંભીર અને બિન-જામીનપાત્ર ગુનો છે. કાયદાનો મૂળભૂત હેતુ વેશ્યાવૃત્તિના વ્યાપારીકરણ, માનવ તસ્કરી અને શોષણ કરનારા મધ્યસ્થીઓ (જેવા કે દલાલો, મેનેજરો અને માલિકો) પર અંકુશ મેળવવાનો છે. જોકે, વ્યવહાર માં ઘણીવાર પોલીસ દરોડા દરમિયાન આ કાયદાના દંડકીય પ્રાવધાનોનો વ્યાપ એવી રીતે વિસ્તારી દેવામાં આવતો હતો જેમાં સેવા લેવા આવેલા ગ્રાહકોને પણ આરોપી બનાવી દેવામાં આવતા હોય છે.
ત્યારે ગુજરાત હાઇકોર્ટે પોતાના ચુકાદામાં કાયદાકીય તર્ક રજૂ કરતાં નોંધ્યું છે કે ગ્રાહક માત્ર પોતાની અંગત જરૂરિયાત કે સંતોષ માટે નાણાં ચૂકવીને સેવા મેળવે છે. તે નાણાકીય લેવડદેવડમાં એક ખરીદદાર સમાન છે. ગ્રાહકની ભૂમિકા તે જગ્યાના સંચાલન, માલિકી કે વેશ્યાવૃત્તિના વ્યવસાયમાંથી આવક રળવા સાથે જોડાયેલી હોતી નથી. જેથી કાયદાકીય રીતે તેની સામે અનૈતિક તસ્કરી વિરોધી કાયદાની કલમો લાગુ પાડી શકાય નહીં. નૈતિકતા અને કાયદાકીય ગુન્હા વચ્ચેનો આ તફાવત સમજવો અત્યંત જરૂરી છે. સમાજ માં કોઈ કાર્ય નૈતિક રીતે અયોગ્ય હોઈ શકે, પરંતુ જ્યાં સુધી દેશનો સુનિશ્ચિત કાયદો તેને સ્પષ્ટપણે "ગુનો" ઘોષિત ન કરે ત્યાં સુધી કોઈપણ વ્યક્તિ સામે ફોજદારી કાર્યવાહી થઈ શકે નહીં.
આમ આ ચુકાદો માત્ર કાયદાકીય તકનીકી બાબતો પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે નાગરિકોના વ્યક્તિગત સ્વાતંત્ર્ય અને બંધારણીય અધિકારો સાથે સીધો સંબંધ ધરાવે છે. ભારતીય બંધારણના અનુચ્છેદ ૨૧ હેઠળ દરેક નાગરિકને જીવવાનો અને વ્યક્તિગત સ્વતંત્રતાનો અધિકાર પ્રાપ્ત થયેલો છે. જ્યારે પોલીસ માત્ર હાજરીના આધારે ગ્રાહક સામે કેસ દાખલ કરે છે અથવા તેને જાહેરમાં બદનામ કરે છે. ત્યારે તેનાથી વ્યક્તિની સામાજિક પ્રતિષ્ઠા અને માનસિક સ્થિતિ પર કાયમી દાગ લાગી જાય છે.




