ભગવાન શિવ સર્પોને આભૂષણના રૂપમાં કેમ ધારણ કરે છે?
સંસારમાં જે કંઈપણ અનાકર્ષક,ભયાનક,અસુંદર અને તિરસ્કૃત છે તેને દેવાધિદેવ મહાદેવે અત્યંત પ્રેમથી અપનાવ્યું છે.સમાજ કે સંસાર જે વસ્તુઓનો ત્યાગ કરે છે જેમકે કાલકૂટ વિષ,ધતૂરો,શ્મશાનની ભસ્મ અને ઝેરી સર્પો-તે તમામ શિવજીના અંગનું આભૂષણ બને છે.
‘શિવ’ શબ્દ બે અક્ષરોના સુમેળથી બન્યો છે: શિ+વ. ‘શિ’ નો અર્થ થાય છે કલ્યાણ કે મંગળ અને ‘વ’ નો અર્થ થાય છે દાતા એટલે કે જે સદા સૃષ્ટિનું મંગળ કરનાર અને સુખ-શાંતિના દાતા છે તે શિવ છે. શિવજીનું પ્રત્યેક રૂપ,તેમનું વાહન,તેમનાં આભૂષણો અને તેમનો પરિવેશ સંસારને એક ગહન દાર્શનિક અને કલ્યાણકારી સંદેશ આપે છે.
શિવમહાપુરાણ અનુસાર સમુદ્રમંથન અને વિષપાન..
શિવમહાપુરાણની રૂદ્રસંહિતા અને ઉમાસંહિતામાં સૃષ્ટિના રક્ષણ માટે ભગવાન શિવ દ્વારા કરાયેલા વિષપાનનું અત્યંત અલૌકિક આલેખન મળે છે.જ્યારે દેવો અને દાનવોએ અમૃત પ્રાપ્તિ માટે મંદરાચલ પર્વતને મંથાચલ બનાવી સમુદ્ર-મંથન શરૂ કર્યું ત્યારે સર્વપ્રથમ તેમાંથી કોઈ અમૃત નહીં પરંતુ અત્યંત દાહક અને ભયાનક ‘હળાહળ’ કાલકૂટ વિષ પ્રગટ થયું.આ વિષની તીવ્ર જ્વાળાઓથી ત્રણેય લોક બળવા લાગ્યા અને સમસ્ત ચરાચર સૃષ્ટિમાં ત્રાહિમામ પોકારી ગયો.બ્રહ્મા,વિષ્ણુ અને તમામ દેવતાઓ ભયભીત થઈને મહાદેવની શરણમાં ગયા.
ભગવાન શિવે વિચાર્યું કે આ વિષ જો પૃથ્વી પર રહેશે તો પ્રાણીઓ અશાંત થઈને ભસ્મ થઈ જશે. જો તેઓ વિષને ઉદરમાં-પેટમાં ઉતારશે તો તેમના પેટમાં રહેલું સમગ્ર બ્રહ્માંડ નાશ પામશે,આથી મહાદેવે ભગવાન શ્રીરામના નામનો આશ્રય લઈને તે મહાવિષને પોતાની હથેળીમાં મૂકી આચમન કરી લીધું. વિષને સૃષ્ટિ તથા પોતાના ઉદર બંનેથી બચાવવા માટે તેમણે કંઠ પ્રદેશમાં જ રોકી રાખ્યું.વિષના અતિશય પ્રભાવથી તેમનો કંઠ વાદળી થઈ ગયો અને ત્યારથી તેઓ ‘નીલકંઠ’ નામે પૂજાયા. શિવમહાપુરાણ અનુસાર વિષપાન કરતી વખતે વિષના કેટલાક બિંદુઓ પૃથ્વી પર ઢોળાયા હતા જેને સર્પો અને વીંછીઓ જેવા જીવોએ શોષી લીધા.સર્પોના આ ત્યાગ અને સંસારને વિષમુક્ત કરવાના ભાવથી ખુશ થઈને મહાદેવે સર્પોને પોતાના શરીર અને ગળા પર ધારણ કરી લીધા.
નાગરાજ વાસુકીની ભક્તિ અને શિવમહાપુરાણની કથા..
ભગવાન શિવના ગળામાં વીંટળાયેલા મુખ્ય નાગનું નામ ‘વાસુકી’ છે.શિવમહાપુરાણ અનુસાર વાસુકી નાગના પિતા મહર્ષિ કશ્યપ અને માતા કદ્રુ હતાં.વાસુકીના મોટા ભાઈ શેષનાગ ભગવાન વિષ્ણુના સેવક અને નાગશય્યા બન્યા છે જ્યારે વાસુકીજીએ ભગવાન શિવની અત્યંત કઠિન તપસ્યા કરી. સમુદ્રમંથન વખતે પણ નાગરાજ વાસુકીએ મંદરાચલ પર્વતની ચારેય તરફ વીંટળાઈને ‘દોરડું’ બનવાનું મહાન કાર્ય કર્યું હતું.મંથન દરમિયાન તેમને અત્યંત પીડા થઈ હતી.વાસુકીની આ નિઃસ્વાર્થ ભક્તિ, સહનશીલતા અને શિવપ્રેમથી પ્રસન્ન થઈને ભોળાનાથે તેમને પોતાના ગણોમાં શ્રેષ્ઠ સ્થાન આપ્યું અને પોતાના ગળાનો હાર-નાગેન્દ્ર હાર બનાવી અમર કરી દીધા.વાસુકીનું રાજ્ય કૈલાસ પર્વતની સમીપ જ નાગલોકમાં હતું અને તેઓ નાગલોકના ચક્રવર્તી રાજા માનવામાં આવે છે.
કાળ અને મૃત્યુનું પ્રતિક:શિવ બન્યા ‘મૃત્યુંજય’
ભગવાન વિષ્ણુ વૈજયંતી માળા અને રત્નજડિત આભૂષણો ધારણ કરે છે પરંતુ ભગવાન શંકર કાલકૂટ વિષથી ભરેલા સર્પનો હાર પહેરે છે.સર્પ એ કાળ અને મૃત્યુનું પ્રતીક છે.સંસારમાં દરેક વ્યક્તિ મૃત્યુથી ભયભીત થઈને દૂર ભાગે છે પરંતુ મહાદેવે તે જ મૃત્યુને પોતાના ગળાનું આભૂષણ બનાવ્યું છે. શરીરમાં પ્રાણવાયુનું મુખ્ય કેન્દ્ર ગળું-શ્વાસનળી છે,તે ગળા પર જ કાળરૂપી નાગને બેસાડીને ભગવાન
શંકર ભયભીત થવાને બદલે સદા આનંદિત રહે છે.
શિવજી દર્શાવે છે કે મૃત્યુથી ભાગી છૂટનારને મૃત્યુ વધુ વહેલું પકડે છે પરંતુ જેને મૃત્યુનો ભય નથી અને જે મૃત્યુને હરખભેર સ્વીકારે છે તેના માટે મૃત્યુ ભય ન રહેતાં એક આભૂષણ બની જાય છે.મૃત્યુ પર વિજય મેળવ્યો હોવાથી જ મહાદેવને ‘મૃત્યુંજય’ કે ‘મહાકાલ’ કહેવામાં આવે છે.
આધ્યાત્મિક અને યોગિક રહસ્ય:કુંડલિની શક્તિ..
યોગશાસ્ત્ર અને શિવમહાપુરાણના આધ્યાત્મિક રહસ્ય અનુસાર શિવના ગળામાં સર્પ ધારણ કરવો એ જાગ્રત કુંડલિની શક્તિનું પ્રતીક છે.માનવ શરીરમાં સ્થિત સાત ચક્રોમાંનું ગળાનું ચક્ર ‘વિશુદ્ધ ચક્ર’ કહેવાય છે.કુંડલિની શક્તિ જ્યારે ઊર્ધ્વગમન કરીને વિશુદ્ધ ચક્ર સુધી પહોંચે છે ત્યારે મનુષ્ય જ્ઞાન અને પરમ શાંતિની અવસ્થા પ્રાપ્ત કરે છે.
વિકારો પર વિજય: સર્પમાં જે વિષ હોય છે તે માનવ મનના કામ,ક્રોધ,લોભ,મોહ અને અહંકાર જેવા વિકારોનું પ્રતીક છે.શિવજી સર્પને ગળામાં બાંધીને એ સંદેશ આપે છે કે તમારા અહંકાર અને વાસના રૂપી વિષને નિયંત્રિત કરો.જો વિકારો વશમાં હોય તો તે નુકસાન પહોંચાડવાને બદલે તમારી શોભા બની જાય છે.
પર્યાવરણીય સંતુલન અને ‘પશુપતિનાથ’ સ્વરૂપ..
ભગવાન શિવની જેમ તેમનાં આભૂષણ સમાન નાગ પણ સંસાર માટે પરમ કલ્યાણકારી છે.સાપ અને નાગ દેવકોટીના પ્રાણી છે.પરમાત્માએ તેમની રચના પૃથ્વીના સંતુલન માટે કરી છે.સાપ વાયુનો આહાર કરે છે અને વાતાવરણમાં ફેલાયેલા વિષાદુ ગેસ અને ઝેરી તત્વોનું પાન કરીને પર્યાવરણને શુદ્ધ રાખે છે.
ખેડૂતોના મિત્ર..અમારા ખેતરોમાં કૃષિને નુકસાન પહોંચાડતા જીવ-જંતુઓ અને ઉંદરોનો નાશ કરીને સાપ અને નાગ પાકની રક્ષા કરે છે.
પશુપતિનાથ: શિવમહાપુરાણમાં શિવજીને ‘પશુપતિ’ કહ્યા છે,તેનો અર્થ એ છે કે સૃષ્ટિના તમામ પશુઓ,પંખીઓ અને હિંસક જીવોના તેઓ રક્ષક છે.શિવજી શીખવે છે કે પ્રકૃતિના કોઈપણ જીવ પ્રત્યે ઘૃણા ન કરવી જોઈએ.
જીવન જીવવાની કળા અને મનોવૈજ્ઞાનિક પ્રેરણા..
ભગવાન શિવના ગળામાં વીંટળાયેલો નાગ આપણને જીવનમાં વિપરીત પરિસ્થિતિઓમાં પણ શાંતિ જાળવવાની પ્રેરણા આપે છે.
સહનશીલતા એ જ શિવત્વ: ગળામાં ઝેરી સર્પ હોવો એટલે કે ક્ષણે ક્ષણે મુશ્કેલીઓ વચ્ચે જીવવું. જીવન છે તો કઠિનાઈઓ અને મુશ્કેલીઓ આવવાની જ છે.જે વ્યક્તિ હસીને મુશ્કેલીઓ સહન કરી લે છે તે ‘શિવ’ બની જાય છે અને જે સહન કરી શકતો નથી તે ‘શબ’ મૃતદેહ સમાન બની જાય છે. આંતરિક શાંતિ: મુશ્કેલીઓથી મોઢું ફેરવી લેવું એ ઉકેલ નથી પણ હિંમતથી તેનો સામનો કરવો એ
જ સાચો માર્ગ છે.જો વિપરીત સમયમાં તમે ચહેરા પર હાસ્ય અને મનમાં હિંમત રાખશો તો તમારી આંતરિક શાંતિને કોઈ ભંગ કરી શકશે નહીં.ગળામાં વિષધર હોવા છતાં પણ મહાદેવ અખંડ આનંદમાં રહે છે.
વિશ્વના કલ્યાણ માટે હળાહળ વિષ પી લેવું,સંસારના કોલાહલથી દૂર રહીને ડમરૂ,મૃદંગ,ઘંટ અને શંખના નાદમાં લીન રહેવું અને આત્મસ્થ બની બ્રહ્મમાં રત રહેવું એ જ શિવની પરમ સમાધિ છે.ગળામાં રહેલો વાસુકી નાગ ચિર-સમાધિ અને જાગ્રત ચેતનાનું પ્રતીક છે.કાલકૂટ વિષ,નાગની જનોઈ અને ગળામાં સર્પમાળા ધારણ કરીને ભગવાન શિવે પોતાની મહાકાલ અને મૃત્યુંજયતા પ્રગટ કરી છે.મહાદેવનું આ સ્વરૂપ આપણને શીખવે છે કે સંસારના ઝેરને હસીને પી જાઓ અને અન્યોને માત્ર પ્રેમ અને મંગળ પ્રદાન કરો.
આલેખન:
વિનોદભાઇ માછી નિરંકારી
નવીવાડી તા.શહેરા જી.પંચમહાલ
૯૭૨૬૧૬૬૦૭૫(મો)




