(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા દ્વારા) સુરત
ગુજરાતના ડીજીપી અને સુપ્રીમ કોર્ટના આદેશ લાગુ જ ન પડતા હોય એ રીતે આરોપીને જાહેરમાં લઈ જઈને ઢોર માર મારતા ફરી એકવાર સવાલો ઉઠવા પામ્યા છે. અત્રે યાદ આપવાનું કે ૧૩ મે, ૨૦૨૬ના રોજ ગુજરાતના પૂર્વ ઈન્ચાર્જ DGP ડો. કે. એલ. એન. રાવે લેખિત આદેશ જાહેર કરી કોઈપણ આરોપીનું જાહેરમાં સરઘસ કાઢવા અને આરોપીઓ સાથે અપમાનજનક વર્તન કરનાર પોલીસકર્મીઓ સામે કાર્યવાહી થઈ શકે તેવો આદેશ જાહેર કર્યો હતો.
આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે પણ આ અંગેના કડક આદેશો જાહેર કર્યા છે તેમ છતાં આદેશોનો પોલીસતંત્ર દ્વારા વારંવાર ઉલાળીયો કરવાના બનાવો બની રહ્યા છે. અને એવો જ તાજો બનાવ હવે સુરત પછી ભાવનગર ખાતે બનવા પામતાં પોલીસ તંત્ર સામે સવાલો ઉભા થઇ રહ્યા છે કે શું પોલીસ હવે ડીજીપી અને સુપ્રીમકોર્ટની ઉપરવટ થઇ ને કોઇપણ ગુન્હેગાર ને ગંભીર ઇજા કરવા સુધીની હદ્દે જઇ શકે છે?.
એવા આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ભાવનગરના કુંભારવાડામાં રહેતા ૭૦ વર્ષીય ભાગુબેન બારૈયાની ૪૦ વર્ષીય દીકરી કાજલબેન છેલ્લા આઠ વર્ષથી એસ.ટી. બસ સ્ટેન્ડની ફુટપાથ પર રહેતા ૨૦ વર્ષીય ફૈઝલ ઉર્ફે ખાટકી રફિકભાઇ લાખાણી સાથે લિવ-ઇન રિલેશનશિપમાં રહેતી હતી. ગઈ ૩ સપ્ટે ૨૦૨૬ના બપોરે કાજલબેન પોતાના ઓળખીતા રવિ ઉર્ફે બાડો ગોહેલ સાથે બસ સ્ટેન્ડ પાસે વાતો કરી રહ્યા હતા, ત્યારે જેલમાંથી બહાર આવેલા ફૈઝલે ત્યાં પહોંચીને સંબંધ બાબતે ઝઘડો શરૂ કર્યો હતો.
ઉશ્કેરાયેલા ફૈઝલે રવિ અને કાજલને લાતો મારી ટાઇલ્સ પર પટક્યા હતા તથા કાજલબેનના વાળ પકડીને માથા, ગળા અને મોઢાના ભાગે વારંવાર ટાઇલ્સ પર પટકીને માર મારતા કાજલ બેભાન થઇ જતાં આરોપી ફૈઝલે ૧૦૮ મારફતે હોસ્પિટલ પહોંચાડી હતી જ્યાં ડોક્ટરે કાજલને મૃત જાહેર કરી હતી. આ પછી તાત્કાલિક ધોરણે પોલીસે આરોપીની ધરપકડ કર્યા બાદ પણ જાહેરમાં ફટકારતા પોલીસ તંત્ર સામે સવાલો ઉભા થતા પી.આઇ.ઉનટકરે કહ્યું કે જાહેરમાં બિન્દાસ સર્વિસ કરીએ તો જ અન્ય મહિલાઓ સુરક્ષિત રહે.




