પૃથ્વી પર મહાસંકટ ગ્રીનલેન્ડ-એન્ટાર્કટિકામાંથી ૧૨ લાખ કરોડ ટન બરફ ગાયબ આનાથી વૈશ્વિક સમુદ્ર સપાટીમાં ૩.૧ સેન્ટિમીટરનો વધારો થયો છે : મુખ્યત્વે ગરમ દરિયાઈ પાણીના કારણે ૮૪% બરફ પીગળ્યો વિજ્ઞાનીઓ દ્વારા કરવામાં આવેલા એક નવા અભ્યાસમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. વર્ષ ૧૯૭૯ થી ૨૦૨૩ દરમિયાન ગ્રીનલેન્ડ અને અન્ટાર્કટિકાની બરફની ચાદરોએ મળીને આશરે ૧૨.૫ ટ્રિલિયન ટન એટલે કે ૧૨ લાખ કરોડ ટનથી વધુ બરફ ગુમાવ્યો છે. સાઇન્ટિફિક ડેટા જર્નલમાં પ્રકાશિત આ સ્ટડી મુજબ, આટલી મોટી માત્રામાં બરફ પીગળવાથી વૈશ્વિક સમુદ્ર સપાટીમાં ૩.૧ સેન્ટિમીટરની વૃદ્ધિ થઈ છે. આ ડેટા ૨૭ સેટેલાઇટ મિશનના આધારે તૈયાર કરવામાં આવ્યો છે, જે અગાઉના સમય કરતાં વધુ સચોટ માહિતી પૂરી પાડે છે.
આ સંશોધનમાં સૌથી મોટી અને ચોંકાવનારી બાબત એ સામે આવી છે કે ૮૪ ટકા બરફનું નુકસાન સપાટી પરની ગરમ હવાના કારણે નહીં, પરંતુ નીચે અને કિનારાના ભાગોમાં ગરમ દરિયાઈ પાણીના કપાવાને કારણે થયું છે. ગ્લેશિયર અત્યંત ઝડપથી વહીને સમુદ્રમાં મળી રહ્યા છે, જેને ડાયનેમિક ઇમ્બેલેન્સ કહેવામાં આવે છે.
માત્ર ૧૬ ટકા નુકસાન જ સપાટીના પીગળવાથી થયું છે. ગ્રીનલેન્ડનું કદ નાનું હોવા છતાં તેમાંથી સૌથી વધુ અર્થાત્ ૬૦ ટકા બરફ ઓગળ્યો છે. જ્યારે અન્ટાર્કટિકામાંથી ૪૦ ટકા નુકસાન નોંધાયું છે.
વિજ્ઞાનીઓની ચેતવણી અનુસાર, સમુદ્ર સપાટીમાં થતો આ વધારો તટીય વિસ્તારો માટે અત્યંત જાેખમી સાબિત થઈ રહ્યો છે. સમુદ્ર સપાટીમાં દરેક ૧ સેન્ટિમીટરનો વધારો લાખો લોકોને વાર્ષિક ધોરણે પૂરના જાેખમમાં ધકેલે છે. ગ્લોબલ વોર્મિંગની અસરોને કારણે આગામી સમયમાં પણ આ સ્થિતિ ચાલુ રહેવાની સંભાવના છે. તટીય શહેરો અને નીચાણવાળા વિસ્તારોનું રક્ષણ કરવા માટે વૈશ્વિક સ્તરે નક્કર પગલાં લેવા એ સમયની સૌથી મોટી અને મહત્ત્વપૂર્ણ જરૂરિયાત બની ગઈ છે.




