હવે અમેરિકામાં ૧૧ વર્ષની જેલ ભારતીય મૂળના મહાઠગે ૬૪ અમીરોને અબજાેનો ચૂનો લગાડ્યો ૩૮ વર્ષીય જવાહરે ૬૪ લોકોને ૩૫ મિલિયન ડોલરનો ચૂનો લગાવ્યો હતો, જેમાં પોપ સ્ટાર ટેલર સ્વિફ્ટના પતિ ટ્રેવિસ કેલ્સ પણ ભોગ બન્યા
અમેરિકામાં ભારતીય મૂળના એક ફાઇનાન્શિયલ એડવાઇઝરેપોન્ઝી સ્કીમ ચલાવીને મોટું કૌભાંડ આચર્યું છે. કોર્ટે આ મામલે સિદ્ધાર્થ જવાહર નામના ૩૮ વર્ષીય બિઝનેસમેનને ૧૧ વર્ષની જેલની સજા ફટકારી છે. તેણે લગભગ ૩૫ મિલિયન અમેરિકી ડૉલર એટલે કે આશરે ૩૩૬ કરોડ રૂપિયાની ઠગાઈ કરી હતી. આ કૌભાંડમાં કુલ ૬૪ લોકોને શિકાર બનાવાયા છે. જેમાં પ્રખ્યાત અમેરિકી પૉપ સ્ટાર ટેલર સ્વિફ્ટના પતિ ટ્રેવિસ કેલ્સ પણ સામેલ છે. મિસૌરી ઇસ્ટર્ન ડિસ્ટ્રિક્ટના યુએસ અટૉર્ની ઓફિસના જણાવ્યા અનુસાર, તેને કેલ્સે સહિત અન્ય રોકાણકારોને કુલ ૩.૧૩ કરોડ ડૉલર પરત કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે.
સિદ્ધાર્થ જવાહર ટેક્સાસની કંપની ‘સ્વિફ્ટઆર્ક કેપિટલ‘ના સહ-સંસ્થાપક અને મેનેજિંગ પાર્ટનર હતા. કોર્ટના દસ્તાવેજાે મુજબ, આ કૌભાંડ ૨૦૧૬ થી ચાલી રહ્યું હતું. જવાહરે રોકાણકારો પાસેથી મળેલી રકમ પાકિસ્તાનની તંબાકુ કંપની ‘ફિલિપ મૉરિસ પાકિસ્તાન‘ (PMP) માં રોકી હતી. જ્યારે આ કંપનીના શેરમાં ઘટાડો થયો, ત્યારે તેણે રોકાણકારોને સત્ય છુપાવીને નફો થતો હોવાનું જૂઠું કહ્યું. ખરેખર તો તેણે ૨૦૧૬ થી ૨૦૨૩ વચ્ચે ૩.૫ કરોડ ડૉલરમાંથી માત્ર ૧ કરોડ ડૉલર જ રોક્યા હતા, જ્યારે બાકીના નાણાંનો ઉપયોગ પ્રાઇવેટ જેટ, મોંઘી હોટલ, ટેક્સાસ અને ન્યૂયોર્કના લક્ઝરી અપાર્ટમેન્ટ, મોંઘા કપડાં અને પ્રાઇવેટ ક્લબની સભ્યપદ પાછળ ઉડાવ્યા હતા.
જવાહરે જાન્યુઆરીમાં વાયર ફ્રોડના ત્રણ મામલાઓમાં પોતાનો ગુનો કબૂલ કર્યો હતો. તપાસમાં એ પણ સામે આવ્યું કે સિદ્ધાર્થ જવાહર મૂળ ભારતનો વતની છે અને ૨૦૦૫ થી અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતો હતો. જજ જેકરી એમ. બ્લૂસ્ટોને જણાવ્યું કે આ કૌભાંડ લાંબા સમય સુધી ચાલ્યું અને તેમાં ખૂબ જ મોટી રકમનું નુકસાન થયું છે, જેણે તેની સજા નક્કી કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. આ ઘટનાથી અમેરિકી બિઝનેસ જગતમાં ભારે હલચલ મચી ગઈ છે.




