શું કરવું-શું ન કરવું અને તેનાથી જોડાયેલા તમામ ભ્રમોનું સમાધાન..!
વર્ષનો એ વિશેષ સમય ચાલી રહ્યો છે જેને આપણે પિતૃ પક્ષ કે શ્રાદ્ધ પક્ષ કહીએ છીએ.આ સમય એવા પૂર્વજોને યાદ કરવાનો અને તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો છે જે હવે આપણી વચ્ચે નથી.દર વર્ષે આ દિવસોમાં એ વાતને લઈને ઘણું દ્વંદ્વ અને મૂંઝવણ રહે છે કે આ પંદર દિવસોમાં આપણે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ..? ચાલો..આજે શાસ્ત્રોના આધારે તમારા કેટલાક મુખ્ય સવાલોના સચોટ જવાબો જાણીએ..
પિતૃ પક્ષનું અસલી મહત્વ શું છે? આ આપણા પૂર્વજો-પિતૃઓ પ્રત્યે આદર અને આભાર વ્યક્ત કરવાનો પવિત્ર સમય છે.આ માત્ર
કોઈ બાહ્ય કર્મકાંડ નથી પરંતુ તે આત્માઓ પ્રત્યેની આપણી સાચી શ્રદ્ધા છે, જેમણે આપણું જીવન સંવારવામાં અને આપણને આ દુનિયામાં લાવવામાં પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યું છે. શું શાસ્ત્રોમાં શ્રાદ્ધ કર્મનો કોઈ પુરાવો છે? હા.. શ્રીમદ ભાગવત્ પુરાણ (૭.૧૪.૧૯) માં સ્પષ્ટ ઉલ્લેખ છે કે ભાદરવા મહિનાની એકમથી અમાવસ્યા સુધી પૂર્વજોના નિમિત્ત તર્પણ અને શ્રાદ્ધ કરવું જોઈએ.આ એક અત્યંત પ્રાચીન-સનાતન અને પ્રમાણભૂત વૈદિક પરંપરા છે.
સૌથી મોટો ભ્રમ: શું પિતરોને માંસ,મદીરા કે સિગારેટ અર્પણ કરવી જોઈએ?
બિલકુલ નહીં ! ઘણા લોકોને એવું લાગે છે કે જો તેમના પૂર્વજો જીવિત હતા ત્યારે માંસાહારી હતા કે નશો કરતા હતા તો તેમને શ્રાદ્ધમાં પણ તે જ વસ્તુઓ અર્પણ કરવી જોઈએ..? પરંતુ આ એક ગંભીર ભૂલ અને શાસ્ત્રવિરૂદ્ધ આચરણ છે ! શાસ્ત્રોના નિયમ અનુસાર પિતરોને અર્પણ કરતા પહેલા ભોજન સૌપ્રથમ ભગવાન શ્રી વિષ્ણુને અર્પણ કરવામાં આવે છે અને ત્યારબાદ તે વિષ્ણુ પ્રસાદ પિતરો સુધી પહોંચે છે.ભગવાનને ક્યારેય તામસિક કે નશીલી વસ્તુઓ ભોગ ધરી શકાતી નથી. મત્સ્ય પુરાણ (૧૭.૩૦, ૧૭.૩૬) માં સ્પષ્ટ જણાવ્યું છે કે..ઘી,ગાયનું દૂધ,મધ,સાકર,દહીં અને સૂકા મેવાઓથી બનેલું શુદ્ધ સાત્વિક ભોજન જ પિતરોને સૌથી વધુ સંતુષ્ટ કરે છે.
આ દિવસોમાં વિવાહ-ગૃહ પ્રવેશ કે શુભ કાર્યો કેમ થતા નથી?
પિતૃપક્ષનો આખો સમયગાળો આપણા પૂર્વજોના સ્મરણ અને તેમની આત્માની શાંતિ માટે સમર્પિત હોય છે.આ ઉત્સવ મનાવવાનો નહીં પરંતુ શાંતિ-સંયમ અને કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો સમય છે એટલા માટે આ દરમિયાન વિવાહ,મુંડન,નવા ઘરમાં પ્રવેશ-ગૃહ પ્રવેશ કે નવા વ્યાપારની શરૂઆત જેવા માંગલિક કાર્યો વર્જિત માનવામાં આવે છે.
આ દરમિયાન શું અવશ્ય કરવું જોઈએ?
માંગલિક કાર્યોની ભલે મનાઈ હોય પરંતુ દૈનિક નિત્યકર્મોની કોઈ મનાઈ નથી.આ પવિત્ર દિવસોમાં તમે દાન,ભગવાનની નિયમિત પૂજા,સંધ્યા વંદન,જપ,ધાર્મિક ગ્રંથોનું અધ્યયન,એકાદશીનું વ્રત અને અગ્નિહોત્ર-યજ્ઞ કોઈપણ સંકોચ વગર કરી શકો છો.
પુત્રના ત્રણ પરમ કર્તવ્યો..
શાસ્ત્રોમાં પુત્રના ત્રણ મુખ્ય કર્તવ્યો વિશે સુંદર શ્લોક આપવામાં આવ્યો છે..
जीवितो वाक्य करणात्, क्षयाहे भूरि भोजनात् ।
गयायां पिण्ड दानाच्च त्रिभिर्पुत्रश्च पुत्रता ॥
આ શ્લોકનો અર્થ અને તેના ત્રણેય પાસાઓ જોઇએ તો.. જ્યાં સુધી માતા-પિતા જીવિત હોય ત્યાં સુધી પુત્રનું પ્રથમ અને સર્વોચ્ચ કર્તવ્ય છે કે તે હંમેશાં તેમની આજ્ઞાનું પાલન કરે,તેમની સેવા કરે અને આજ્ઞાપાલક સંતાન બનીને રહે.જો જીવતાજીવ માતા-પિતાને ખૂબ દુઃખ આપવામાં આવ્યું હોય,તેમની અવગણના કરવામાં આવી હોય અને તેમના મૃત્યુ પછી દિલ ખોલીને પૈસા ખર્ચવામાં આવે,મોંઘા કાર્યો કે પિંડદાન કરવામાં આવે તો તે બધું જ નિષ્ફળ જાય છે, એવું દેખાડો માત્ર કરવાથી કોઈ પુણ્ય પ્રાપ્ત થતું
નથી.
મરણોત્તર શ્રાદ્ધ અને ભોજન: માતા-પિતાના દેહાંત પછી તેમની પુણ્યતિથિ-ક્ષયાહ પર શ્રદ્ધાપૂર્વક પોતાના સગા-સંબંધીઓ અને જરૂરિયાતમંદોને ભોજન કરાવવું જોઈએ. ગયાજીમાં પિંડદાન: અનુકૂળ સમય અને અવસર પામીને પવિત્ર તીર્થક્ષેત્ર ગયાજી જઈને પિતૃઓની સદગતિના ઉદ્દેશ્યથી પિંડદાન કરવું જેથી તેમના આત્માને પરમતૃપ્તિ અને મુક્તિ મળે.આ ઉપરાંત સમગ્ર શ્રાદ્ધ પક્ષ દરમિયાન પંચબલિ કર્મ તેમજ ગીતા અને ગરૂડ પુરાણનો પાઠ કરવો જોઈએ. આ ત્રણેય કર્તવ્યોનું પાલન કરવાથી જ સાચા અર્થમાં પુત્ર હોવાનું સાર્થક થાય છે અન્યથા પુત્ર હોવું વ્યર્થ છે. જે કાર્ય યોગ્ય છે અને જે કરી શકાતું હોય,તેને સમયસર ન કરવું એ મોટી ભૂલ છે.સંતાનનો જન્મ માત્ર પિત્રોને પિંડ-પાણી આપવા માટે જ નથી પરંતુ તેમની જીવતાજીવ સંપત્તિ સાચવવાની સાથે તેમની સેવા કરવી તે પણ એટલું જ અનિવાર્ય છે.
શ્રાદ્ધ પરંપરા અને આધુનિક સમાજ: એક ગંભીર ચિંતન..
ભારતમાં શ્રાદ્ધ જેવી અનોખી અને પવિત્ર પરંપરા જે આપણા પૂર્વજો પ્રત્યેની શ્રદ્ધા અને અતૂટ કૃતજ્ઞતાનું પ્રતીક છે તે આપણને આપણા વડીલોના મહત્વ અને તેમની સંભાળ રાખવાની સાચી જવાબદારી શીખવે છે.આ પરંપરા પરિવાર અને સમાજમાં પેઢીઓ વચ્ચેના પવિત્ર બંધનને દર્શાવે છે પરંતુ વિડંબના એ છે કે જે દેશમાં શ્રાદ્ધના માધ્યમથી મૃત પૂર્વજોનો આદર કરવામાં આવે છે તે જ દેશમાં આજે વૃદ્ધાશ્રમોની વધતી જતી સંખ્યા અત્યંત શરમજનક અને ચિંતાજનક વિષય બની ગઈ છે.શ્રાદ્ધની અસલી આધ્યાત્મિક ભાવનાને ભુલાવી દેવાના કારણે લોકો આજે જીવિત વડીલો અને માતા-પિતા પ્રત્યેના પોતાના પાયાના કર્તવ્યોથી વિમુખ થઈ રહ્યા છે જેના પરિણામે વૃદ્ધાશ્રમોની આવશ્યકતા સમાજમાં સતત વધી રહી છે. આધુનિકતાની દોડ,સંયુક્ત પરિવાર પ્રથાનું વિઘટન અને નૈતિક મૂલ્યોના હ્રાસે આ પરિસ્થિતિને વધુ ગંભીર બનાવી દીધી છે.જો આપણે શ્રાદ્ધની સાચી ભાવનાને સમજીને મૃત પૂર્વજોની સાથે-સાથે આપણા જીવિત વડીલો અને માતા-પિતા પ્રત્યે પણ આપણા કર્તવ્યો પૂરીનિષ્ઠાથી નિભાવીએ તો વૃદ્ધાશ્રમો જેવી સંસ્થાઓની જરૂરિયાત ઓછી થઈ શકે છે.આપણે સૌએ મળીને એક એવા સ્વસ્થ અને સંસ્કારી સમાજનું નિર્માણ કરવું જોઈએ જ્યાં દરેક વડીલને ઘરમાં જ યોગ્ય સન્માન-સ્નેહ અને સુરક્ષા મળી રહે. ભાગવત મહાપુરાણ: પિતૃપક્ષ અને તર્પણના સમય વિશે સ્કંધ ૭, અધ્યાય ૧૪માં ઉલ્લેખ મળે છે. મત્સ્ય પુરાણ:અધ્યાય-૧૭માં પિતૃઓને પ્રિય એવા દૂધ,ઘી,મધ અને સાત્વિક ભોજનનું વિગતવાર વર્ણન છે.
ગયા શ્રાદ્ધ અને પિંડદાન:ગરૂડ પુરાણ તથા વાયુ પુરાણમાં પિતૃઓની મુક્તિ માટે ગયા તીર્થના મહત્વને સર્વોપરી ગણાવવામાં આવ્યું છે.
આલેખનઃ
વિનોદભાઇ માછી નિરંકારી
નવીવાડી તા.શહેરા જી.પંચમહાલ
૯૭૨૬૧૬૬૦૭૫(મો)




