અમદાવાદ દેશમાં પ્રથમ શેરબજારમાં ગુજરાતનો ડંકો: એક્ટિવ રોકાણકારોમાં મહારાષ્ટ્ર પાછળ મહારાષ્ટ્ર ૨૩ લાખ સાથે બીજા સ્થાને; અમદાવાદ ૬.૨ લાખ રોકાણકારો સાથે મુંબઈ સબર્બનથી આગળ, સુરત ત્રીજા સ્થાને શેરબજારમાં એક્ટિવ રોકાણકારોની સંખ્યા મામલે ગુજરાતે મહારાષ્ટ્રને પાછળ છોડીને નવો રેકોર્ડ નોંધાવ્યો છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ના નવેમ્બર ૨૦૨૬ના માર્કેટ પલ્સ રિપોર્ટ અનુસાર, ઓક્ટોબરમાં ગુજરાતમાં ૨૮.૧ લાખ એક્ટિવ રોકાણકારો નોંધાયા છે, જે દેશના કુલ એક્ટિવ રોકાણકારોનો ૧૯ ટકા હિસ્સો છે. તેની સામે મહારાષ્ટ્ર ૨૩ લાખ રોકાણકારો (૧૫.૪ ટકા હિસ્સો) સાથે બીજા ક્રમે રહ્યું છે.
NSE ના આંકડા મુજબ, ઓગસ્ટ ૨૦૨૬માં ગુજરાતમાં ૧૯.૧ લાખ એક્ટિવ રોકાણકારો હતા, જે ઓક્ટોબરમાં વધીને ૨૮.૧ લાખ થતાં ૪૫.૩ ટકાનો નોંધપાત્ર વધારો થયો છે. તેની સરખામણીમાં મહારાષ્ટ્રમાં ઓગસ્ટના ૨૦.૭ લાખથી વધીને ઓક્ટોબરમાં ૨૩ લાખ થતાં ૧૦.૪ ટકાનો વધારો નોંધાયો છે. રાજ્યોની યાદીમાં ઉત્તર પ્રદેશ ૧૨.૭ લાખ રોકાણકારો (૧૦.૧ ટકા હિસ્સો) સાથે ત્રીજા સ્થાને છે, જ્યારે રાજસ્થાનમાં ૨૭.૯ ટકા અને હરિયાણામાં ૨૦.૮ ટકાનો વધારો થયો છે. દેશભરમાં ઓક્ટોબર ૨૦૨૬માં એક્ટિવ રોકાણકારોની સંખ્યા વધીને ૧.૪૪ કરોડના ૨૪ મહિનાના સર્વોચ્ચ સ્તરે પહોંચી છે, જેમાં સપ્ટેમ્બરની સરખામણીમાં ૧૬ ટકાનો વધારો થયો છે અને ટોચના ૧૦ રાજ્યોમાં પ્રથમ વખત સંખ્યા ૧ કરોડને વટાવી ગઈ છે. જિલ્લા સ્તરે અમદાવાદે મુંબઈ સબર્બનને પાછળ છોડીને પ્રથમ સ્થાન મેળવ્યું છે. ઓક્ટોબરમાં અમદાવાદમાં ૬.૨ લાખ એક્ટિવ રોકાણકારો નોંધાયા છે, જ્યારે મુંબઈ સબર્બન ૫.૨ લાખ સાથે બીજા અને સુરત ૪.૫ લાખ રોકાણકારો સાથે ત્રીજા ક્રમે છે. ગુજરાતના શહેરોમાં ભાવનગરમાં ૮૭.૩ ટકા, સુરતમાં ૩૯.૮ ટકા અને અમદાવાદમાં ૩૬.૧ ટકાનો વધારો નોંધાયો છે. પ્રથમ વખત ભાવનગર દેશના ટોચના ૧૦ જિલ્લાઓમાં સ્થાન મેળવવામાં સફળ રહ્યું છે અને તેણે ચેન્નાઈને યાદીમાંથી બહાર કર્યું છે.
રોકાણકારોની સંખ્યામાં વધારો થવા છતાં ઓક્ટોબરમાં ટોચના ૧૦ રાજ્યોમાં કેશ માર્કેટનું ટર્નઓવર ઘટીને રૂ. ૧૦.૬ લાખ કરોડ થયું છે, જે નવેમ્બર ૨૦૨૫ પછીનું સૌથી નીચું સ્તર છે. મહારાષ્ટ્રમાં કેશ માર્કેટ ટર્નઓવર ૯.૯ ટકા ઘટીને આશરે રૂ. ૨.૬ લાખ કરોડ અને ગુજરાતમાં ૯.૪ ટકા ઘટીને રૂ. ૧.૫ લાખ કરોડ પર પહોંચ્યું છે, જે દર્શાવે છે કે નવા રોકાણકારો વધવા છતાં ખરીદ-વેચાણના ટર્નઓવરમાં તે પ્રમાણમાં વૃદ્ધિ થઈ નથી.




