આમ આદમી પાર્ટીના મુખ્ય પ્રવક્તા અને પ્રદેશ સંગઠન મંત્રી ડૉ. કરન બારોટે જણાવ્યું હતું કે, ગુજરાત અને દેશમાં ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસ ક્યારેય એવું નથી ઇચ્છતા કે કોઈ ત્રીજી પાર્ટી કે સ્થાનિક પ્રાદેશિક પક્ષ મજબૂત થઈને લોકોનું નેતૃત્વ કરે. જે પણ પાર્ટી મજબૂત થાય, તેની સાથે આ બંનેમાંથી એક પક્ષ ગઠબંધન કરીને તેને સંપૂર્ણપણે ખતમ કરી નાખે છે અને આ કારસો સમગ્ર દેશમાં ચાલી રહ્યો છે. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી મજબૂતાઈથી આવી રહી હોવાથી, તેના ઉમેદવારો ફોર્મ જ ન ભરી શકે તેવા પૂરા પ્રયાસો બંને પક્ષોએ કર્યા. ત્યારબાદ ફોર્મ પાછા ખેંચાવવા માટે ભાજપ અને કોંગ્રેસના લોકોએ ટીંગાટોળી કરીને ‘આપ’ના ઉમેદવારોને લઈ જઈ ફોર્મ પાછા ખેંચાવ્યા અને મીડિયામાં ‘આપ’ના ઉમેદવારો તૂટી રહ્યા છે, પાર્ટી નબળી પડી રહી છે તથા ઉમેદવારોને સાચવી શકતી નથી તેવી અફવાઓ ફેલાવી. આ ઉપરાંત, જ્યાં પણ ‘આપ’ના નેતાઓ કે કાર્યકર્તાઓએ સંવાદ કે પ્રોગ્રામ માટે હોલ બુક કર્યા હોય તે કેન્સલ કરાવાયા, લાઈટો બંધ કરી દેવાઈ અને IBના અધિકારીઓ દ્વારા માલિકોને ધમકાવવામાં આવ્યા. પરંતુ ત્રીજી પાર્ટીને આટલી ડરાવી-ધમકાવીને ઝુકાવવાના પ્રયાસો થઈ રહ્યા છે તે સમાચાર ક્યાંય ચલાવવામાં ન આવ્યા. બીજી તરફ, કોઈ એકાદ જૂના ઉમેદવાર કે કાર્યકર્તાને પકડીને ભાજપ કે કોંગ્રેસને ટેકો જાહેર કરાવાય, તો તે સમાચાર ગુજરાતના ગોદી મીડિયા અને છાપાઓમાં ચમકાવીને લડાઈ માત્ર બે પક્ષો વચ્ચે જ છે તેવું દર્શાવવામાં આવે છે.
ડૉ. કરન બારોટે વધુમાં જણાવ્યુ હતુ કે રાત્રે લગાવેલા ‘આપ’ના પોસ્ટરો અને બેનરો સવારે ગાયબ થઈ જાય છે, ઝંડા ઉતારી લેવાય છે અને પ્રચાર કરતા કાર્યકર્તાઓને મારવાની ધમકીઓ આપવામાં આવે છે. આમ આદમી પાર્ટીથી આ લોકોને ડર એટલા માટે છે કારણ કે આ પાર્ટી કોઈ પણ રીતે મેનેજ થતી નથી; આ સામાન્ય લોકોની પાર્ટી છે જ્યાં સામાન્ય પરિવારના લોકો નેતા બને છે. ગોપાલભાઈ ઈટાલિયા, ચૈતરભાઈ વસાવા કે ઈસુદાન ગઢવી કોઈ મોટા રાજકીય પૃષ્ઠભૂમિમાંથી નહોતા આવ્યા, છતાં તેમણે નેતૃત્વ કરીને લોકો માટે સારા કામ કર્યા. આથી જ આ પક્ષો સામાન્ય પરિવારના લોકોને આગળ આવતા રોકવાનો પ્રયાસ કરી રહ્યા છે. ગાંધીનગર અને ગુજરાતની જનતાને અપીલ છે કે આ સત્ય સમજવું જરૂરી છે. છેલ્લાં પાંચ વર્ષ સુધી જે ‘આપ’ વિપક્ષમાં સક્રિય રહી અને જે જગ્યાએથી તેના કોર્પોરેટર જીત્યા હતા ત્યાં આખી પેનલ મજબૂતાઈથી લડી રહી હોવા છતાં, આજના છાપાઓમાં ફક્ત ભાજપ અને કોંગ્રેસની પેનલના ઉમેદવારોની જ યાદી દર્શાવાઈ છે અને ‘આપ’ના ઉમેદવારોના નામ ગાયબ કરાયા છે. આ રીતે મીડિયા, ભાજપ અને કોંગ્રેસ ભેગા મળીને દ્વિપક્ષીય લડાઈનો માહોલ બનાવી રહ્યા છે. આમ છતાં, ગુજરાત અને ગાંધીનગરની જનતા આમ આદમી પાર્ટીને સતત સપોર્ટ કરી રહી છે તે બદલ આભાર વ્યક્ત કરતા ડૉ. કરન બારોટે જણાવ્યું કે આ વખતે જનતાએ વિવેકબુદ્ધિથી સમજવું પડશે કે સામાન્ય પરિવારના પ્રતિનિધિઓને આગળ આવતા કોણ રોકી રહ્યું છે.




