શ્રીમદ ભગવદ ગીતાના આધારે પિતૃઓ-શ્રાદ્ધ અને જીવન-મૃત્યુનું આધ્યાત્મિક દર્શન
સનાતન વૈદિક સંસ્કૃતિમાં શ્રાદ્ધ અને પિતૃકર્મ એ માનવ જીવનના અત્યંત પવિત્ર અને અનિવાર્ય કર્તવ્યોમાં ગણવામાં આવે છે.સામાન્ય રીતે લોકો શ્રાદ્ધને માત્ર એક કર્મકાંડ કે મૃતક આત્માઓની તૃપ્તિ માટેનો ભોગ સમજે છે પરંતુ જ્યારે આપણે હિન્દુ ધર્મના સર્વોચ્ચ આધ્યાત્મિક અને દાર્શનિક ગ્રંથ એવા શ્રીમદ ભગવદ ગીતા તરફ દ્રષ્ટિપાત કરીએ છીએ ત્યારે પિતૃઓ અને શ્રાદ્ધનો વિષય માત્ર બાહ્ય વિધિથી ઉપર ઉઠીને આત્માની અમરતા-કર્મના સિદ્ધાંત અને પેઢી દર પેઢીના પવિત્ર ઋણ સાથે જોડાઈ જાય છે. ભગવાન શ્રીકૃષ્ણએ ગીતામાં જીવન અને મૃત્યુના એવા શાશ્વત સત્યોનું નિરૂપણ કર્યું છે જેને સમજ્યા પછી શ્રાદ્ધ જેવી પરંપરાઓનો વાસ્તવિક અર્થ સ્પષ્ટ થાય છે.ગીતામાં ભલે વિગતવાર પિંડદાન કે તર્પણની મંત્રાત્મક વિધિઓનું વર્ણન ન હોય પરંતુ પિતૃઓની અદ્રશ્ય સત્તા-કુલધર્મના સંરક્ષણ અને આત્માની ગતિ વિશે ગહન ફિલસૂફી સ્પષ્ટપણે વર્ણવવામાં આવી છે.
ગીતાની દ્રષ્ટિએ આત્માની અમરતા અને પિતૃઓની અસ્તિત્વ સ્થિતિ..
શ્રીમદ ભગવદ ગીતાના બીજા અધ્યાય-સાંખ્ય યોગમાં ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને આત્માનું અદભૂત જ્ઞાન આપતા કહે છે..
न जायते म्रियते वा कदाचित् नायं भूत्वा भविता वा न भूयः
अजो नित्यः शाश्वतोऽयं पुराणो न हन्यते हन्यमाने शरीरिणे ॥ ગીતાઃ૨/૨૦)
આ આત્મા ક્યારેય જન્મતો નથી કે મરતો પણ નથી,તે ક્યારેય અસ્તિત્વમાં આવ્યા વગર ફરીથી અસ્તિત્વમાં આવવાનો નથી કારણ કે તે અજ્ન્મા,નિત્ય,સનાતન અને પુરાણ-શાશ્વત છે.શરીરના નાશ પામવાથી આત્મા નાશ પામતો નથી.
આ દાર્શનિક સત્યના આધારે જ્યારે આપણે પિતૃઓ વિશે વિચારીએ છીએ ત્યારે સમજાય છે કે જે વ્યક્તિ કે સ્વજનનું મૃત્યુ થાય છે,તેનું માત્ર ભૌતિક શરીર નષ્ટ થાય છે પરંતુ તેનો સૂક્ષ્મ આત્મા જીવંત રહે છે.પિતૃઓ આપણાથી ભૌતિક રીતે દૂર થાય છે પરંતુ સૂક્ષ્મ જગતમાં તેમનું અસ્તિત્વ અક્ષ્ણણ રહે છે.શ્રાદ્ધ કે પિતૃકર્મ એ એવા સૂક્ષ્મ આત્માઓ સાથે સંવેદનાત્મક અને આધ્યાત્મિક જોડાણ સ્થાપિત કરવાનો માર્ગ છે.
કુલધર્મ-સંસ્કાર અને શ્રાદ્ધનું મહત્વ-પ્રથમ અધ્યાયના સંદર્ભમાં..
શ્રીમદ ભગવદ ગીતાના પ્રથમ અધ્યાય અર્જુનવિષાદ યોગમાં મહાભારતના યુદ્ધના આરંભે અર્જુન યુદ્ધ ન કરવાના તર્કો આપતી વખતે કુળના નાશથી ઉત્પન્ન થતી સામાજિક અને આધ્યાત્મિક અસરોનું ચિત્રણ કરે છે.શ્લોક ૪૦ થી ૪૨માં અર્જુન કહે છે કે કુળનો નાશ થવાથી સનાતન કુલધર્મો નષ્ટ થઈ જાય છે જેના કારણે અધર્મ ફેલાય છે અને કુળની સ્ત્રીઓ દૂષિત થાય છે,ત્યારબાદ શ્લોક ૪૨માં અર્જુન અત્યંત મહત્વપૂર્ણ વાત કહે છે કે
सङ्करो नरकायैव कुलघ्नानां कुलस्य च।
पतन्ति पितरो ह्येषां लुप्तपिण्डोदकक्रियाः॥
વર્ણસંકર પેદા થવાથી કુળઘાતીઓ અને કુળને નરક પ્રાપ્ત થાય છે અને લુપ્ત થઈ ગઈ છે પિંડ તથા જળની ક્રિયાઓ-શ્રાદ્ધ-તર્પણ જેમના તેવા તેમના પિતૃઓ પણ અધોગતિ પામે છે. અહીં અર્જુનના આ પ્રલાપ દ્વારા એ સ્પષ્ટ થાય છે કે વૈદિક કાળથી જ પિતૃઓ માટે પિંડદાન અને જળ અર્પણ કરવું એ પરિવાર અને સમાજની એક અત્યંત અનિવાર્ય આધ્યાત્મિક પરંપરા રહી છે.જો જીવિત સંતાનો કે પરિવારજનો પોતાના પિતૃઓ પ્રત્યેની શ્રદ્ધા છોડી દે અને પિંડ-જળ જેવી ક્રિયાઓ બંધ કરી દે તો તેનાથી પિતૃઓની તૃપ્તિ અને સદગતિમાં અવરોધ ઊભો થાય છે.ભગવાને અર્જુનના આ વિષાદને સીધો નકાર્યો નથી પરંતુ ગીતાના આગળના અધ્યાયોમાં કર્મના સિદ્ધાંત અને શ્રદ્ધાના મહત્વ દ્વારા તેને વ્યાપક સ્વરૂપ આપ્યું છે.
શ્રદ્ધાનું સર્વોચ્ચ સ્થાન: શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ્
શ્રીમદ ભગવદ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણએ 'શ્રદ્ધા' શબ્દને સૌથી મોટું બળ ગણાવ્યું છે. શ્રાદ્ધ શબ્દ મૂળ સંસ્કૃતના શ્રદ્ધા
શબ્દ પરથી જ બન્યો છે.ગીતાના ચોથા અધ્યાયના ૩૯મા શ્લોકમાં શ્રીકૃષ્ણ કહે છે કે..
श्रद्धाल्लभते ज्ञानं तत्परः संयतेन्द्रियः।
ज्ञानं लब्ध्वा परां शान्तिमचिरेणाधिगच्छति॥
જે મનુષ્ય શ્રદ્ધાથી યુક્ત છે,પોતાની ઇન્દ્રિયોને વશમાં રાખનાર છે અને પોતાના સાધનમાં તત્પર છે તે જ્ઞાન પ્રાપ્ત કરે છે અને જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી તરત જ પરમ શાંતિને પામે છે. આ સિદ્ધાંત શ્રાદ્ધ કર્મ પર પણ પૂરી રીતે લાગુ પડે છે.શ્રાદ્ધ એ માત્ર કોઈ યાંત્રિક વિધિ કે દેખાડો નથી પરંતુ તે પિતૃઓ પ્રત્યેની અતૂટ શ્રદ્ધા અને કૃતજ્ઞતાની અભિવ્યક્તિ છે.જો મનમાં સાચી શ્રદ્ધા અને આદર ન હોય તો ગમે તેટલા મોટા કર્મકાંડો પણ નિષ્ફળ સાબિત થાય છે.ગીતા આપણને શીખવે છે કે કોઈપણ કર્મની સફળતાનો આધાર તેના પાછળ રહેલા ભાવ અને શ્રદ્ધા પર નિર્ભર છે.
કર્મ-ફળ અને પિતૃઓ સાથેનો સંબંધ..
ગીતાના નવમા અધ્યાય રાજવિદ્યા રાજગુહ્ય યોગમાં ભગવાન શ્રીકૃષ્ણ વિવિધ ઉપાસના પદ્ધતિઓ અને તેના પરિણામો વિશે જણાવતાં એક અત્યંત મહત્વપૂર્ણ શ્લોક કહે છે.
यान्ति देवव्रता देवान् पितृन्यान्ति पितृव्रताः।
भूतानि यान्ति भूतेज्या यान्ति मद्याजिपि माम्॥
દેવોનું વ્રત રાખનારા,દેવોની પૂજા કરનારા દેવોને પામે છે,પિતૃઓનું વ્રત રાખનારા-પિતૃપૂજન કરનારા પિતૃઓને પામે છે,ભૂતોની પૂજા કરનારા ભૂતોને પામે છે અને મારા ભક્તો મને પામે છે. આ શ્લોક દર્શાવે છે કે સનાતન ધર્મમાં પિતૃઓની પૂજા અને તેમના પ્રત્યેનું સમર્પણ એક સ્વીકૃત અને માર્ગદર્શિત આધ્યાત્મિક પ્રક્રિયા છે.જે લોકો પિતૃઓનું સ્મરણ કરે છે,તેમના પ્રત્યે આદરભાવ રાખે છે
અને શાસ્ત્રોક્ત વિધિઓ દ્વારા તેમને સંતુષ્ટ કરે છે તેઓ પિતૃલોક અને તેની સદગતિને પ્રાપ્ત કરે છે.આ શ્લોક પિતૃપક્ષ અને શ્રાદ્ધ પરંપરાને સીધો આધ્યાત્મિક આધાર પૂરો પાડે છે.
ગીતાના ત્રિગુણાત્મક સિદ્ધાંત અનુસાર શ્રાદ્ધનો સ્વભાવ..
શ્રીમદ ભગવદ ગીતાના સત્તરમા અધ્યાય શ્રદ્ધાત્રય વિભાગ યોગમાં ભગવાન શ્રીકૃષ્ણ સત્વ,રજ અને તમ-આ ત્રણ ગુણોના આધારે મનુષ્યની શ્રદ્ધા,ભોજન,યજ્ઞ,દાન અને તપનું વર્ગીકરણ કરે છે.આ સિદ્ધાંત શ્રાદ્ધ કર્મ પર પણ સંપૂર્ણપણે લાગુ પડે છે. સાત્વિક શ્રાદ્ધ અને દાન: જે શ્રાદ્ધ કર્મ કોઈ ફળની આશા વગર,શાસ્ત્ર વિધિ પ્રમાણે,યોગ્ય પાત્ર બ્રાહ્મણ કે જરૂરિયાતમંદને પવિત્રભાવથી આપવામાં આવે છે અને જેમાં શુદ્ધ સાત્વિક ભોજન દૂધ,ઘી,ફળ, સાકર વગેરેનો ઉપયોગ થાય છે તે સાત્વિક શ્રેણીમાં આવે છે.આ પ્રકારનું શ્રાદ્ધ પિતૃઓને પરમ શાંતિ અને તૃપ્તિ આપે છે. રાજસ અને તામસ શ્રાદ્ધ: જો શ્રાદ્ધ કર્મ માત્ર દેખાડા માટે,અહંકાર સંતોષવા માટે કે કોઈ પાખંડ રૂપે કરવામાં આવે કે તેમાં તામસિક વસ્તુઓનો આગ્રહ રાખવામાં આવે તો તે રાજસ કે તામસ બને છે,જેનું કોઈ આધ્યાત્મિક ફળ મળતું નથી.ગીતા આપણને સાત્વિક અને પવિત્ર આચરણ રાખવાની પ્રેરણા આપે છે.
નિષ્કામ કર્મ અને પિતૃઋણમાંથી મુક્તિ..
ગીતાનો મૂળ સંદેશ નિષ્કામ કર્મયોગ છે-એટલે કે ફળની આશા રાખ્યા વગર પોતાના કર્તવ્યોનું પાલન કરવું.મનુષ્યના જીવનમાં જન્મની સાથે જ કેટલાય ઋણો પ્રગટ થાય છે જેમાં દેવઋણ,ઋષિઋણ અને પિતૃઋણ મુખ્ય છે.માતા-પિતા અને પૂર્વજોએ આપણને આ શરીર,સંસ્કારો અને જીવનની મૂડી સોંપી છે તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવી એ પ્રત્યેક સંતાનનું નૈતિક અને આધ્યાત્મિક કર્તવ્ય છે. જ્યારે કોઈ વ્યક્તિ પિતૃપક્ષ દરમિયાન કે પોતાની પુણ્યતિથિ પર શ્રદ્ધાપૂર્વક તર્પણ,પિંડદાન અને દાન-પુણ્ય કરે છે ત્યારે તે નિષ્કામભાવે પોતાના પિતૃઋણમાંથી મુક્ત થવાનો પ્રયાસ કરે છે.ગીતા શીખવે છે કે પ્રત્યેક કર્મને યજ્ઞની ભાવનાથી કરવું જોઈએ.જ્યારે શ્રાદ્ધકર્મ પણ સ્વાર્થ વગર પિતૃઓના કલ્યાણ અને આત્માની શાંતિના અર્થે કરવામાં આવે છે, ત્યારે તે ઉત્તમ યજ્ઞ બની જાય છે.
સારરૂપે કહી શકીએ કે શ્રીમદ ભગવદ ગીતા ભલે કોઈ કર્મકાંડની પોથી નથી પરંતુ તે તમામ વૈદિકકર્મો અને પરંપરાઓનો દાર્શનિક આત્મા છે.ગીતામાં આત્માની અક્ષ્ણણતા,શ્રદ્ધાનું મહત્વ,કુલધર્મનું સંરક્ષણ અને કર્મના સિદ્ધાંત દ્વારા શ્રાદ્ધ અને પિતૃપૂજનના મૂળભૂત આધારને અત્યંત સુંદર રીતે સમર્થન આપવામાં આવ્યું છે.
ગીતા આપણને શીખવે છે કે શ્રાદ્ધ એ માત્ર મૃતકો માટેનો શોક કે મરણોત્તર વિધિ નથી પરંતુ તે જીવ અને આત્માના શાશ્વત સંબંધની પ્રતીતિ છે.પિતૃઓ પ્રત્યેનો આદર અને કૃતજ્ઞતા આપણા જીવનને પવિત્ર બનાવે છે અને આપણને આપણા મૂળ સાથે જોડી રાખે છે.સાચી શ્રદ્ધા,સાત્વિક આચરણ અને ગીતાના જ્ઞાનને જીવનમાં ઉતારીને પિતૃઓનું સ્મરણ કરવું એ જ સાચી શ્રાદ્ધ પરંપરાનું સાર્થક સ્વરૂપ છે.
આલેખનઃ
વિનોદભાઇ માછી નિરંકારી
નવીવાડી તા.શહેરા જી.પંચમહાલ
૯૭૨૬૧૬૬૦૭૫(મો)




