Delhi Liquor Scam Case : દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં સીએમ અરવિંદ કેજરીવાલની કસ્ટડી 15 એપ્રિલ સુધી લંબાવવામાં આવી છે. સોમવારે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે તેની ED કસ્ટડી લંબાવી હતી. EDએ દાવો કર્યો છે કે અરવિંદ કેજરીવાલે આ કેસમાં તેમના બે મંત્રીઓ આતિશી અને સૌરભ ભારદ્વાજનું નામ આપ્યું છે. જ્યારે EDએ કોર્ટમાં આ અંગેની માહિતી આપી તો અરવિંદ કેજરીવાલે તેના પર સહમતિ દર્શાવી. અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે આ કેસમાં આરોપી વિજય નાયર તેમને નહીં પરંતુ આતિશી અને સૌરભ ભારદ્વાજને રિપોર્ટ કરતો હતો.
આ ઘટના બાદ અરવિંદ કેજરીવાલને તિહાર જેલમાં મોકલી દેવામાં આવ્યા છે અને ત્યારબાદ આતિશીએ X પર એક નાનકડી પોસ્ટ લખી છે જેમાં તેણે આવતીકાલે એટલે કે મંગળવારે સવારે 10 વાગ્યે વિસ્ફોટક ખુલાસો કરવાની વાત કરી છે.
આતિશીએ ધરપકડનો ભય વ્યક્ત કર્યો હતો
કેજરીવાલ સરકારના મંત્રીઓ આતિષી અને સૌરભ ભારદ્વાજે તાજેતરમાં એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં તેઓએ કહ્યું હતું કે આજે કૈલાશ ગેહલોતને બોલાવવામાં આવ્યા છે, હવે કાલે ED મને પણ બોલાવી શકે છે. જે બાદ ED સૌરભ ભારદ્વાજને પણ બોલાવી શકે છે. આ પછી ED અમારી ધરપકડ પણ કરી શકે છે. આ બધું આમ આદમી પાર્ટીને ખતમ કરવા માટે થઈ રહ્યું છે. પરંતુ અમે તેમનાથી ડરતા નથી.
કૈલાશ ગેહલોતને EDના સમન પર આતિશીએ કહ્યું હતું કે EDની તપાસ એક્સાઇઝ પોલિસી સાથે સંબંધિત નથી. જો આવું થયું હોત, તો સૌથી પહેલા EDએ ભાજપના લોકો પાસે જવાનું કર્યું હોત, કારણ કે તે સ્પષ્ટ થઈ ગયું છે કે કથિત દારૂ કૌભાંડના આરોપી શરથચંદ રેડ્ડીએ ભાજપને 59.5 કરોડ રૂપિયા આપ્યા હતા.