
NGT કડક આદેશ અને મુખ્ય સચિવને સૂચના.મણિપુરમાં ઉગ્રવાદીઓના નામે રોડ-રસ્તા, મંજૂરી વિના જ રિંગ રોડ બનાવ્યો.આ ગેરકાયદે રોડના અમુક હિસ્સાને સ્થાનિક સ્તરે જર્મન રોડ અથવા ટાઈગર રોડ તરીકે ઓળખવામાં આવે છે.મણિપુરમાંથી એક અત્યંત ગંભીર અને રાજ્ય સરકારની ઉંઘ ઉડાવી દે તેવી ઘટના સામે આવી છે. રાજ્યના છ જિલ્લાઓમાંથી પસાર થતા એક એવા રિંગ રોડનો ખુલાસો થયો છે, જેનું નિર્માણ સરકારની કોઈપણ મંજૂરી વગર થઈ રહ્યું હતું. આ ગેરકાયદે રોડના અમુક હિસ્સાને સ્થાનિક સ્તરે જર્મન રોડ અથવા ટાઈગર રોડ તરીકે ઓળખવામાં આવે છે, જે કથિત રીતે કુકી ઉગ્રવાદીઓના ઉપનામો પરથી રાખવામાં આવ્યા છે. આ મામલે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT)એ કડક વલણ અપનાવતા તાત્કાલિક અસરથી રોડના કામ પર રોક લગાવી દીધી છે.
મીડિયા રિપોર્ટ અનુસાર, કોલકાતા સ્થિત NGT કાર્યાલયે ૨૩ ડિસેમ્બરના રોજ મણિપુર સરકારને આ રિંગ રોડ પર કોઈપણ પ્રકારનું કામ આગળ વધારતા અટકાવી દીધી છે. ટ્રિબ્યુનલે મણિપુરના મુખ્ય સચિવને આદેશ આપ્યો છે કે તેઓ અસરગ્રસ્ત છ જિલ્લાના જિલ્લા કલેક્ટરો અને પોલીસ અધિક્ષકોને (SP) આ પ્રતિબંધનો ચુસ્ત અમલ કરવા નિર્દેશ આપે. મહત્ત્વની વાત એ છે કે આ રિંગ રોડ ઇમ્ફાલમાં એશિયન ડેવલપમેન્ટ બેન્કની મદદથી બની રહેલા સત્તાવાર રિંગ રોડથી તદ્દન અલગ અને ગેરકાયદે છે.
આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે મૈતેઈ સમુદાયના સંગઠનCOCOMI દ્વારા NGT માં અરજી દાખલ કરવામાં આવી. અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે આ રક્ષિત વન વિસ્તારમાં પર્યાવરણીય કે ભૂસ્તરશાસ્ત્રીય આકારણી વગર રોડ બનાવવામાં આવી રહ્યો છે. અરજદાર પક્ષના જણાવ્યા અનુસાર, આ ગુપ્ત રસ્તાનો ઉપયોગ ગેરકાયદેસર ડ્રગ્સની હેરાફેરી, હથિયારો અને દારૂગોળાની તસ્કરી તેમજ ગેરકાયદેસર વસાહતીઓની અવરજવર માટે કરવામાં આવતો હોવાની ગંભીર આશંકા છે.
આ ગેરકાયદે રોડનું નિર્માણ મણિપુર હિંસા અને સંકટના સમયગાળા દરમિયાન શરૂ થયું હોવાનું મનાય છે. સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલી તસવીરોમાં સાઈકુલના ધારાસભ્યની હાજરીમાં આ રોડનું ઉદ્ઘાટન થતું જાેવા મળ્યું હતું, જેમાં ટાઈગર રોડ લખેલા ગેટની તસવીરો પણ સામે આવી હતી. સ્થાનિક રહેવાસીઓમાં આ બાબતે ભારે રોષ છે કે ઉગ્રવાદીઓના નામ પર પરવાનગી વગર રસ્તાઓ બની રહ્યા છે અને કાયદાનું ઉલ્લંઘન કરનારાઓ વિરુદ્ધ કોઈ કાર્યવાહી થતી નથી. હાલમાં NGT દખલ બાદ આ મામલે તપાસ તેજ બની છે.




