એકાગ્રતા વધારવા લેપટોપનો ઉપયોગ મર્યાદિત કરાયો AI ના યુગમાં બ્રિટનની પ્રતિષ્ઠિત કોલેજનો કાગળ અને પેન પર ભાર ૧૩૮૨માં સ્થાપિત કોલેજના વિદ્યાર્થીઓએ હોમવર્ક પેન અને પેપરથી જ કરવાનું હોય છે : માર્ક્સમાં સુધારો જાેવા મળ્યા બ્રિટનની હેમ્પશાયર સ્થિત પ્રતિતિ વિન્ચેસ્ટર કોલેજે લેપટોપ અને અન્ય ડિજિટલ સ્ક્રીનનો ઉપયોગ ઘટાડયો છે. તેમણે પેન, પેપર અને ટેક્સ્ટ બુક્સ દ્વારા અભ્યાસને પ્રાથમિકતા આપવાની નીતિ અપનાવી છે. વર્ષ૧૩૮૨માં સ્થાપિત કોલેજમાં ૧૩થી ૧૮ વર્ષની ઉંમરના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. સપ્ટેમ્બર ૨૦૨૫થી શિક્ષકોને લેપટોપનો ઉપયોગ ત્યારે જ કરવાનું કહેવામાં આવ્યું છે, જ્યારે તેની ખાસ જરૂર હોય. ધોરણ ૯ અને ૧૦ના વિદ્યાર્થીઓએ તેમનું હોમવર્ક પેન અને કાગળથી જ કરવાનું હોય છે. વિન્ચેસ્ટર કોલેજના જણાવ્યા અનુસાર, લેપટોપ પર એકસાથે અનેક પ્રવૃત્તિઓ કરવાથી વિદ્યાર્થીઓનું ધ્યાન ભટકે છે. દિવસના પહેલા ક્લાસ દરમિયાન ઘણા વિદ્યાર્થીઓ ઇમેઇલ ચેક કરવામાં સમય વિતાવતા હતા. આ ફેરફાર બાદ વિદ્યાર્થીઓની એકાગ્રતામાં સુધારો જાેવા મળ્યો છે. હોમવર્ક પણ ઓછા સમયમાં પૂરું થતું હોવાનું જણાવાયું છે. ગણિતમાં ૩ડી મોડેલિંગ, ભૂગોળમાં હવામાન અને આબોહવાનાં ડિજિટલ સિમ્યુલેશન તથા ભાષા શીખવા માટેનાં ફ્લેશકાર્ડ જેવા કામમાં કમ્પ્યુટરનો ઉપયોગ ચાલુ રાખવામાં આવ્યો છે. ડિસ્લેક્સિયા કે ડિસગ્રાફિયા જેવી શીખવાની મુશ્કેલીઓ ધરાવતા વિદ્યાર્થીઓને પણ જરૂર મુજબ ડિજિટલ સ્ક્રીન વાપરવાની છૂટ છે.




