મોંઘા પાસ છતાં એન્ટ્રી ન મળી, ખેલૈયાઓ ડોમમાં ઘૂસી ગયા! જીગરદાન ગઢવીના ગરબામાં તોડફોડ અને હોબાળો થયો રાત્રે ૯ વાગ્યાથી મોંઘા પાસ લઈને ગેટ પાસે રાહ જાેઈને ઊભેલા ખેલૈયાઓને કલાકો સુધી પ્રવેશ આપવામાં આવ્યો ન હતો જીગરદાન ગઢવીના ડોમમાં ફાયર એન.ઓ.સી. ન અપાઈ હોવા છતાં પહેલાં નોરતે ગરબા યોજાયા હતાં. લોકોના જીવ જાેખમાય તેવી રીતે જીવતા વાયરો હોવા છતાં ગરબા રમાડાયાં હતાં અને પોલીસે ખેલ જાેયો હતો. ન્યુ સાયન્સ સિટી રોડ ઉપર જીગરદાન ગઢવીના એસી ડોમ ગરબામાં ચકાસણી માટે ચાર વખત ફાયર ટીમ ગઈ હતી. રાત્રે એક સુધી ગરબા ચાલુ હોવાનું જણાતાં ફાયર એનઓસી વગર ડોમમાં ગરબા યોજાતાં ખેલૈયાઓ પાસેથી ધરખમ ફી વસૂલ્યા પછી ખેલૈયાઓ ઉપર જાેખમની સ્થિતિ હોવાની ચર્ચા વચ્ચે પોલીસ, તંત્રનું મૌન ભેદી છે. પરમિશન ન હોવાથી મંગળવારે રાત્રે ગરબા બંધ રખાવ્યાનું પોલીસે જણાવ્યું હતું.અમદાવાદમાં ડોમના ગરબામાં કડક નિયમપાલનની મોટી-મોટી વાતો વચ્ચે છેવટે તંત્રએ કુલડીમાં ગોળ ભાંગી લીધો હોય તેમ જીગરદાન ગઢવીના ગરબા સામે શિર્ષાસન કર્યું હતું. એ.સી.ડોમમાં સરકારે બહાર પાડેલી ગાઈડ લાઈન મુજબ આયોજકોએ ફાયર બ્રિગેડની પરમિશન લીધી ન હતી જેના કારણે ફાયરે એન.ઓ.સી ન આપી ન હોવાથી પોલીસ પરમિશન આપી શકે તેમ ન હોવાથી આયોજકોએ પોલીસ કમિશનર કચેરીની લાયસન્સ બ્રાંચમાં અરજી કરી ન હતી. ફાયર ઓફિસરોએ ત્રણ દિવસ સુધી સ્થળ તપાસ કરી તેમાં આવવા જવા માટે રસ્તા ખુલ્લા ન હતા, જ્યાં ત્યાં કચરાના ઢગલા હોવાથી ગંદકી હતી. ખેલૈયાઓ પાસેથી ધરખમ ફી વસુલ્યા પછી પણ કોઈ સેફ્ટી ન હતી. રવિવારે ગરબા સ્થળે ડોમ નીચે અને પાછળ ઈલેક્ટ્રીકના ખુલ્લા જીવતા વાયરો હતા તે ફાયર બ્રિગેડની સુચના છતાં કન્સિલ્ડ કરાયાં નહોતાં. આવી જાેખમી સ્થિતિ વચ્ચે રવિવારે રાત્રે એક વાગ્યા સુધી ગરબા રમાડાયા હતા.ફાયર એસ્ટિંગ્યુસર, ઈમરજન્સી એક્ઝીટ, સંપૂર્ણ એ.સી.ડોમમાં લગાડેલા કપડા અને એ.સી. ડોમના ગ્રાઉન્ડની કાર્પેટ પર ફાયર રેઝિસ્ટન્સ સ્પ્રે કરવા કહ્યું હતું તેમ છતાં ગઈકાલે રાત સુધી કામગીરી પૂર્ણ કરી ન હતી. જેથી આગ લાગે તો ગ્રાઉન્ડ ફ્લોર પર કપડામાં આગ લાગવાની સંભાવના વ્યક્ત કરી ફાયર બ્રિગેડે નોટિસ આપી હતી. ગરબાની ફાયર બ્રિગેડે એન.ઓ.સી અને પોલીસની પરમિશન ન હતી તો રવિવારે ગરબા યોજાયાં તેમાં કોના ઈશારે પોલીસ બંદોબસ્ત આપ્યો હતો? પોલીસે ગરબા કેમ બંધ કરાવ્યા નહીં? ફાયરબ્રિગેડે ત્રણ દિવસ ધક્કા ખાધા પછી અપૂર્ણતાઓ હોવા છતાં રવિવારે ગરબા કેમ કરવા દીધા? એવા અનેક સવાલો ચર્ચામાં છે.અમદાવાદમાં જીગરદાન ગઢવીની સાચી નવરાત્રિમાં બીજા નોરતે એન્ટ્રી ન મળતા ખેલૈયાઓએ ભારે હોબાળો મચાવ્યો હતો. રાત્રે ૯ વાગ્યાથી મોંઘા પાસ લઈને ગેટ પાસે રાહ જાેઈને ઊભેલા ખેલૈયાઓને કલાકો સુધી પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. એન્ટ્રી કેમ નથી અપાતી તેનો આયોજકો તરફથી કોઈ યોગ્ય જવાબ ન મળતા રોષે ભરાયેલા ખેલૈયાઓ ધક્કામુક્કી કરીને એસી ડોમમાં ઘૂસી ગયા હતા અને પોસ્ટર ફાડી તોડફોડ કરી હતી તેમજ રિફંડ આપવાના નારા લગાવ્યા હતા.નકશા જુઓઆ સમગ્ર વિવાદ પાછળનું મુખ્ય કારણ પોલીસની મંજૂરી ન હોવાનું સામે આવ્યું છે. સાચી નવરાત્રિમાં ફાયર વિભાગની પરવાનગી મળી ગઈ હતી, પરંતુ સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ ન આવ્યો હોવાથી પોલીસ દ્વારા ગરબા યોજવા માટે પરવાનગી આપવામાં આવી ન હતી.




