આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રવક્તા યોગેશ જાદવાણીએ દશેરાના પવિત્ર તહેવાર નિમિત્તે સૌને હાર્દિક શુભકામનાઓ પાઠવતા જણાવ્યું હતું કે, દશેરા એ અસત્ય પર સત્યના વિજય અને આસુરી વૃત્તિઓનો નાશ કરવાનો દિવસ છે. સત્યયુગમાં ઋષિમુનિઓના યજ્ઞમાં રાક્ષસો વિઘ્નો નાંખી લોકોને રંજાડતા હતા, તે જ રીતે કળિયુગના આ સમયમાં બની બેઠેલા રાજનેતાઓ અને રાજકીય પાર્ટીઓ રાક્ષસી પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. દેશની આઝાદી પછી ઘણી સરકારો બદલાઈ, પરંતુ હાલની ભાજપ સરકાર જેવું તાનાશાહી અને બર્બરતાપૂર્ણ વર્તન દેશની જનતાએ ક્યારેય જોયું નથી. ૨૦૧૪ પછી કેન્દ્રમાં ભાજપ સરકાર આવ્યા બાદ નેશનલ મેઇનસ્ટ્રીમ મીડિયાથી લઈને નાના ટીવી મીડિયા સુધીના લોકોને જાહેરાતોના નામે દબાવવાનું અને ડરાવવાનું કામ કરવામાં આવ્યું છે. ભાજપ દ્વારા વિપક્ષના સમાચાર ન ચલાવવા આદેશો અપાય છે. ગુજરાતની વાત કરીએ તો ૨૦૨૨થી ભાજપે એક સર્ક્યુલર બહાર પાડી તમામ મોટી ચેનલોને આદેશ આપ્યો હતો કે ‘આપ’ના કોઈ પણ પ્રવક્તાને ટીવી ડિબેટમાં બેસાડવાના નથી, ખાસ કરીને ભાજપના પ્રવક્તા સામે તો ક્યારેય નહીં, જેથી તેમના ૩૦ વર્ષના શાસનની પોલ ન ખુલી જાય.
વધુમાં ’આપ’ પ્રદેશ પ્રવક્તા યોગેશ જાદવાણીએ ઉમેર્યું હતું કે, જ્યારે લોકો અને વિપક્ષો ભાજપ સરકારની નિષ્ફળતાઓ, કાંડ અને કૌભાંડો ઉજાગર કરવા લાગ્યા અને મેઇનસ્ટ્રીમ મીડિયા પરથી ભરોસો ઊઠી જતાં સોશિયલ મીડિયાને માધ્યમ બનાવ્યું, ત્યારે ભાજપે સત્તાના પાવરથી કેન્દ્ર સરકારના આદેશ અનુસાર ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર રિસ્ટ્રિક્શન નખાવી વિપક્ષો તથા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરોના એકાઉન્ટ્સ બંધ કરાવવાનું શરૂ કર્યું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વખતે ‘આપ’નું ગુજરાતનું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજ બંધ કરાતાં, અમે સુપ્રીમ કોર્ટ ગયા હતા. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ એક મહિના પહેલા જ પેજ શરૂ થયા હતા, પરંતુ ગઈકાલે રાત્રે ફરી ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બંધ કરી દેવાયું. આ જ રીતે સીજેપી, કોંગ્રેસ, નાની યુટ્યુબ ચેનલો અને સરકાર સામે અવાજ ઉઠાવતા જાગૃત નાગરિકોના એકાઉન્ટ્સ પણ બંધ કરાવાય છે. ભાજપ અંગ્રેજો કરતાં પણ વધુ તાનાશાહી ચલાવીને ચૂંટણી પંચ, કોર્ટ-કચેરી અને મીડિયા જેવી તમામ સ્વતંત્ર સંસ્થાઓ પર દબાણ કરી રહી છે. આ ગોરા અંગ્રેજો નહીં પરંતુ ભાષા સમજતા આપણા જ કાળા અંગ્રેજો છે, જે દેશને બાનમાં લઈ ભવિષ્ય અંધકારમય બનાવી રહ્યા છે. જો આપણે એક થઈને અવાજ નહીં ઉઠાવીએ તો આ લોકશાહી અને તમામ બંધારણીય સંસ્થાઓને ખાઈ જશે.




