અમેરિકામાં ૨ ભારતીય નાગરિકો પર ચૂંટણીમાં છેતરપિંડીનો આરોપ બંને પર ખોટી રીતે મતદાર તરીકે નોંધણી કરાવવા અને નવેમ્બર ૨૦૨૪ની અમેરિકી ચૂંટણીમાં મતદાન કરવાનો આરોપ છે
અમેરિકાના કેલિફોર્નિયામાં ચૂંટણીમાં છેતરપિંડીના આરોપસર ૨૮ ગ્રીન કાર્ડધારકો સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવી છે. અમેરિકાના ન્યાય વિભાગના જણાવ્યા અનુસાર, આ યાદીમાં બે ભારતીય નાગરિકો અમનદીપ કૌર (૩૦) અને કમલેશ શાહ (૬૭)નો પણ સમાવેશ થાય છે. બંને પર ખોટી રીતે મતદાર તરીકે નોંધણી કરાવવા અને નવેમ્બર ૨૦૨૪ની અમેરિકી ચૂંટણીમાં મતદાન કરવાનો આરોપ છે.ન્યાય વિભાગના જણાવ્યા અનુસાર, સેક્રામેન્ટોના રહેવાસી કમલેશ શાહે નવેમ્બર ૨૦૨૪માં ચૂંટણીના દિવસે જ કથિત રીતે ખોટી રીતે મતદાર તરીકે નોંધણી કરાવી હતી અને તે જ દિવસે મતદાન પણ કર્યું હતું. બીજી તરફ, રેન્ચો પાલોસ વર્ડેસની રહેવાસી અમનદીપ કૌર અમેરિકાની નાગરિકતા મેળવવાનો પ્રયાસ કરી રહી હતી. તેના પર ડિસેમ્બર ૨૦૨૨માં ખોટી રીતે મતદાર નોંધણી કરાવવા અને નવેમ્બર ૨૦૨૪ની ચૂંટણીમાં મતદાન કરવાનો આરોપ છે.અમેરિકાના ન્યાય વિભાગે ચૂંટણી પ્રક્રિયાની નિષ્પક્ષતા જાળવવા માટે ‘ઓપરેશન પ્રોટેક્ટ ધ વોટ’ અભિયાન શરૂ કર્યું હતું. આ અભિયાન હેઠળ વહેલી સવારે કરવામાં આવેલી કાર્યવાહીમાં ૨૮માંથી ૧૧ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જાેકે, ધરપકડ કરાયેલા લોકોમાં બંને ભારતીયોનો સમાવેશ થાય છે કે નહીં તે સ્પષ્ટ થયું નથી.અમેરિકાના ન્યાય વિભાગે સ્પષ્ટ કર્યું છે કે આરોપોનો સામનો કરી રહેલા તમામ ૨૮ લોકો કાયદેસરના કાયમી રહેવાસી એટલે કે ગ્રીન કાર્ડધારકો છે. ગ્રીન કાર્ડ અમેરિકામાં કાયદેસર રીતે રહેવાની મંજૂરી આપે છે, પરંતુ તે અમેરિકાની નાગરિકતા આપતું નથી. તેથી ગ્રીન કાર્ડધારકોને સામાન્ય રીતે સંઘીય ચૂંટણીમાં મતદાન કરવાનો અધિકાર હોતો નથી. કાર્યકારી ઉપ એટર્ની જનરલ ટ્રેન્ટ મેકકૉટરે જણાવ્યું હતું કે આ ૨૮ લોકોનાં નામ કેલિફોર્નિયાના ચૂંટણી અધિકારીઓને સોંપવામાં આવેલી ૨૦ હજારથી વધુ શંકાસ્પદ બિનનાગરિક મતદારોની યાદીમાં હતાં. આરોપ સાબિત થાય તો તેમને પાંચ વર્ષ સુધીની સંઘીય જેલની સજા થઈ શકે છે.




