નવી રામાયણના સંગીતથી અભિનેતા નિરાશ લક્ષ્મણ સુનીલ લહરીએ નવી રામાયણના સંગીત પર સવાલ ઉઠાવ્યા અભિનેતા સુનીલ લહરીએ નિતેશ તિવારીની નવી ફિલ્મ ‘રામાયણ’ના સંગીત અંગે પોતાની નિખાલસ પ્રતિક્રિયા આપી
રામાનંદ સાગરની લોકપ્રિય ટેલિવિઝન સિરિયલ ‘રામાયણ’માં લક્ષ્મણની ભૂમિકા ભજવીને ઘર-ઘરમાં જાણીતા બનેલા અભિનેતા સુનીલ લહરીએ નિતેશ તિવારીની નવી ફિલ્મ ‘રામાયણ’ના સંગીત અંગે પોતાની નિખાલસ પ્રતિક્રિયા આપી છે. આ ફિલ્મ વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. ફિલ્મને લઈને દર્શકોમાં ઉત્સુકતા વચ્ચે સુનીલ લહરીએ ટ્રેલરમાં સાંભળેલા કેટલાક ગીતો અને સંગીત અંગે થોડી નિરાશા વ્યક્ત કરી છે. જાેકે, તેમણે ફિલ્મના દિગ્દર્શક નિતેશ તિવારી અને સમગ્ર ટીમની ક્ષમતા પર વિશ્વાસ પણ દર્શાવ્યો છે. ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલા એક વીડિયો સંદેશમાં સુનીલ લહરીએ જણાવ્યું કે, ઘણા લોકો તેને નવી ‘રામાયણ’ અંગે પોતાના વિચારો વ્યક્ત કરવા કહી રહ્યા હતા. તેમણે કહ્યું કે એક સમયે તેઓ પણ ‘રામાયણ’નો હિસ્સો રહ્યા છે, પરંતુ તે સમય અલગ હતો અને આજનો સમય અલગ છે. તેમણે સ્પષ્ટ કર્યું કે તેમણે હજુ સુધી ફિલ્મ જાેઈ નથી અને તેઓ આ મહાકાવ્યના સંશોધક કે નિષ્ણાત પણ નથી. તેથી ફિલ્મ અંગે સંપૂર્ણ સમીક્ષા આપવી તેમના માટે યોગ્ય નથી. ફિલ્મના સંગીત અંગે વાત કરતાં સુનીલ લહરીએ કહ્યું કે આ પ્રકારના મહાકાવ્યમાં સંગીતની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ હોય છે અને તે ફિલ્મની કરોડરજ્જુ સમાન છે. જાેકે, ટ્રેલરમાં સાંભળેલા કેટલાક ગીતો અને સંગીતના ભાગોએ તેમને થોડા નિરાશ કર્યા છે. તેમના મતે ગીતોના સંગીતમાં અયોધ્યા અને મિથિલાની સ્થાનિક સંસ્કૃતિ તથા લોકસંગીતનો સ્વાદ વધુ સ્પષ્ટ રીતે અનુભવાવવો જાેઈએ હતો. ફિલ્મના સંગીતને લઈને અગાઉ પણ ચર્ચા થઈ ચૂકી છે. ખાસ કરીને ‘મંગલ રંગ’ ગીતની ધૂનને લઈને સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયાઓ સામે આવી હતી. ફિલ્મનું સંગીત એ.આર. રહમાન અને હાન્સ ઝિમરે તૈયાર કર્યું છે. આ બંને જાણીતા સંગીતકારોએ ફિલ્મ માટે સંગીત અને બેકગ્રાઉન્ડ સ્કોર પર સાથે કામ કર્યું છે. તેમ છતાં, સુનીલ લહરીએ સ્પષ્ટ કર્યું કે તેમની ટિપ્પણી કોઈ નિષ્ણાત તરીકે નહીં, પરંતુ એક સામાન્ય શ્રોતા તરીકેની વ્યક્તિગત લાગણી છે. સુનીલ લહરીએ ફિલ્મની સફળતા માટે શુભેચ્છા પાઠવતાં કહ્યું કે તેમને માત્ર આશા જ નહીં, પરંતુ સંપૂર્ણ વિશ્વાસ છે કે નિતેશ તિવારી અને તેમની ટીમે સારી ફિલ્મ બનાવી હશે. તેમણે ફિલ્મ સાથે જાેડાયેલા તમામ કલાકારોની મહેનતની પ્રશંસા કરી અને ઈશ્વરને પ્રાર્થના કરી કે ફિલ્મ મોટી સફળતા મેળવે. તેમના મતે આટલા મોટા બજેટની ફિલ્મની સફળતા જરૂરી છે, કારણ કે તેની સાથે અનેક લોકોની રોજીરોટી જાેડાયેલી છે.




