પૂછપરછ દરમિયાન અચાનક પોલીસકર્મીઓ પર હુમલો દિલ્હીના પોલીસ સ્ટેશનમાં જ લોહિયાળ હુમલો! આરોપીએ ચપ્પુથી ૯ પોલીસકર્મીઓને ઘાયલ કર્યા માતા અને બહેન સાથે જાેડાયેલી ફરિયાદમાં પૂછપરછ માટે બોલાવેલા નબીલે પોલીસકર્મીઓ પર કર્યો હુમલો, ૩ની હાલત ગંભીર દેશની રાજધાની દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થાને પડકારતી ચોંકાવનારી ઘટના સામે આવી છે. જામા મસ્જિદ પોલીસ સ્ટેશનમાં પૂછપરછ માટે બોલાવવામાં આવેલા એક આરોપીએ અચાનક પોલીસકર્મીઓ પર ચપ્પુ વડે હુમલો કરી દીધો હતો. આ હુમલામાં કુલ ૯ પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. ઘટનાને પગલે પોલીસ વિભાગમાં અફરાતફરી મચી ગઈ હતી. હુમલા બાદ ફરાર થયેલા આરોપીને પોલીસે હાફ એન્કાઉન્ટર બાદ ઝડપી પાડ્યો હતો.
મળતી માહિતી મુજબ, નબીલ નામના શખ્સ વિરુદ્ધ તેની માતા અને બહેનને પરેશાન કરવાની ફરિયાદ મળી હતી. આ ફરિયાદના આધારે દિલ્હી પોલીસે તેને ૨૪ નવેમ્બરના રોજ જામા મસ્જિદ પોલીસ સ્ટેશનમાં પૂછપરછ માટે બોલાવ્યો હતો.
પોલીસ સ્ટેશનમાં પૂછપરછ ચાલી રહી હતી ત્યારે નબીલે અચાનક ચપ્પુ કાઢીને પોલીસકર્મીઓ પર હુમલો કરી દીધો હતો. આ હુમલામાં બે સર્કલ ઇન્સ્પેક્ટર, બે હેડ કોન્સ્ટેબલ અને એક એએસઆઈ સહિત પાંચ પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા.
પોલીસકર્મીઓ પર હુમલો કર્યા બાદ આરોપી નબીલ ટૂ-વ્હીલર લઈને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ પોલીસે તેની શોધખોળ શરૂ કરી હતી.
પોલીસની ટીમ જ્યારે તેને પકડવા પહોંચી ત્યારે આરોપીએ ફરીથી હુમલો કર્યો હતો. આ દરમિયાન અન્ય ચાર પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા હતા. આમ, બંને ઘટનાઓમાં કુલ ૯ પોલીસકર્મીઓને ઈજા પહોંચી હતી.
ઘાયલ પોલીસકર્મીઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમાંથી ત્રણ પોલીસકર્મીઓની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે અને તેમને ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે અન્ય બે પોલીસકર્મીઓને સંજીવની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.
ઘટના બાદ પોલીસે કાર્યવાહી કરીને આરોપી નબીલને હાફ એન્કાઉન્ટર બાદ ઝડપી પાડ્યો હતો. હાલ તેની ધરપકડ કરવામાં આવી છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.પોલીસ સ્ટેશન જેવા સુરક્ષિત સ્થળે જ પોલીસકર્મીઓ પર થયેલા આ હુમલાએ દિલ્હીમાં ચકચાર મચાવી છે.




