સપા-કોંગ્રેસ વચ્ચે બેઠક વહેંચણીનો વિવાદ વકર્યો “૧૦૦થી ઓછી બેઠકો નહીં” કોંગ્રેસના અલ્ટીમેટમથી યુપીના રાજકારણમાં ગરમાવો કોંગ્રેસે ૧૩૦ બેઠકોની યાદી સોંપ્યાની ચર્ચા સામે સમાજવાદી પાર્ટીની ૨૬ બેઠકોની ઓફરથી નારાજગી
ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલાં સમાજવાદી પાર્ટી (SP) અને કોંગ્રેસ વચ્ચે બેઠક વહેંચણીને લઈને રાજકીય ખેંચતાણ શરૂ થઈ ગઈ છે. બંને પક્ષો વચ્ચે ગઠબંધનને લઈને ચર્ચાઓ ચાલી રહી છે, ત્યારે સમાજવાદી પાર્ટીએ પાંચ બેઠકો પર પોતાના ઉમેદવારો જાહેર કરી દેતાં કોંગ્રેસમાં નારાજગી ફેલાઈ છે. કોંગ્રેસે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે તેને ૧૦૦થી ઓછી બેઠકો સ્વીકાર્ય નથી. આ ઘટનાથી વિપક્ષી ગઠબંધન વચ્ચે તણાવ વધવાની શક્યતા ઊભી થઈ છે.
બેઠક વહેંચણી અંગે બંને પક્ષો વચ્ચે હજુ ચર્ચા ચાલી રહી હતી તે દરમિયાન જ સમાજવાદી પાર્ટીએ પાંચ બેઠકો પર ઉમેદવારો જાહેર કરી દીધા હતા. કોંગ્રેસના નેતા રાજેન્દ્ર પાલ ગૌતમે આ અંગે નારાજગી વ્યક્ત કરતાં કહ્યું હતું કે સપાએ ઉમેદવારો જાહેર કરવામાં ઉતાવળ ન કરવી જાેઈતી હતી. તેમણે જણાવ્યું હતું કે બંને પક્ષો વચ્ચે ચર્ચા ચાલી રહી હોય ત્યારે એકતરફી રીતે ઉમેદવારો જાહેર કરવા યોગ્ય નથી. કોંગ્રેસને ગઠબંધનમાં સન્માનજનક બેઠકો મળવી જાેઈએ અને ત્રણ આંકડાથી ઓછી બેઠકો સ્વીકાર્ય નથી.
આ વિવાદમાં સહારનપુરના કોંગ્રેસ સાંસદ ઇમરાન મસૂદની નારાજગી પણ મહત્ત્વપૂર્ણ બની છે. બેહટ અને સહારનપુર ગ્રામીણ વિધાનસભા બેઠકો પર કોંગ્રેસ પોતાની દાવેદારી રજૂ કરી રહી હતી. જાેકે, સમાજવાદી પાર્ટીએ આ બેઠકો પર પણ પોતાના ઉમેદવારો જાહેર કરી દેતાં ઇમરાન મસૂદ નારાજ થયા હોવાનું સામે આવ્યું છે. ઇમરાન મસૂદે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે તેઓ સમાજવાદી પાર્ટી પાસે બેઠકો માટે ભીખ માગી રહ્યા નથી. તેમના આ નિવેદનથી બંને પક્ષો વચ્ચેનો આંતરિક વિવાદ વધુ ચર્ચામાં આવ્યો છે.
બેઠક વહેંચણીની ચર્ચા દરમિયાન કોંગ્રેસે સમાજવાદી પાર્ટીને ૧૩૦ બેઠકોની યાદી સોંપી હોવાની ચર્ચા છે. બીજી તરફ, સપા તરફથી કોંગ્રેસને માત્ર ૨૬ બેઠકો આપવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હોવાના અહેવાલ છે. આટલી મોટી સંખ્યાના તફાવતને કારણે બંને પક્ષો વચ્ચે સહમતી સધાય તે મુશ્કેલ બની રહ્યું છે. કોંગ્રેસના નેતા રાકેશ રાઠોરે પણ ગઠબંધન અંગે તેમની સાથે યોગ્ય ચર્ચા કરવામાં આવતી ન હોવાની નારાજગી વ્યક્ત કરી છે.
ઉત્તર પ્રદેશમાં ભાજપ સામે મજબૂત રાજકીય પડકાર ઊભો કરવા માટે કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી વચ્ચેનું ગઠબંધન મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. પરંતુ ચૂંટણી પહેલાં જ બેઠક વહેંચણીને લઈને બંને પક્ષો વચ્ચે મતભેદો સામે આવતાં રાજકીય સમીકરણો ગરમાયા છે. હવે બંને પક્ષો સન્માનજનક સમજૂતી પર પહોંચે છે કે બેઠક વહેંચણીનો વિવાદ ગઠબંધન માટે મુશ્કેલી ઊભી કરે છે તે જાેવું મહત્ત્વપૂર્ણ રહેશે. હાલ કોઈ અંતિમ સમજૂતી જાહેર થઈ નથી.




