ઉત્તરાખંડના પૈતૃક ગામ પંચુરમાં લીધા અંતિમ શ્વાસ યોગી આદિત્યનાથનાં માતા સાવિત્રી દેવીનું નિધન થયું યોગીના માતા સાવિત્રીદેવી લાંબા સમયથી બીમાર હતાં, ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ શોક વ્યક્ત કર્યો ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનાં માતા સાવિત્રી દેવીનું ૯૧ વર્ષની વયે નિધન થયું છે. તેમણે ઉત્તરાખંડના પૌડી ગઢવાલ જિલ્લાના પોતાના પૈતૃક ગામ પંચુર સ્થિત નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ લાંબા સમયથી બીમાર હતાં અને તેમની સારવાર ચાલી રહી હતી. તેમના નિધનના સમાચારથી પરિવારજનો અને વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ છે.
પ્રાપ્ત અહેવાલો અનુસાર, સાવિત્રી દેવીની તબિયત વધુ લથડતાં તેમના નિવાસસ્થાને તબીબોને બોલાવવામાં આવ્યા હતા. જાેકે, તબીબી પ્રયાસો છતાં તેમને બચાવી શકાયાં નહોતાં. પૌડીના વરિષ્ઠ પોલીસ અધિક્ષક સર્વેશ કુમાર અને જિલ્લા માહિતી અધિકારી યોગેશ પોખરિયાલે પણ તેમના નિધનને સમર્થન આપ્યું હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.
યોગી આદિત્યનાથને માતાના નિધનના સમાચાર મળ્યા ત્યારે તેઓ ગોરખપુરમાં એક કાર્યક્રમમાં હાજર હતા. આ કાર્યક્રમમાં આશરે ૫૦ હજાર વિદ્યાર્થીઓને ટેબલેટ વિતરણ કરવામાં આવી રહ્યાં હતાં. માતાના નિધનના સમાચાર મળતાં શોકની લાગણી વ્યાપી હતી. મીડિયા અહેવાલો અનુસાર, યોગી આદિત્યનાથ માતાના અંતિમ દર્શન માટે ઉત્તરાખંડના પંચુર ગામે જઈ શકે છે.
સાવિત્રી દેવીના નિધન પર ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ શોક વ્યક્ત કર્યો હતો. તેમણે શોકસંતપ્ત પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને દિવંગત આત્માને શ્રદ્ધાંજલિ અર્પી હતી.
ઉલ્લેખનીય છે કે યોગી આદિત્યનાથના પિતા આનંદ સિંહ બિષ્ટનું ૨૦ એપ્રિલ, ૨૦૨૦ના રોજ ૮૯ વર્ષની વયે નિધન થયું હતું. દિલ્હીની AIIMS હોસ્પિટલમાં મલ્ટિપલ ઓર્ગન ફેલ્યોરને કારણે તેમનું અવસાન થયું હતું. તે સમયે કોરોના મહામારી અને લોકડાઉનના પ્રતિબંધોને કારણે યોગી આદિત્યનાથ પિતાના અંતિમ સંસ્કારમાં હાજર રહી શક્યા નહોતા.
સાવિત્રી દેવી છેલ્લા ઘણા સમયથી પંચુર ગામમાં રહેતાં હતાં. યોગી આદિત્યનાથ અગાઉ પણ અનેક વખત માતાને મળવા પોતાના પૈતૃક ગામે ગયા હતા. તેમના અંતિમ સંસ્કાર અંગેની સત્તાવાર વિગતોની રાહ જાેવાઈ રહી છે.




