દર બેમાંથી એક મહિલા એનિમિયાનો શિકાર ભારતમાં મહિલાઓના સ્વાસ્થ્ય સામે મોટો ખતરો અહેવાલ મુજબ દેશમાં ૨૦થી ૫૯ વર્ષની ૫૫ ટકા અને ૧૫થી ૪૯ વર્ષની ૫૬ ટકા મહિલાઓમાં લોહીની ઉણપ ભારતમાં મહિલાઓના સ્વાસ્થ્યને લઈને ચિંતાજનક હકીકત સામે આવી છે. દેશમાં દર બેમાંથી એકથી વધુ મહિલાઓ એનિમિયા એટલે કે લોહીની ઉણપથી પીડાઈ રહી છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના નવા અહેવાલમાં આ ખુલાસો થયો છે. વર્ષ ૨૦૨૩થી ૨૦૨૫ દરમિયાન હાથ ધરાયેલા સર્વે મુજબ, દેશમાં ૨૦થી ૫૯ વર્ષની આશરે ૫૫ ટકા મહિલાઓ અને ૧૫થી ૪૯ વર્ષની ૫૬ ટકા મહિલાઓ એનિમિયાની સમસ્યાનો સામનો કરી રહી છે. આ આંકડા મહિલાઓના પોષણ અને સ્વાસ્થ્ય અંગે ગંભીર ચિંતા ઊભી કરે છે. ICMR ના પોપ્યુલેશન હેલ્થ, એક્ટિવિટી, ડાયટ એન્ડ એન્થ્રોપોમેટ્રી એસેસમેન્ટ સર્વેમાં દેશના વિવિધ રાજ્યોમાં મહિલાઓના સ્વાસ્થ્ય અને પોષણની સ્થિતિનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. અહેવાલ મુજબ છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ અને પંજાબમાં ૭૦ ટકાથી વધુ મહિલાઓ એનિમિયાથી પીડાતી હોવાનું સામે આવ્યું છે. કર્ણાટકમાં ૨૦થી ૫૯ વર્ષની ૪૮ ટકાથી વધુ મહિલાઓમાં લોહીની ઉણપ જાેવા મળી છે. જ્યારે ૧૫થી ૪૯ વર્ષની મહિલાઓમાં આ પ્રમાણ આશરે ૫૦ ટકા છે. દક્ષિણ ભારતનાં પાંચ રાજ્યોની સરખામણીમાં કેરળમાં એનિમિયાની સમસ્યા સૌથી ઓછી જાેવા મળી છે. અહીં ૨૦થી ૫૯ વર્ષની ૨૮ ટકા અને ૧૫થી ૪૯ વર્ષની ૨૯ ટકા મહિલાઓ એનિમિયાથી પીડાય છે. બીજી તરફ આંધ્રપ્રદેશમાં સ્થિતિ સૌથી વધુ ચિંતાજનક છે. અહીં બંને વયજૂથની ૬૮ ટકાથી વધુ મહિલાઓ એનિમિયાનો શિકાર છે. તેલંગાણામાં ૨૦થી ૫૯ વર્ષની ૫૧ ટકા અને ૧૫થી ૪૯ વર્ષની ૫૪ ટકા મહિલાઓમાં લોહીની ઉણપ જાેવા મળી છે. તમિલનાડુમાં આ પ્રમાણ અનુક્રમે ૫૧.૪ ટકા અને ૫૩ ટકા નોંધાયું છે. મધ્ય ભારતમાં મધ્યપ્રદેશની સ્થિતિ પ્રમાણમાં સારી રહી છે, જ્યાં આશરે ૪૦ ટકા મહિલાઓ એનિમિયાથી પીડાય છે. માત્ર પુખ્ત મહિલાઓ જ નહીં, પરંતુ કિશોરીઓમાં પણ એનિમિયાની સમસ્યા ગંભીર બની રહી છે. ICMR ના અહેવાલ મુજબ દેશમાં ૧૦થી ૧૯ વર્ષની ૪૬ ટકાથી વધુ કિશોરીઓ એનિમિયાથી પીડાઈ રહી છે. રાજ્યવાર આંકડા પર નજર કરીએ તો છત્તીસગઢમાં સૌથી વધુ ૬૫.૪ ટકા કિશોરીઓ એનિમિયાગ્રસ્ત છે. ત્યારબાદ ગુજરાતમાં ૬૧.૪ ટકા, પશ્ચિમ બંગાળમાં ૬૦.૪ ટકા, બિહારમાં ૫૭.૬ ટકા, આંધ્રપ્રદેશમાં ૫૧.૯ ટકા અને રાજસ્થાનમાં ૫૦.૨ ટકા કિશોરીઓમાં એનિમિયા જાેવા મળ્યો છે. હૈદરાબાદ સ્થિત ICMR ની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ન્યુટ્રિશન દ્વારા તૈયાર કરાયેલા અહેવાલમાં એનિમિયાને હળવો, મધ્યમ અને ગંભીર એમ ત્રણ પ્રકારમાં વર્ગીકૃત કરવામાં આવ્યો છે. અહેવાલ મુજબ એનિમિયાથી પીડાતી લગભગ અડધી મહિલાઓમાં હળવા પ્રકારનો એનિમિયા જાેવા મળે છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર મહિલાઓ, સગર્ભા અને સ્તનપાન કરાવતી માતાઓ, કિશોરો અને બાળકોમાં પણ હળવા એનિમિયાનું પ્રમાણ નોંધપાત્ર છે. અહેવાલમાં એનિમિયા પાછળ આયર્નની ઉણપને મુખ્ય કારણોમાંનું એક ગણાવવામાં આવ્યું છે. મહિલાઓ, કિશોરો અને બાળકોમાં એનિમિયાના આશરે અડધા કેસમાં આયર્નની ઉણપ જવાબદાર હોવાનું સામે આવ્યું છે. ખાસ કરીને પાંચ વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો, કિશોરીઓ અને પ્રજનન વયની મહિલાઓમાં આ સમસ્યા વધુ જાેવા મળે છે. આ આંકડા દર્શાવે છે કે મહિલાઓ અને કિશોરીઓના પોષણ, યોગ્ય આહાર અને સ્વાસ્થ્ય તપાસ પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે.




