દિલજીતના કોન્સર્ટ પહેલાં બોમ્બ ધમકીથી ખળભળાટ બેંગલુરુમાં દિલજીત દોસાંજના કોન્સર્ટને IED બ્લાસ્ટથી ઉડાવવાની ધમકી ૨૯ નવેમ્બરના કોન્સર્ટ પહેલાં પોલીસને ધમકીભર્યાે ઈમેલ મળ્યો, સુરક્ષાને લઈને તપાસ તેજ કરવામાં આવી પંજાબી સિંગર દિલજીત દોસાંજનો બેંગલુરુ કોન્સર્ટ સતત ચર્ચામાં છે, ત્યારે દિલજીતના આ કોન્સર્ટ પહેલાં સ્થાનિક પોલીસને બોમ્બ બ્લાસ્ટની ધમકીભર્યાે ઈમેલ મળ્યો છે. આ ઈમેલમાં કોન્સર્ટ પર IED હુમલો કરવાની ચેતવણી આપવામાં આવી છે.ધારવાડ પોલીસ કમિશનરને એક ઈમેલ મળ્યો છે, જેમાં સિંગર દિલજીત દોસાંજના આગામી બેંગલુરુ કોન્સર્ટમાં IED બ્લાસ્ટની ધમકી આપવામાં આવી છે. આ કોન્સર્ટ તેના ‘ઓરા ઈન્ડિયા ટૂર ૨૦૨૬’ના ભાગરૂપે ૨૯ નવેમ્બરે નાઇસ (NICE) રોડ ગ્રાઉન્ડ પર યોજાવાનો છે. ઈમેલમાં ‘ખાલિસ્તાન ઝિંદાબાદ’ લખેલું છે અને બોમ્બ હુમલાની ચેતવણી આપવામાં આવી છે.ઈમેલમાં કોન્સર્ટમાં બાળકોને સાથે ન લાવવા, આઇફોન પર આવતા ફોનનો જવાબ ન આપવો અને મેટ્રોમાં પ્રવાસ ટાળવા જેવી બાબતોનો ઉલ્લેખ પણ છે. ધમકી મળ્યા બાદ પોલીસે સમગ્ર મામલાને ગંભીરતાથી લીધો છે.મળતી માહિતી મુજબ, આ ધમકીભર્યાે ઈમેલ ધારવાડના પોલીસ કમિશનરને મોકલવામાં આવ્યો છે, જેમાં ૨૯ નવેમ્બરે બેંગલુરુના માદાવરામાં આવેલા નાઇસ (NICE) રોડ ગ્રાઉન્ડમાં યોજાનાર દિલજીત દોસાંજના કોન્સર્ટને નિશાન બનાવવાનો ઉલ્લેખ છે. ઈમેલમાં ‘ખાલિસ્તાન ઝિંદાબાદ’ના નારાનો ઉપયોગ પણ કરાયો છે.




