Virat Kohli: વિરાટ કોહલીએ રાજસ્થાન રોયલ્સ સામે શાનદાર સદી ફટકારી હતી. તેણે 113 રન બનાવ્યા હતા. પરંતુ તેની સદી બાદ પણ આરસીબીને રાજસ્થાન રોયલ્સ સામે 6 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં આરસીબીના બોલરો ખાસ પ્રદર્શન કરી શક્યા ન હતા. મેચમાં કોહલીએ બેટિંગ ઉપરાંત ફિલ્ડિંગમાં પણ શ્રેષ્ઠતા દેખાડી હતી. સારી ફિલ્ડિંગના કારણે તેણે એક ખાસ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.
કોહલી નંબર વન પર પહોંચી ગયો છે
રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં વિરાટ કોહલીએ યશ દયાલના બોલ પર રિયાન પરાગનો સારો કેચ લીધો હતો. આ સાથે તે આઈપીએલના ઈતિહાસમાં ફિલ્ડર તરીકે સૌથી વધુ કેચ ઝડપનાર ખેલાડી બની ગયો છે. તેણે સુરેશ રૈનાને પાછળ છોડી દીધો છે. કોહલીએ IPLમાં 110 કેચ પકડ્યા છે. રૈના બીજા નંબર પર છે. તેના નામે 109 કેચ નોંધાયેલા છે. આઈપીએલમાં માત્ર ત્રણ જ ખેલાડી એવા છે જેમણે આઈપીએલમાં 100થી વધુ કેચ પકડ્યા છે. જેમાં વિરાટ કોહલી, સુરેશ રૈના અને કિરોન પોલાર્ડનો સમાવેશ થાય છે.
આઈપીએલના ઈતિહાસમાં સૌથી વધુ કેચ પકડનાર ફિલ્ડર્સઃ
વિરાટ કોહલી- 110
સુરેશ રૈના- 109
કિરોન પોલાર્ડ- 103
રોહિત શર્મા- 99
શિખર ધવન- 98
રવિન્દ્ર જાડેજા- 98
આરસીબી હારી ગયું
RCB સામેની મેચમાં રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસને ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. મેચમાં RCBએ રાજસ્થાનને જીતવા માટે 184 રનનો ટાર્ગેટ આપ્યો હતો જેના જવાબમાં રાજસ્થાને જોસ બટલરની સદીની મદદથી ટાર્ગેટનો પીછો કર્યો હતો. RCB તરફથી કોહલીએ 113 રન બનાવ્યા હતા. જ્યારે ફાફ ડુ પ્લેસિસે 44 રન બનાવ્યા હતા. પરંતુ આ બે ખેલાડીઓ સિવાય કોઈ બેટ્સમેન સારુ પ્રદર્શન કરી શક્યો નહોતો. બીજી તરફ રાજસ્થાન રોયલ્સ માટે કેપ્ટન સંજુ સેમસને 69 રન અને જોસ બટલરે 100 રન બનાવ્યા હતા. બટલરે સિક્સર ફટકારીને રાજસ્થાનને જીત અપાવી હતી.