આધ્યાત્મિકતા અને માનવતાનો દિવ્ય સંગમ:૭૯મો વાર્ષિક નિરંકારી સંત સમાગમ ‘જાગૃતિ’ના વિષયવસ્તુ સાથે આત્મચિંતન-બ્રહ્મજ્ઞાન અને માનવતાનો દિવ્ય સંદેશ આપતો ભવ્ય સંત સમાગમ..
વિશ્વભરના નિરંકારી ભક્તો તથા પ્રભુપ્રેમીઓ માટે વાર્ષિક નિરંકારી સંત સમાગમ ભક્તિ,પ્રેમ, આધ્યાત્મિકતા અને મિલવર્તનનું એક અનુપમ પર્વ છે.આ દિવ્ય સમાગમમાં દેશ-વિદેશના અસંખ્ય ભક્તો સહભાગી બની સત્સંગ-સુમિરણ અને નિઃસ્વાર્થ સેવાના માધ્યમથી અલૌકિક આનંદની અનુભૂતિ કરશે.આ દિવ્ય પરંપરાને અવિરત આગળ ધપાવતાં નિરંકારી સદગુરૂ માતા સુદીક્ષાજી મહારાજ તથા પૂજ્ય રાજપિતાજીના પાવન સાન્નિધ્યમાં ૭૯મો વાર્ષિક નિરંકારી સંત સમાગમ તા.૨૩થી ૨૬ ઑક્ટોબર દરમિયાન હરિયાણાના સમાલખા સ્થિત સંત નિરંકારી આધ્યાત્મિક સ્થળે યોજાનાર છે.આ પાવન અવસરે દસ લાખથી વધુ જિજ્ઞાસુઓ અને ભક્તો ઉપસ્થિત રહીને સદગુરૂનાં અમૃતમય વચનોનું શ્રવણ કરશે.
વિવિધ સંસ્કૃતિઓનો સંગમ અને નિઃસ્વાર્થ સેવાનો ઉત્સાહ..
દર વર્ષની જેમ આ વર્ષે પણ ૭૯મા વાર્ષિક નિરંકારી સંત સમાગમમાં વિવિધ સંસ્કૃતિઓ-ભાષાઓ અને સભ્યતાઓનો અનોખો સંગમ જોવા મળશે.દેશ-વિદેશના લાખો પ્રભુપ્રેમી ભક્તો સદગુરૂ માતા સુદીક્ષાજી મહારાજનાં પાવન આશીર્વચનોનું શ્રવણ કરીને આધ્યાત્મિક જીવનને વધુ સમૃદ્ધ બનાવશે.દરેક નિરંકારી ભક્ત આતુરતાપૂર્વક આ વાર્ષિક સંત સમાગમની પ્રતીક્ષા કરતો હોય છે. ભક્તો માટે આ માત્ર એક ધાર્મિક આયોજન નથી, પરંતુ આત્મચિંતન, આધ્યાત્મિક ઉન્નતિ, પરસ્પર પ્રેમ અને નિઃસ્વાર્થ સેવાનો જીવંત અવસર છે. ભક્તો પોતાની શક્તિ અને ક્ષમતા અનુસાર વિવિધ સેવાઓમાં યોગદાન આપીને આત્મસંતોષ તથા આનંદની અનુભૂતિ કરે છે. સંત સમાગમના વિશાળ પરિસર તથા આસપાસના વિસ્તારોમાં સેવાકાર્યો પૂર્ણ થયેલ છે.દિલ્હી ઉપરાંત દેશનાં વિવિધ રાજ્યો તથા ગુજરાતમાંથી પણ અનેક સંતો અને સેવાદળના સભ્યો સમાગમ સ્થળે પહોંચી સેવાકાર્યોમાં ઉત્સાહપૂર્વક સહભાગી બની રહ્યા હતા.બાળકો-યુવાનો અને વડીલો સહિત તમામ વયજૂથના ભક્તોમાં અનેરો ઉત્સાહ-સમર્પણ અને નવી ઊર્જાનો સંચાર જોવા મળી રહ્યો છે. આજના ઝડપી અને સ્પર્ધાત્મક જીવનમાં યુવાવર્ગ અનેક પડકારોનો સામનો કરી રહ્યો છે.આવા સમયમાં નિરંકારી મિશન બ્રહ્મજ્ઞાનની દિવ્ય જ્યોતિ દ્વારા યુવાનોને આધ્યાત્મિકતા સાથે જોડીને તેમના જીવનમાં સકારાત્મકતા,સંયમ,સહિષ્ણુતા અને માનવતાના મૂલ્યોનું સિંચન કરી રહ્યું છે.આ સંત સમાગમ તેનું જીવંત ઉદાહરણ છે,જેમાં વિવિધ વર્ગો,જાતિઓ અને ધર્મોના લોકો કોઈપણ ભેદભાવ વિના નિઃસ્વાર્થભાવે સેવાકાર્યોમાં જોડાઈને એકતા અને માનવતાનો સંદેશ આપી રહ્યા છે.
‘જાગૃતિ’ : આત્મચિંતન અને આંતરિક પરિવર્તનનો સંદેશ..
આ વર્ષનો ૭૯મો વાર્ષિક નિરંકારી સંત સમાગમ ‘જાગૃતિ’ વિષય પર આધારિત છે.આ વિષય માનવીને આત્મચિંતન કરવા,પોતાની આંતરિક ચેતનાને જાગૃત કરવા તથા જીવનના સાચા ઉદ્દેશ્યને સમજવા માટે પ્રેરિત કરે છે. સમાગમ દરમિયાન દેશ-વિદેશના વક્તાઓ,ગાયક કલાકારો અને કવિઓ પોતાના પ્રેરણાદાયી વિચારો, ભક્તિભાવથી સભર રચનાઓ તથા આધ્યાત્મિક અનુભવો દ્વારા માનવજીવનમાં પ્રેમ-એકતા અને સદભાવનાનું મહત્વ સમજાવશે.
આત્મીયતા અને માનવતા એકબીજાના પૂરક છે.જ્યારે મનુષ્ય નિરાકાર પરમાત્મા સાથે બ્રહ્મજ્ઞાન દ્વારા જોડાય છે ત્યારે તેની અંદર રહેલા દૈવીગુણો સહજ રીતે પ્રગટ થવા લાગે છે. હૃદયમાં સૌના પ્રત્યે પ્રેમ,કરૂણા,સહાનુભૂતિ,પરોપકાર અને સમાનતાની ભાવના જાગૃત થાય છે. સદગુરૂ માતા સુદીક્ષાજી મહારાજનો સંદેશ પણ માનવજીવનમાં આત્મીયતા અને માનવતાના સમન્વયનું મહત્વ સમજાવે છે.જ્યારે આધ્યાત્મિક જાગૃતિ જીવનના વ્યવહારમાં ઉતરે છે ત્યારે જ મનુષ્યનું જીવન સાચા અર્થમાં સાર્થક બને છે.આ જ દિવ્ય સંત સમાગમનો મૂળ ઉદ્દેશ્ય છે.
ગુરુવચનામૃતનું ચિંતન : બ્રહ્મજ્ઞાનથી જીવનમાં દિવ્ય પરિવર્તન..
નિરાકાર પ્રભુ-પરમાત્મા શાશ્વત સત્ય છે અને સમગ્ર સૃષ્ટિના મૂળ સ્ત્રોત છે. જ્યારે મનુષ્ય આ પરમ સત્ય સાથે જોડાઈને એકત્વના ભાવથી જીવન જીવવા લાગે છે ત્યારે મનમાં રહેલા ભેદભાવ, દ્વેષ અને નકારાત્મક વિચારો ધીમે ધીમે દૂર થવા લાગે છે.બ્રહ્મજ્ઞાન માનવીને દરેક જીવમાં એક જ પરમાત્માની હાજરીનો અનુભવ કરાવીને જીવનને પ્રેમ અને શાંતિથી ભરી દે છે. આજનો મનુષ્ય ભૌતિક અને સાંસારિક ઉપલબ્ધિઓ મેળવવા માટે પોતાના જીવનનો અમૂલ્ય સમય ખર્ચી રહ્યો છે.સામાજિક પ્રતિષ્ઠા,ભૌતિક સંપત્તિ,સાંસારિક સંબંધો અને મનના વિચારો સમયની સાથે બદલાતા રહે છે.આ બધું અનિત્ય છે જ્યારે પરમાત્મા શાશ્વત છે.જ્યારે મનુષ્યને પરમાત્માની અનુભૂતિ થાય છે ત્યારે તે પોતાના જીવનના મૂળ ઉદ્દેશ્યને સમજવા લાગે છે અને જીવનને સાચી દિશા પ્રાપ્ત થાય
છે.
જ્યારે મન નિરાકાર પ્રભુ-પરમાત્મા સાથે જોડાય છે ત્યારે આંતરિક શાંતિ અને બાહ્ય વ્યવહાર બંનેમાં દિવ્યતાનો સંચાર થાય છે.વ્યક્તિના વિચારો-વાણી અને કર્મમાં સંયમ-સહજતા અને સકારાત્મકતા પ્રગટે છે. નિરાકાર પરમાત્મા દ્વારા રચવામાં આવેલી આ સૃષ્ટિ અદભૂત અને સુંદર છે.મનુષ્યે પ્રભુની રચનાનો આનંદ માણવો જોઈએ તથા પોતાની વિવેકબુદ્ધિને જાગૃત રાખીને પ્રકૃતિ અને ઉપલબ્ધ સાધનોનો દુરૂપયોગ કરવાને બદલે સદુપયોગ કરવો જોઈએ.આ રીતે આધ્યાત્મિકતા માત્ર વિચાર કે ઉપદેશ પૂરતી મર્યાદિત ન રહેતાં જીવનના વ્યવહારમાં પણ પ્રગટ થવી જોઈએ. દરેક મનુષ્યની અંદર અને સમગ્ર સૃષ્ટિમાં એક જ પરમાત્માની હાજરી રહેલી છે. આ શાશ્વત સત્યનેસમજવું અને અનુભવવું એ જ બ્રહ્મજ્ઞાનનો મૂળ ભાવ છે. જ્યારે મનુષ્ય દરેક જીવમાં પરમાત્માનું દર્શન કરવા લાગે છે ત્યારે તેના હૃદયમાં સૌના પ્રત્યે પ્રેમ-આદર અને સમાનતાની ભાવના આપોઆપ વિકસે છે. પોતાના વાસ્તવિક સ્વરૂપને ઓળખવા માટે પરમાત્માને જાણવું જરૂરી છે કારણ કે બ્રહ્મજ્ઞાન દ્વારા જ આત્મબોધનો માર્ગ પ્રશસ્ત થાય છે.પરમાત્મા મનુષ્યની અંદર પણ છે અને બહાર પણ વ્યાપક છે. આ શાશ્વત સત્યની અનુભૂતિ થતાં જીવનનો પરમ ઉદ્દેશ્ય સમજાય છે. સદગુરૂ માતા સુદીક્ષાજી મહારાજ ઉદાહરણ દ્વારા સમજાવે છે કે જેમ કોઈ ઓરડામાં અંધકાર દૂર કરવા માટે વીજળીની સ્વિચ ચાલુ કરતાં પ્રકાશ પ્રગટે છે તેમ અજ્ઞાનતાના અંધકારમાં જીવતા મનુષ્યના જીવનમાં બ્રહ્મજ્ઞાનનો પ્રવેશ થતાં જ જ્ઞાનનો પ્રકાશ ફેલાય છે, ત્યાર પછી જીવનને નવી દ્રષ્ટિ-નવી દિશા અને નવી સમજ પ્રાપ્ત થાય છે.
સત્સંગ, સુમિરણ અને સેવાનો સમન્વય..
દરેક સંત-મહાત્માના જીવનમાં સેવાભાવ સતત વધતો રહે અને તેમનું જીવન સત્સંગ તથા સુમિરણથી પરિપૂર્ણ બને એ આધ્યાત્મિક જીવનની મહત્વપૂર્ણ વિશેષતા છે. ઘણીવાર મનુષ્ય પોતાની લાગણીઓથી પ્રભાવિત થઈને સરળ કાર્યને પણ જટિલ બનાવી દે છે પરંતુ જ્યારે પરમાત્માના સુમિરણ દ્વારા મનમાં સ્થિરતા અને સમર્પણનો ભાવ જાગૃત થાય છે ત્યારે કર્તાપણાનો અહંકાર ઓછો થવા લાગે છે. પરિણામે મન શાંત રહે છે અને કાર્યો સહજતા તથા સમતોલતાથી પૂર્ણતા તરફ આગળ વધે છે. સમગ્ર દિવસ દરમિયાન આપણે અનેક પ્રકારની વાતો સાંભળીએ છીએ, જોઈએ છીએ અને તેના વિશે વિચારીએ છીએ, કોઈના મધુર શબ્દો આપણને આનંદ આપે છે તો કોઈના કઠોર શબ્દો મનને દુઃખ પહોંચાડે છે પરંતુ કંઈ વાતને સ્વીકારવી અને કંઈ વાતને મનમાંથી દૂર રાખવી તેનો વિવેકપૂર્ણ નિર્ણય આપણે પોતે જ કરવાનો હોય છે.
બ્રહ્મજ્ઞાની સંત-મહાત્માઓ વિવેકબુદ્ધિનો ઉપયોગ કરીને સકારાત્મક વિચારોને જીવનમાં સ્થાન આપે છે, તેઓ નકારાત્મક પરિસ્થિતિઓથી વિચલિત થયા વિના આંતરિક શાંતિ જાળવી રાખવાનો પ્રયાસ કરે છે. આ રીતે આધ્યાત્મિક જાગૃતિ મનુષ્યને પરિસ્થિતિઓનો સ્વસ્થતાપૂર્વક સામનો કરવાની શક્તિ આપે છે. સાંસારિક જવાબદારીઓ નિભાવવાની સાથે આધ્યાત્મિકતાને જીવનમાં અપનાવવાથી જીવન વધુ સહજ- સુંદર અને સફળ બને છે. માત્ર ભૌતિક સુખ-સગવડોમાં આસક્ત રહેવું કે આધ્યાત્મિક ઉન્નતિના નામે ઘર- પરિવારની જવાબદારીઓનો ત્યાગ કરવો એ બંને અતિરેક છે.સંતોએ સંસારમાં રહીને પણ અલિપ્તભાવથી પરમાર્થનું જીવન જીવવાનો માર્ગ બતાવ્યો છે. જ્યારે મનુષ્ય નિરાકાર પ્રભુ-પરમાત્માની હાજરીનો અનુભવ કરતાં પોતાની જવાબદારીઓ નિભાવે છે ત્યારે તેનાં કર્મોમાં નિર્લેપતા-સમર્પણ અને સેવાભાવનો સંચાર થાય છે.આ જ રીતે આધ્યાત્મિકતા અને
સાંસારિક જીવન વચ્ચે સુંદર સંતુલન સ્થાપિત થઈ શકે છે. સંતો આત્મભાવ જાગૃત કરીને સમગ્ર માનવજાત પ્રત્યે પ્રેમ અને સદભાવ રાખે છે, તેઓ કોઈની જાતિ-પાતિ,ગુણ-અવગુણ,અમીરી-ગરીબી કે અન્ય કોઈપણ આધારે ભેદભાવ રાખતા નથી, જ્યાં ભેદભાવની દીવાલો તૂટી જાય છે ત્યાં પ્રેમ-એકતા અને માનવતાનો પ્રકાશ પ્રગટે છે.
પ્રેમ-સમર્પણ અને કૃતજ્ઞતાનું જીવનદર્શન..
પ્રેમ માત્ર આપવાનો જ નહીં પરંતુ બીજાના પ્રેમનો નિખાલસતાથી સ્વીકાર કરવાનો પણ ભાવ છે. પ્રેમ વહેંચવા માટે છે, સંગ્રહ કરવા માટે નહીં. જેટલો નિઃસ્વાર્થ પ્રેમ વહેંચવામાં આવે છે તેટલી જ હૃદયની પ્રસન્નતા અને આત્મીયતામાં વૃદ્ધિ થાય છે.સાચા પ્રેમમાં બદલામાં કંઈક મેળવવાની અપેક્ષા હોતી નથી. સંતોની ભાવના લેવાની નહીં પરંતુ આપવાની હોય છે.તેઓ નિઃસ્વાર્થભાવે સેવા કરે છે અને પોતાના જીવન દ્વારા બીજાના જીવનમાં આનંદ-આશા અને પ્રેરણાનો સંચાર કરે છે.
જ્યારે મનુષ્ય પોતાના જીવનમાં સંતુલિત અને નિઃસ્વાર્થ ભાવનાને સ્થાન આપે છે ત્યારે ફરિયાદોનું સ્થાન ધીમે ધીમે કૃતજ્ઞતા લે છે. જીવનમાં જે મળ્યું છે તેના પ્રત્યે આભારની ભાવના જાગે છે અને બીજાના સુખમાં સુખ અનુભવવાની દ્રષ્ટિ વિકસે છે.આમ બ્રહ્મજ્ઞાન, સત્સંગ, સુમિરણ, સેવા, સમર્પણ અને નિઃસ્વાર્થ પ્રેમ એ જીવનને દિવ્ય બનાવનારા મહત્વપૂર્ણ આધારસ્તંભો છે.જ્યારે આ મૂલ્યો જીવનમાં વ્યવહારરૂપે ઉતરે છે ત્યારે મનુષ્ય પોતાના જીવનને જ નહીં પરંતુ સમગ્ર સમાજને પણ વધુ સુંદર અને માનવીય બનાવવામાં યોગદાન આપી શકે છે.
માનવતાના દિવ્ય સંદેશ સાથે સંત સમાગમનો ઉદ્દેશ્ય..
૭૯મો વાર્ષિક નિરંકારી સંત સમાગમ ‘જાગૃતિ’ના વિષય દ્વારા મનુષ્યને પોતાની આંતરિક ચેતનાને જાગૃત કરવા,પરમાત્મા સાથે જોડાવા અને જીવનમાં માનવતાનાં મૂલ્યોને આત્મસાત્ કરવા પ્રેરિત કરશે. આ સમાગમનો સંદેશ માત્ર સત્સંગના મંડપ પૂરતો સીમિત નથી પરંતુ વ્યક્તિના દૈનિક જીવન, પારિવારિક સંબંધો,સામાજિક વ્યવહાર અને સમગ્ર માનવજાત પ્રત્યેના અભિગમમાં પ્રતિબિંબિત થવો જોઈએ. જ્યારે મનુષ્ય દરેક જીવમાં એક જ પરમાત્માની હાજરીનો અનુભવ કરે છે ત્યારે ભેદભાવનું સ્થાન સમાનતા લે છે,દ્વેષનું સ્થાન પ્રેમ લે છે અને સ્વાર્થનું સ્થાન પરોપકાર લે છે.આવી જ આધ્યાત્મિક જાગૃતિ દ્વારા શાંતિપૂર્ણ-સહિષ્ણુ અને માનવતાપૂર્ણ સમાજનું નિર્માણ શક્ય બને છે.
આ દિવ્ય સંત સમાગમ ભક્તિ અને આધ્યાત્મિકતાની સાથે માનવતાના મૂલ્યોને જીવનમાં ઉતારવાની પ્રેરણા આપતો એક પાવન અવસર છે.સદગુરૂના ઉપદેશોને જીવનમાં આત્મસાત્ કરીને દરેક મનુષ્ય પ્રેમ,સેવા,સમર્પણ અને કૃતજ્ઞતાથી ભરપૂર જીવન જીવે એ જ આ સમાગમની સાચી સાર્થકતા છે. સદગુરૂ માતા સુદીક્ષાજી મહારાજના પાવન સાન્નિધ્યમાં યોજાનારો આ ૭૯મો વાર્ષિક નિરંકારી સંત સમાગમ આધ્યાત્મિકતા અને માનવતાના દિવ્ય સંગમરૂપે સૌના જીવનમાં જ્ઞાન,પ્રેમ,એકતા અને આત્મીયતાનો પ્રકાશ પ્રસરાવે-એ જ શુભકામના.
રીપોર્ટઃ
વિનોદભાઇ માછી નિરંકારી
નવીવાડી તા.શહેરા જી.પંચમહાલ
૯૭૨૬૧૬૬૦૭૫(મો)




