(નીડર,નિષ્પક્ષ,અને છગનલાલ મેવાડા દ્વારા) સુરત.
નવરાત્રીનું પાવન પર્વ એટલે મા અંબાની આરતી, આરાધના, અને સાધના કરી પોતાનું, પોતાના પરિવારનું અને સમગ્ર વિશ્વનું કલ્યાણ કરો ની ભાવનાનું પર્વ. આ પર્વ એટલે નવલી નવરાત્રી. નવ દિવસ દરમ્યાન માતાજીની આરાધના, વ્રત, ઉપવાસ, પૂજા અર્ચના અને સાધના કરી જીવન ધન્ય બનાવવાની એક પરંપરા.
આમ નવલી નવરાત્રી હવે પ્રાચીન ગરબી રહી નથી પરંતુ અત્યાધુનિક અર્વાચીન બની ને ગરબા એક કમાણીનું સાધન બની ગયા છે. ક્યાં પહેલાના ગામડાઓમાં રાત્રે ૭ વાગે ધીમા અને હલકા મીઠા સાદે ગરબે ઘુમતી બહેનો સાદા રોજિંદા પોષાકમાં ગાતી ગાતી ભક્તિમય બની જતી અને રાત્રે ૯ થી ૧૦ વાગ્યાની વચ્ચે ગામડાઓના ગરબા બંધ થઈ જતા અને લોકો શાંતિથી સુઈ ને સવારે કામ પર જતા હતા.
જ્યારે આજે તદ્દન વિપરીત સમય આવી ગયો છે. ગામડાઓમાં જ્યાં રાત્રે ગરબા બંધ થઈ જતા એજ સમયે એટલે કે રાત્રે નવ થી દસ વાગ્યે તો શહેરોમાં ગરબા ચાલુ થઈ રહ્યા છે. જે રાત્રે બબ્બે વાગ્યા સુધી ઢોલ, નગારા અને સંગીતના તાલે ખેલૈયાઓ આધુનિક વસ્ત્ર પરિધાન કરીને ગરબે રમતા હોય છે.
આવા ગરબાઓ હવે મોટા ડોમ કે મોટા મેદાનો મોંઘા ભાડે રાખીને કરાતા આયોજનો ને કારણે એમાં તમામ પ્રકારના દૂષણ એટલે કે એકમેકથી ચઢિયાતા દેખાવાની હોડ, ઓછા કપડા પહેરી અન્યો આકર્ષાય એવા ડ્રેસ, મોંઘા ગાયકો, મોંઘા સંગીતકારો, મોંઘા એન્ટ્રીપાસ અને મોંઘી પાણીની બોટલો, મોંઘા ફૂડ જેવા સામાન્ય માનવીને પરવડે નહીં એવાં મોંઘા ભાવોના દૂષણો ઘર કરી જતા હોવાથી આમાં ક્યાંય માતાજીની આરાધના, ભક્તિ કે ભાવનાના દર્શન ક્યાંથી થાય? બધું જ ધંધાદારી હોય ત્યાં માતાજીની કૃપા એતો એક સ્વપ્ન જ બની જાય, બસ ક્યારે કમાઈ લઈ? એ જ ભાવના હોય ત્યાં ભક્તિ રસ ની વાત જ ના થાય.




