આદ્યશક્તિ મા જગદંબાની આરતીનો આધ્યાત્મિક અર્થ
ભારતીય સંસ્કૃતિમાં ધાર્મિક ઉત્સવો માત્ર આનંદ અને ઉત્સાહના પ્રસંગો નથી પરંતુ આત્મશુદ્ધિ, સદ્ગુણોની જાગૃતિ અને આધ્યાત્મિક ચિંતનના અવસરો પણ છે.નવરાત્રિ એવો જ પવિત્ર ઉત્સવ છે જેમાં આદ્યશક્તિ માતાજીનાં નવ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે.માતાજીની પ્રસિદ્ધ આરતી ‘જય આદ્યશક્તિ મા,જય આદ્યા શક્તિ’ માં શક્તિનું મહત્વ, સૃષ્ટિની સર્વવ્યાપકતા અને માનવજીવનને સદ્માર્ગે દોરનારા અનેક સંદેશો સમાયેલા છે.આ આરતીની વિવિધ કડીઓના આધ્યાત્મિક ભાવાર્થનું ચિંતન કરીએ. નવદુર્ગાનાં નવ સ્વરૂપોને જીવનના વિવિધ ગુણોના પ્રતીક તરીકે સમજી શકાય છે. માતા શૈલપુત્રી નિર્દોષતા,બ્રહ્મચારિણી સંયમ, ચંદ્રઘંટા નિર્મળતા, કૂષ્માંડા સર્જનશક્તિ, સ્કંદમાતા માતૃત્વ, કાત્યાયની કર્તવ્યનિષ્ઠા, કાલરાત્રિ નિર્ભયતા, મહાગૌરી પવિત્રતા અને સિદ્ધિદાત્રી કલ્યાણનું પ્રતીક છે.આ પ્રતીકાત્મક દર્શન આપણને ઘરની માતા-બહેન-દીકરી અને પુત્રવધૂમાં શક્તિનું દર્શન કરવાની પ્રેરણા આપે છે. સ્ત્રીની
સાચી ઉપાસના માત્ર મંદિરમાં પૂજા કરવાથી નહીં પરંતુ તેને પ્રેમ,સન્માન,સુરક્ષા, શિક્ષણ અને સમાન અધિકાર આપવાથી થાય છે. સ્ત્રીને દુઃખી રાખીને શક્તિની આરાધના કરવી એ આરાધનાના મૂળ ભાવની વિરૂદ્ધ છે.
ભારતીય તત્વજ્ઞાનમાં પરમ તત્વને નિર્ગુણ અને નિરાકાર તરીકે સમજાવવામાં આવે છે જ્યારે સૃષ્ટિના સર્જન-પાલન અને પરિવર્તનની સામર્થ્યને શક્તિના સ્વરૂપમાં વર્ણવવામાં આવે છે. શાક્ત પરંપરા આદ્યશક્તિને સમગ્ર સૃષ્ટિની મૂળ શક્તિ માને છે. પૃથ્વી, જળ, અગ્નિ,વાયુ અને આકાશ-આ પાંચ મહાભૂતોથી ભૌતિક સૃષ્ટિની રચના થઈ હોવાનું ભારતીય દર્શનમાં વર્ણન મળે છે.આરતીની પંક્તિ ‘નરનારીના રૂપે વ્યાપ્યાં સઘળે મા’ નો ભાવ એ છે કે શક્તિ કોઈ એક સ્થાન કે સ્વરૂપ પૂરતી મર્યાદિત નથી, તેની અભિવ્યક્તિ સમગ્ર સૃષ્ટિમાં જોવા મળે છે તેથી દરેક જીવ પ્રત્યે આદર-કરૂણા અને સમભાવ રાખવો એ પણ શક્તિની ઉપાસના છે. ‘જય આદ્યશક્તિ મા’ આરતીના રચયિતા તરીકે સૂરતના શિવાનંદ સ્વામી જેમને શિવાનંદ પંડ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે,તેમનું નામ પ્રચલિત છે.નર્મદા નદીના કિનારે માતાજીની આરાધના અને તેમના પ્રાગટ્ય સાથે જોડાયેલી લોકમાન્યતાઓ પણ જોવા મળે છે.સમય જતાં આરતીના પાઠ અને ગાનમાં પ્રાદેશિક ભિન્નતાઓ જોવા મળે છે પરંતુ તેનો મુખ્યભાવ માતા જગદંબાની સ્તુતિ અને સર્વવ્યાપક
શક્તિની આરાધના કરવાનો છે.
‘જય આદ્યશક્તિ મા જય આદ્યા શક્તિ, અખંડ બ્રહ્માંડ દીપાવ્યાં પડવે પ્રગટ્યાં મા.’ ‘આદ્ય’ એટલે સર્વપ્રથમ અને ‘શક્તિ’ એટલે સર્જન તથા પરિવર્તનની સામર્થ્ય. ‘અખંડ બ્રહ્માંડ દીપાવ્યાં’ નો ભાવ એ છે કે સમગ્ર સૃષ્ટિમાં શક્તિનો પ્રકાશ વ્યાપેલો છે.આ કડી આપણને સૃષ્ટિના મૂળમાં રહેલી એક જ પરમશક્તિનો સ્વીકાર કરવાની પ્રેરણા આપે છે. ‘દ્વિતીયા બેય સ્વરૂપ, શિવશક્તિ જાણું મા, બ્રહ્મા ગણપતિ ગાયે હર ગાયે હર મા.’ શિવને ચેતન તત્વ અને શક્તિને સર્જન તથા અભિવ્યક્તિની સામર્થ્યના પ્રતીક તરીકે સમજી શકાય
છે.શિવ અને શક્તિનું એકત્વ ચેતના અને શક્તિના પરસ્પર સંબંધને દર્શાવે છે.આ કડી જીવનમાં વિચાર અને કર્મ-જ્ઞાન અને સાધના વચ્ચે સમન્વય રાખવાનો સંદેશ આપે છે. ‘તૃતીયા ત્રણ સ્વરૂપ, ત્રિભુવનમાં બેઠાં, ત્રયા થકી તરવેણી તું તરવેણી મા.’ મહાસરસ્વતી-મહાલક્ષ્મી અને મહાકાલીને અનુક્રમે જ્ઞાન-સમૃદ્ધિ અને શક્તિનાં પ્રતીક તરીકે સમજવામાં આવે છે.ગંગા-યમુના અને સરસ્વતીનો ત્રિવેણી સંગમ પવિત્રતાનું પ્રતીક છે.જીવનમાં જ્ઞાન- ભક્તિ અને નિષ્કામ કર્મનો સમન્વય થાય ત્યારે આધ્યાત્મિક પ્રગતિનો માર્ગ ખુલ્લો બને છે. ‘ચોથે ચતુરા મહાલક્ષ્મી મા, સચરાચર વ્યાપ્યાં,ચાર ભુજા ચૌદિશા પ્રગટ્યાં દક્ષિણમાં.’ મહાલક્ષ્મી ધન,સમૃદ્ધિ,સૌભાગ્ય અને કલ્યાણનાં પ્રતીક છે.સાચી સમૃદ્ધિ માત્ર ધનસંપત્તિમાં નથી. સદ્બુદ્ધિ,સંતોષ,સ્વાસ્થ્ય,પ્રેમ અને સુખી પરિવાર પણ સમૃદ્ધિનાં સ્વરૂપો છે.સમૃદ્ધિનો ઉપયોગ સમાજ અને જરૂરિયાતમંદોના કલ્યાણ માટે થાય ત્યારે જ તેનું સાચું મહત્વ છે. ‘પંચમી પંચ ઋષિ પંચમી ગુણ પદ્મા, પંચ સહસ્ત્ર ત્યાં સોહિયે પંચે તત્વોમાં.’ આ કડીમાં પંચતત્ત્વ અને ગુણોનું સ્મરણ થાય છે.ભારતીય સાંખ્ય દર્શન અનુસાર સત્વ-રજસ અને તમસ પ્રકૃતિના ત્રણ ગુણ છે.પૃથ્વી,જળ,અગ્નિ,વાયુ અને આકાશ પાંચ મહાભૂત છે.આ કડી આપણને પ્રકૃતિ
પ્રત્યે કૃતજ્ઞ રહેવા અને જીવનમાં સત્ય,પ્રેમ,કરૂણા,સદ્ભાવ તથા સંયમ જેવા સદ્ગુણો વિકસાવવાની પ્રેરણા આપે છે.
‘ષષ્ઠી તું નારાયણી મહિષાસુર માર્યો, નરનારીનાં રૂપે વ્યાપ્યાં સઘળે મા.’ દેવી દુર્ગાએ મહિષાસુરનો વધ કરીને દેવતાઓને તેના અત્યાચારથી મુક્ત કર્યા હતા.આ કથા અહંકાર,અન્યાય અને શક્તિના દુરૂપયોગ પર સદ્શક્તિના વિજયનું પ્રતીક છે.સ્ત્રીને અબળા માનવાને બદલે તેની બુદ્ધિ-હિંમત અને સર્જનાત્મકતાનું સન્માન કરવું એ આ કડીનો જીવનોપયોગી સંદેશ છે. ‘સપ્તમી સપ્ત પાતાળ સાવિત્રી સંધ્યા, ગૌ ગંગા ગાયત્રી ગૌરી ગીતા મા.’ સાવિત્રી,ગાયત્રી,ગંગા,ગૌરી અને ગીતાના સંદર્ભો જ્ઞાન,પવિત્રતા,પ્રાર્થના,કરૂણા અને ધર્મનું સ્મરણ કરાવે છે.આ કડી સમજાવે છે કે આધ્યાત્મિકતા માત્ર મંદિરમાં મર્યાદિત નથી.પ્રકૃતિ પ્રત્યે આદર, નિયમિત પ્રાર્થના અને જીવમાત્ર પ્રત્યે કરૂણા રાખવામાં પણ દિવ્યતાનો અનુભવ થઈ શકે છે. ‘અષ્ટમી અષ્ટ ભુજા આઈ આનંદા, સુનિવર મુનિવર જન્મ્યાં દેવ દૈત્યો મા.’ દેવીનાં વિવિધ આયુધો અન્યાય સામે લડવાની શક્તિ અને ધર્મના રક્ષણનું પ્રતીક છે. માનવજીવનમાં પણ સદ્વૃત્તિ અને દુર્વૃત્તિ વચ્ચે સંઘર્ષ ચાલે છે.માતાજીની ઉપાસનાનો હેતુ ક્રોધ,લોભ, ઈર્ષ્યા અને અહંકાર જેવા દુર્ગુણો પર વિજય મેળવી નિર્ભયતાથી સત્યના માર્ગે ચાલવાનો છે. ‘નવમી નવકુળ નાગ સેવે નવદુર્ગા, નવરાત્રિનાં પૂજન શિવરાત્રિના અર્ચન કીધાં હરબ્રહ્મા.’
માતા શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, કૂષ્માંડા, સ્કંદમાતા, કાત્યાયની, કાલરાત્રિ, મહાગૌરી અને સિદ્ધિદાત્રી-આ નવદુર્ગાનાં નવ સ્વરૂપો છે,તેમની આરાધનાનો હેતુ માત્ર ધાર્મિક વિધિ પૂરતો નથી પરંતુ સંયમ,સેવા,ભક્તિ અને સદ્ગુણોનો વિકાસ કરવાનો છે.
‘દશમી દસ અવતાર જય વિજયાદશમી, રામે રામ રમાડ્યાં રાવણ રોળ્યો મા.’ વિજયાદશમી ભગવાન શ્રીરામ દ્વારા રાવણના વધ અને અધર્મ પર ધર્મના વિજય સાથે જોડાયેલો પર્વ છે.રાવણ વિદ્વાન અને શક્તિશાળી હોવા છતાં અહંકાર અને અન્યાયના માર્ગે ગયો. આધ્યાત્મિક દ્રષ્ટિએ રાવણ આપણા અંતરમાં રહેલા અહંકાર,ક્રોધ,લોભ અને મોહનું પ્રતીક પણ છે.સાચી વિજયાદશમી ત્યારે છે
જ્યારે આપણે પોતાની દુર્વૃત્તિઓ પર વિજય મેળવીએ.
‘એકાદશી અગિયારસ કાત્યાયની કામા, કામદુર્ગા કાલિકા શ્યામા ને રામા.’ કાત્યાયની નવદુર્ગાનું છઠ્ઠું સ્વરૂપ છે.શ્રીમદ્ ભાગવત મહાપુરાણમાં વ્રજની ગોપીઓ દ્વારા કાત્યાયની દેવીના વ્રતનું વર્ણન મળે છે.આ કડી શ્રદ્ધા-સંકલ્પ અને પવિત્ર ભાવનાનું મહત્વ સમજાવે છે.સાચી ભક્તિ સાથે વિવેક અને સદાચાર પણ જરૂરી છે. ‘બારસે બાળારૂપ બહુચરી અંબા મા, બટુક ભૈરવ સોહિયે કાળ ભૈરવ સોહિયે તારા છે તુજ મા.’ ગુજરાતમાં બહુચર માતાનું વિશેષ ધાર્મિક મહત્વ છે.બટુક ભૈરવ અને કાળભૈરવ ભગવાન શિવ
સાથે સંકળાયેલાં સ્વરૂપો છે.આ કડી શ્રદ્ધા-નિર્ભયતા અને રક્ષણના ભાવને પ્રગટ કરે છે. ‘તેરસે તુળજારૂપ તું તારિણી માતા, બ્રહ્મા વિષ્ણુ સદાશિવ ગુણ તારા ગાતાં.’ તુળજા ભવાની શક્તિનું પ્રસિદ્ધ સ્વરૂપ છે.‘તારિણી’ એટલે દુઃખો અને મુશ્કેલીઓમાંથી પાર
ઉતારનારી.આ કડી આપણને મુશ્કેલ સમયમાં ધૈર્ય,શ્રદ્ધા,સમજદારી અને સદ્કર્મનો આશ્રય લેવાની પ્રેરણા આપે છે. ‘ચૌદશે ચૌદ રૂપ ચંડી ચામુંડા, ભાવભક્તિ કંઈ આપો ચતુરાઈ કંઈ આપો સિંહવાહિની માતા.’ આ કડીમાં ભક્ત માતાજી પાસે ભાવભક્તિ અને ચતુરાઈ માગે છે.ભાવભક્તિ એટલે નિઃસ્વાર્થ પ્રેમ અને સમર્પણ, જ્યારે ચતુરાઈ એટલે વિવેકપૂર્વક યોગ્ય નિર્ણય લેવાની સમજણ. ભાવના સાથે વિવેક અને બુદ્ધિ સાથે કરૂણા હોય ત્યારે જીવન સંતુલિત બને છે. ‘પૂનમે કુંભ ભર્યો સાંભળજો કરૂણા મા, વસિષ્ઠ દેવે વખાણ્યાં માર્કંડ મુનિએ વખાણ્યાં ગાયે શુભ કવિતા.’
પૂનમ પૂર્ણતા અને શુભતાનું પ્રતીક છે.ભક્ત માતાજીને પોતાની પ્રાર્થના સાંભળવા, ભૂલોને ક્ષમા કરવા અને જીવનને સદ્માર્ગે દોરવા વિનંતી કરે છે.ભક્તિમાં અહંકાર કરતાં વિનમ્રતા વધુ મહત્વની છે. પોતાની ભૂલોનો સ્વીકાર કરીને તેને સુધારવાનો સંકલ્પ કરવો એ આધ્યાત્મિક પ્રગતિનું પગથિયું છે. ‘ત્રંબાવટી નગરી આઈ રૂપાવટી નગરી, સોળ સહસ્ત્ર ત્યાં સોહિયે, ક્ષમા કરો ગૌરી મા, દયા કરો
ગૌરી.’
આ કડીમાં ભક્ત ગૌરી માતાને ક્ષમા અને દયાની પ્રાર્થના કરે છે. ‘સોળ સહસ્ત્ર’ને માતાજીનાં અનેક સ્વરૂપો અને અસીમ મહિમાના પ્રતીક તરીકે પણ સમજી શકાય છે.પોતાની ભૂલોનું આત્મપરીક્ષણ કરીને તેને સુધારવું એ સાચી ઉપાસનાનો મહત્વનો ભાગ છે.
‘સંવત સોળ સતાવન સોળશે બાવીસમાં, સંવત સોળે પ્રગટ્યાં રેવાને તીરે.’ ‘રેવા’ નર્મદા નદીનું પ્રાચીન નામ છે.આરતીના પ્રાગટ્ય વિશેની લોકમાન્યતાઓમાં નર્મદા નદીના કિનારે માતાજીની કૃપા પ્રાપ્ત થયાનો ઉલ્લેખ મળે છે.આ કડીનો આધ્યાત્મિક ભાવ એ છે કે શ્રદ્ધા-તપશ્ચર્યા અને સમર્પણ દ્વારા ભક્ત પોતાના અંતરમાં દિવ્યતાનો અનુભવ કરી શકે છે. ‘શિવશક્તિની આરતી જે કોઈ ગાશે, ભણે શિવાનંદ સ્વામી સુખસંપત્તિ થાશે, હર કૈલાસે જાશે, મા અંબા દુઃખ હરશે.’ આ અંતિમ કડીમાં આરતી ગાનારને સુખસંપત્તિ-દુઃખમુક્તિ અને પરમશાંતિની પ્રાપ્તિનો ભક્તિભાવ વ્યક્ત થાય છે.સાચી સંપત્તિ માત્ર ધન નથી.મનની શાંતિ,પરિવારનો પ્રેમ,સદ્બુદ્ધિ,સંતોષ અને પરોપકાર પણ જીવનની અમૂલ્ય સંપત્તિ છે. આદ્યશક્તિની આરતી આપણને સમજાવે છે કે સમગ્ર સૃષ્ટિમાં એક જ પરમશક્તિ વિવિધ સ્વરૂપોમાં અભિવ્યક્ત થાય છે, કોઈ તેને દુર્ગા કહે છે, કોઈ કાળી, કોઈ મહાલક્ષ્મી, કોઈ સરસ્વતી અને કોઈ જગદંબા. નામ અને સ્વરૂપ ભલે જુદાં હોય પરંતુ શક્તિ,જ્ઞાન,કરૂણા અને કલ્યાણનો ભાવ સર્વત્ર રહેલો છે.
નવરાત્રિ દરમિયાન આપણે માતાજીની આરતી ઉતારીએ,ભજન ગાઈએ અને ઉપવાસ કરીએ છીએ. આ ધાર્મિક ક્રિયાઓની સાથે આત્મચિંતન પણ જરૂરી છે. શું આપણે માતા-પિતાનું સન્માન કરીએ છીએ? શું દીકરી અને પુત્રવધૂને સમાન આદર આપીએ છીએ? શું જરૂરિયાતમંદોને મદદ કરીએ છીએ? શું ક્રોધ,લોભ અને અહંકાર પર વિજય મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ? મંદિરમાં માતાજીનાં દર્શન કરવાં એ શ્રદ્ધા છે પરંતુ દરેક જીવમાં માનવતા જોવી એ આધ્યાત્મિકતા છે.આરતીમાં દીવો પ્રગટાવવો એ પરંપરા છે પરંતુ અંતરમાં જ્ઞાન,કરૂણા અને સદ્વિવેકનો પ્રકાશ પ્રગટાવવો એ સાચી સાધના છે.આથી નવરાત્રિના પવિત્ર અવસરે સંકલ્પ કરીએ કે માતાજીનાં સ્વરૂપોમાં રહેલા સદ્ગુણોને જીવનમાં ઉતારીશું,સ્ત્રીશક્તિનું સન્માન કરીશું, સત્યના માર્ગે ચાલીશું અને સમગ્ર સૃષ્ટિ પ્રત્યે કરૂણા તથા કૃતજ્ઞતાનો ભાવ રાખીશું. એ જ ‘જય આદ્યશક્તિ મા’ની આરતીનો સાચો આધ્યાત્મિક અર્થ છે અને એ જ શક્તિની ઉપાસનાની સાર્થકતા છે.
આલેખનઃ
કુ.લક્ષ્મી દુબે
lxmdubay@gmail.com





