વર્ષાે પછી તોડ્યું મૌન અભિનેતા ગોવિંદા સાથેના અફેર અને લગ્ન અંગે નીલમ કોઠારીનો ખુલાસો તે સમયે હું ખૂબ જ નાની હતી અને પરિસ્થિતિને પૂરી રીતે સમજી શકી નહોતી. મને ખબર નહોતી કે ગોવિંદા પરિણિત છે : નિલમ
૮૦ અને ૯૦ના દશકની જાણીતી બોલિવૂડ અભિનેત્રી નીલમ કોઠારી અને ગોવિંદાની જાેડી એક સમયે સિલ્વર સ્ક્રીન પર ખૂબ લોકપ્રિય રહી હતી. ઓન-સ્ક્રીન સાથે તેમની ઓફ-સ્ક્રીન કેમિસ્ટ્રી અને ડેટિંગની ચર્ચાઓ પણ અવારનવાર મીડિયામાં ચમકતી હતી. હવે લાંબા સમય બાદ નીલમ કોઠારીએ ગોવિંદા સાથેના પોતાના સંબંધો અને ચર્ચાઓ પર મૌન તોડીને મોટી સ્પષ્ટતા કરી છે.નીલમે તાજેતરમાં ખુલાસો કર્યાે હતો કે, તે સમયે તેને ગોવિંદા પરિણિત હોવાની કોઈ જાણકારી નહોતી. નીલમે કહ્યું, “તે સમયે હું ખૂબ જ નાની હતી અને પરિસ્થિતિને પૂરી રીતે સમજી શકી નહોતી. મને ખબર નહોતી કે ગોવિંદા પરિણિત છે, આ વાતની મને પાછળથી ખબર પડી હતી.” વધુમાં તેમણે ઉમેર્યું કે તેના માતા-પિતા ખૂબ જ કડક શિસ્ત વાળા હતા, તેથી તેઓ કોઈ સંબંધમાં રહી શકે તેમ નહોતા.આ ચર્ચા પર નીલમના પતિ અને અભિનેતા સમીર સોનીએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું કે, વીસ વર્ષ પહેલાં જે કંઈ થયું કે ન થયું, તેનાથી તેમને કોઈ ફરક પડતો નથી. સમીરે રમુજી અંદાજમાં કહ્યું કે, “ગોવિંદા આજે પણ એવું જ કહે છે કે તે નીલમને બેઇન્તહા પ્રેમ કરતો હતો.”ઉલ્લેખનીય છે કે, નીલમ અને ગોવિંદાએ ‘ઇલ્ઝામ‘, ‘લવ ૮૬’, ‘ખુદગર્જ’, ‘હત્યા’, ‘સિંદૂર’, ‘ફર્ઝ કી જંગ’ અને ‘ઘરાના’ જેવી ઘણી હિટ ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. એક્ટિંગ છોડ્યા બાદ નીલમે જ્વેલરી ડિઝાઇનિંગના ક્ષેત્રમાં પોતાની કારકિર્દી બનાવી હતી. તાજેતરમાં તેઓ નેટફ્લિક્સની પોપ્યુલર સિરીઝ ‘ફેબ્યુલસ લાઈવ્સ ઓફ બોલિવૂડ વાઇવ્સ’ દ્વારા ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે.




