
યુનિયન બેંક ઓફ ઇન્ડિયાના તત્કાલિન મેનેજર સામે ફરિયાદ.પ્રવાસન વિભાગના બેંક ખાતામાંથી ૨ કરોડની છેતરપિંડી થઇ.લાંબા સમયથી નિષ્ક્રિય રહેલ ખાતું એક્ટિવ કરી, તેમાંથી મોટી રકમ અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર કરી હતી.ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં આવેલી યુનિયન બેંક ઓફ ઇન્ડિયાની શાખામાંથી રાજ્યના પ્રવાસન વિભાગના બેંક ખાતામાંથી રૂ. ૨ કરોડની છેતરપિંડી થવાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. આ મામલે બેંકના તત્કાલિન મેનેજર હિમાંશુ ઝદોન તથા રિતેશ શેઠ સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
પ્રાથમિક તપાસ મુજબ આરોપીઓએ ખોટા દસ્તાવેજાેના આધારે લાંબા સમયથી નિષ્ક્રિય રહેલ ખાતું એક્ટિવ કરી, તેમાંથી મોટી રકમ અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર કરી હતી. આ ગેરરીતિ અંગે જાણ થતાં બેંકના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આંતરિક તપાસ હાથ ધરવામાં આવી હતી.
ઘટનાની ગંભીરતા જાેતા ૪ ડિસેમ્બરના રોજ તત્કાલિન મેનેજરને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. બાદમાં યુનિયન બેંક ઓફ ઇન્ડિયાના ડેપ્યુટી રિજિયોનલ મેનેજર દ્વારા ગાંધીનગર ઇન્ફોસિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ઇન્ફોસિટી પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા બેંકના દસ્તાવેજાે, ટ્રાન્ઝેક્શન વિગતો તેમજ સંડોવાયેલા અન્ય લોકોની ભૂમિકા અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.




