
આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા, સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખ રાજુભાઈ બોરખતરીયા અને અમરેલી જિલ્લા પ્રમુખ નિકુંજ સાવલિયા દ્વારા અમરેલીના સર્કિટ હાઉસ ખાતે એક મહત્વપૂર્ણ મુદ્દા પર પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રેસ કોન્ફરન્સમાં પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં ટૂંક સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર થવા જઈ રહી છે, તેને લઈને આમ આદમી પાર્ટીએ આજે પોતાની 445 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી છે. આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતમાં લોકોના મુદ્દાઓ પર લડત લડી રહી છે અને અવાજ ઉઠાવી રહી છે. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી એકલા હાથે પ્રથમવાર ચૂંટણી લડવા જઈ રહી છે. આમ આદમી પાર્ટી તમામ 12000 સીટો પર પોતાના ઉમેદવાર ઉતારશે.
સાથે સાથે આજે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી તથા પંજાબની આમ આદમી પાર્ટી સરકારના મુખ્યમંત્રી ભગવંત માનજી ગુજરાત પધારી રહ્યા છે. તેમની ગુજરાતમાં ત્રણ દિવસની વિઝીટ રહેશે. અમરેલી ખાતે એક ભવ્ય મોટી સભાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અરવિંદ કેજરીવાલજી તથા ભગવંત માનજી સહિત ગુજરાતનું પ્રદેશ નેતૃત્વ હાજર રહેશે. અમરેલીમાં આમ આદમી પાર્ટીનો આ એક પહેલો અને મોટો કાર્યક્રમ છે જેના કારણે આસપાસના વિસ્તારના લોકો પણ મોટી સંખ્યામાં હાજર રહેશે. આગામી 25 માર્ચે અમરેલીના નવા માર્કેટિંગ યાર્ડ પાસે બપોરે ત્રણ વાગે ભવ્ય સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સભા ગુજરાતની અંદર પરિવર્તનનો એક વિશ્વાસ અને સંદેશ લઈને આવશે. ગુજરાતને ભાજપની ગુલામી અને ભાજપના ભ્રષ્ટાચારમાંથી મુક્ત કરવાનું આંદોલન છે, એની શરૂઆત થઈ રહી છે. અમરેલીની આ સભામાં રાષ્ટ્રીય અને પ્રદેશના નેતાઓની સાથે સાથે આમ આદમી પાર્ટીના સ્થાનિક પદાધિકારીઓ અને અમરેલી જિલ્લાના તથા આસપાસના જિલ્લાના કાર્યકર્તાઓ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ગુજરાતના છેલ્લામાં છેલ્લા વ્યક્તિ સુધી આ સભાની વાત પહોંચી એવી અમારી આશા છે.





